“૧૩ વર્ષ CM અને ૧૨ વર્ષ PM… કરોડો દેશવાસીઓ આશીર્વાદ એ જ મારી અસલી મૂડી”: નેધરલેન્ડમાં ગર્જ્યા પીએમ મોદી
વિદેશની ધરતી પર જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચે છે, ત્યારે ત્યાં વસતો ભારતીય સમુદાય (ડાયસ્પોરા) ઉત્સાહ અને ઉમંગથી હિલોળે ચડે છે. આવી જ કંઈક અદ્ભુત ઝાંખી નેધરલેન્ડના ‘ધ હેગ’ શહેરમાં જોવા મળી. પીએમ મોદીએ અહીં વસતા હજારો ભારતીયોને સંબોધિત કરતા ભાવુક અંદાજમાં પોતાના રાજકીય પ્રવાસ અને ભારતના બદલાતા વૈશ્વિક ચિત્રની વાત કરી હતી. તેમણે પોતાના સંબોધનની શરૂઆતમાં જ કહ્યું કે, “આટલો પ્રેમ, આટલો આદર અને આવો અદભુત ઉત્સાહ જોઈને સાચું કહું તો હું થોડીવાર માટે ભૂલી જ ગયો હતો કે હું ભારતમાં નથી પણ નેધરલેન્ડમાં છું. મને તો એવું લાગી રહ્યું છે કે જાણે ભારતના જ કોઈ ખૂણામાં દિવાળી જેવો મોટો તહેવાર ઉજવાઈ રહ્યો હોય.”
૧૬ મે: ભારતની લોકશાહીનો એક ઐતિહાસિક દિવસ
પીએમ મોદીએ ૧૬ મેના દિવસનું મહત્વ સમજાવતા ડાયસ્પોરાને યાદ અપાવ્યું કે ભારતની રાજનીતિમાં આ દિવસ કેટલો ખાસ છે. તેમણે કહ્યું, “આજે ૧૬ મે છે અને આજથી બરાબર ૧૨ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૪ના આ જ દિવસે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા. એ એક એવો ઐતિહાસિક દિવસ હતો જ્યારે દાયકાઓ પછી ભારતના કરોડો મતદારોએ દેશમાં એક સ્થિર અને પૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવવાનો ફેંસલો કર્યો હતો. એ એક દિવસ હતો અને આજનો આ દિવસ છે, ભારત સતત પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે.”
૨૫ વર્ષનો અવિરત સેવાકાળ: “અહમ થી વયમ” સુધીની યાત્રા
પોતાની લાંબી રાજકીય સફરનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, “૧૩ વર્ષ મુખ્યમંત્રી તરીકે અને ૧૨ વર્ષ વડાપ્રધાન તરીકે જનતાની સેવા કરવાનો મને અવસર મળ્યો છે. વિશ્વના લોકતાંત્રિક ઈતિહાસમાં સતત ૨૫ વર્ષ સુધી કરોડો મતદારોનો આવો અવિરત પ્રેમ અને સમર્થન મળવું એ મારા માટે બહુ મોટું સૌભાગ્ય છે. આ મારા માટે માત્ર સત્તાના વર્ષો કે આંકડા નથી, પરંતુ દેશની જનતાના આશીર્વાદ મારી સૌથી મોટી મૂડી છે.”
તેમણે ઉમેર્યું કે દેશવાસીઓનો આ અતૂટ વિશ્વાસ જ તેમને ક્યારેય થાકવા કે અટકવા દેતો નથી. ખૂબ જ નાની ઉંમરે દેશભક્તિના રંગે રંગાયા બાદ દેશ જ તેમનો પરિવાર બની ગયો છે. આ સફરમાં ‘અહમ થી વયમ’ (હું થી અમે) સુધીનો રસ્તો આપોઆપ બની ગયો, જ્યાં જનતાનું દુઃખ એ જ તેમનું દુઃખ અને જનતાનું સુખ એ જ તેમનું સુખ બની ગયું છે.
આજના ભારતની ઓળખ: “નથી જોઈતું ટ્રાન્સફોર્મેશન, હવે જોઈએ છે બેસ્ટ અને ફાસ્ટેસ્ટ”
વડાપ્રધાને બદલાતા ભારતના મિજાજ વિશે વાત કરતા કહ્યું કે, જો કોઈ દેશે દુનિયામાં આગળ વધવું હોય તો તેણે મોટા સપના જોવા પડે છે. આજે ભારત માત્ર સપના નથી જોઈ રહ્યું પરંતુ તેને પૂરા પણ કરી રહ્યું છે. હવે ભારતને માત્ર સામાન્ય બદલાવ કે ટ્રાન્સફોર્મેશન નથી જોઈતું, ભારતને હવે દુનિયામાં જે ‘બેસ્ટ’ (સર્વશ્રેષ્ઠ) હોય તે જોઈએ છે, અને એટલું જ નહીં, જે બેસ્ટ હોય તે ‘ફાસ્ટેસ્ટ’ (સૌથી ઝડપી) ઝડપે જોઈએ છે. આજના ભારતના યુવાનો આકાશ આંબવા માંગે છે, તેઓ માત્ર નોકરીઓ શોધવાને બદલે અવનવા સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા, આધુનિક ડ્રોન બનાવવા, સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં ભારતને દુનિયાનું નેતૃત્વ કરાવવા માટે થનગની રહ્યા છે. આ જ કારણ છે કે આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ધરાવતો દેશ બની ચૂક્યો છે.
સરહદો ઓળંગી રહી છે ભારતીય આકાંક્ષાઓ
ભારતની વૈશ્વિક મહત્વકાંક્ષાઓ હવે કોઈ સીમાડામાં બંધાયેલી નથી. પીએમ મોદીએ ગર્વભેર જણાવ્યું કે ભારત હવે ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવા ઈચ્છે છે, ગ્લોબલ ગ્રીન એનર્જી લીડર બનવા તરફ અગ્રેસર છે અને વૈશ્વિક આર્થિક વિકાસના એન્જિન તરીકે ઉભરી રહ્યું છે. દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સ્પીડ હવે અનલિમિટેડ બની ગઈ છે. રેકોર્ડબ્રેક હાઈવેનું નિર્માણ, વંદે ભારત જેવી સેમી-હાઈસ્પીડ ટ્રેનો અને મોટામાં મોટા લક્ષ્યાંકોને સમય મર્યાદા પહેલાં પૂરા કરવા એ નવા ભારતની આદત બની ગઈ છે. ભારતે દુનિયાની સૌથી મોટી અને સફળ ‘AI સમિટ’ અને તે પહેલાં ‘G20 સમિટ’નું ભવ્ય આયોજન કરીને પોતાની વૈશ્વિક નેતૃત્વ ક્ષમતા સાબિત કરી દીધી છે.
ટેક્નોલોજી અને ઈનોવેશનનું ગ્લોબલ પાવરહાઉસ
પીએમ મોદીએ ભારતના ડિજિટલ અને વૈજ્ઞાનિક પાવરનો ચિતાર આપતા કહ્યું કે, દુનિયાની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ (આધાર) અને સૌથી મોટું ફાઈનાન્સિયલ ઈકોસિસ્ટમ આજે ભારતમાં સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. એટલું જ નહીં, ગરીબો માટે દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ (આયુષ્માન ભારત) પણ ભારત ચલાવે છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતે ચંદ્રના એવા દક્ષિણ ધ્રુવ પર ત્રિરંગો લહેરાવ્યો જ્યાં દુનિયાનો કોઈ દેશ આજ સુધી પહોંચી શક્યો નથી.
તેમણે એક અદ્ભુત આંકડો આપતા કહ્યું કે, વીતેલા વર્ષોમાં ભારતે જમીન પર જેટલો ઓપ્ટિકલ ફાઈબર કેબલ બિછાવ્યો છે, તેનું અંતર પૃથ્વીથી ચંદ્ર સુધીના અંતર કરતાં પણ ૧૧ ગણું વધારે છે! એક દાયકા પહેલાં જે ભારત મોબાઈલ ફોનની આયાત (ઈમ્પોર્ટ) કરતો હતો, તે આજે દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ નિકાસકાર (એક્સપોર્ટરે) દેશ બની ગયો છે. આજે ડિજિટલ વૉલેટથી લઈને ડિજિલૉકર સુધીની સુવિધાઓ સામાન્ય નાગરિકના હાથમાં છે. વૈશ્વિક સ્તરે થતા કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાંથી ૫૦% કરતાં પણ વધુ એકલા ભારતમાં થાય છે, જે દર મહિને ૨૦ બિલિયનથી વધુનો આંકડો વટાવી ચૂક્યા છે.
Delighted to interact with the Indian community in The Hague. Their warmth, achievements and strong bond with India continue to make us proud. https://t.co/DVKQo1pKXw
— Narendra Modi (@narendramodi) May 16, 2026
સ્ટાર્ટઅપ ક્રાંતિ અને “ડિઝાઈન ઇન ઇન્ડિયા, મેડ ઇન્ડિયા” ચિપ્સ
દેશમાં થઈ રહેલા ઔદ્યોગિક પરિવર્તનની વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે વર્ષ ૨૦२૫માં ભારતમાં અંદાજે ૪૪ હજાર નવા સ્ટાર્ટઅપ્સની શરૂઆત થઈ છે. આ ઉપરાંત, ટેક્નોલોજી પર પોતાની પકડ મજબૂત કરવા માટે ગયા વર્ષે ભારતમાં ૧.૨૫ લાખથી વધુ પેટન્ટ ફાઈલ કરવામાં આવી છે. ભવિષ્યની દુનિયા જે ચિપ્સ અને સેમિકન્ડક્ટર પર ચાલવાની છે, તે ક્ષેત્રમાં પણ ભારતે મજબૂત કદમ ઉઠાવ્યા છે. હાલમાં દેશમાં ૧૨ જેટલા વિશાળ સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે, જેમાંથી ૨ પ્લાન્ટમાં તો પ્રોડક્શન પણ શરૂ થઈ ચૂક્યું છે. હવે એ દિવસો દૂર નથી જ્યારે દુનિયાના ગેજેટ્સમાં વપરાતી ચિપ ‘ડિઝાઇન ઇન ઇન્ડિયા’ અને ‘મેડ ઇન ઇન્ડિયા’ હશે.
સંકટના સમયમાં ભારત-નેધરલેન્ડની વૈશ્વિક ભાગીદારી
વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ પર ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે, પહેલા કોરોના મહામારી, પછી ભયાનક યુદ્ધો અને હવે વૈશ્વિક ઉર્જા સંકટ (Energy Crisis) – આ દાયકો સમગ્ર વિશ્વ માટે આપત્તિઓનો દાયકો સાબિત થઈ રહ્યો છે. જો આ પરિસ્થિતિઓ ઝડપથી ન બદલાય તો દુનિયાએ છેલ્લા કેટલાક દાયકાઓમાં મેળવેલી આર્થિક સિદ્ધિઓ રોળાઈ જશે અને એક બહુ મોટી વસ્તી ફરી ગરીબીના દલદલમાં ધકેલાઈ જશે. આવા કપરા સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ એક સુરક્ષિત અને ભરોસાપાત્ર ‘સપ્લાય ચેઈન’ની શોધમાં છે, ત્યારે ભારત અને નેધરલેન્ડ બંને સાથે મળીને ભવિષ્ય માટે એક પારદર્શી, વિશ્વસનીય અને મજબૂત સપ્લાય ચેઈન બનાવવા માટે ખભેખભો મિલાવીને કામ કરી રહ્યા છે.
