એપસ્ટિન અને અદાણી કેસ મુદ્દે સંસદમાં સંગ્રામ: રાહુલ ગાંધીએ વીડિયો જાહેર કરી ભાજપ-RSS ને લલકાર્યા.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વિસ્ફોટક વીડિયો જાહેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે આરોપ લગાવ્યો છે કે વર્તમાન સરકારે અમેરિકા સાથેના સોદામાં ભારતની સ્વાયત્તતા અને ડેટાની સુરક્ષા સાથે બાંધછોડ કરીને દેશને ‘વેચી’ દીધો છે.
“વડાપ્રધાનની આંખોમાં ડર છે”
પોતાના વીડિયો સંદેશમાં રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસના કાર્યકરોને સંબોધતા કહ્યું, “તમારા વડાપ્રધાનની આંખોમાં જુઓ; તમને સ્પષ્ટપણે ડર દેખાશે. તેઓ સંસદમાં આવતા ડરે છે અને તેનું કારણ માત્ર વિપક્ષનો સૂત્રોચ્ચાર નથી. તેઓ એપસ્ટિન ફાઇલ્સ અને અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલા કેસથી ગભરાયેલા છે.” રાહુલે ઉમેર્યું કે અહિંસા અને લોકશાહી ભારતનો પાયો છે, જેનાથી સરકાર કેમ ડરી રહી છે?
અમેરિકા સાથેના સોદા પર ગંભીર આક્ષેપો
રાહુલ ગાંધીએ પીએમ મોદીને સીધો સવાલ કરતા કહ્યું, “તમે શરમની વાત કરો છો? હું તમને જણાવું કે શરમજનક શું છે. તમે અમેરિકા સાથે જે વેપાર સોદા કર્યા છે તે દેશ માટે અપમાનજનક છે. ભારતને આ સોદાઓમાંથી કંઈ મળ્યું નથી. તમે આપણા દેશનો કિંમતી ડેટા વેચી દીધો, ખેડૂતોનું હિત જોખમમાં મૂક્યું અને દેશના કાપડ ઉદ્યોગને બરબાદ કરી દીધો – આ ખરેખર શરમજનક છે.”
मोदी जी, आप शर्म की बात करते हो? शर्म की बात मैं आपको बताता हूं।
Epstein files में आपका, आपके मंत्री और आपके मित्र का साथ में नाम आना, ऐसे घिनौने अपराधी के साथ आपका नाम जुड़ा होना – ये शर्म की बात है।
आपने अमेरिका के साथ जो Trade deal की है, जिसमें आपने देश को बेच दिया – ये… pic.twitter.com/fLFJf4SjNC
— Rahul Gandhi (@RahulGandhi) February 23, 2026
એપસ્ટિન અને અદાણી કૌભાંડનો ઉલ્લેખ
રાહુલે જેફરી એપસ્ટિન ફાઇલ્સનો ઉલ્લેખ કરીને સનસની ફેલાવી દીધી હતી. તેમણે દાવો કર્યો કે, “એપસ્ટિન ફાઇલ્સમાં તમારા, તમારા મંત્રીઓના અને તમારા ખાસ મિત્રોના નામ ઇમેઇલ્સમાં એકસાથે જોવા મળી રહ્યા છે. આખા દેશને ખબર છે કે અમેરિકામાં અદાણી સામેનો કેસ તમારી રાતોની ઊંઘ હરામ કરી રહ્યો છે, કારણ કે આ માત્ર એક ઉદ્યોગપતિનો કેસ નથી, પણ ભાજપના આખા નાણાકીય માળખા સામેનો કેસ છે.” તેમણે પ્રશ્ન કર્યો કે ૧૪ મહિના વીતી ગયા છતાં આ ગંભીર બાબતો પર કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી?
“કોંગ્રેસના કાર્યકરો સિંહ જેવા છે”
વીડિયોના અંતમાં રાહુલ ગાંધીએ પોતાના કાર્યકરોમાં ઉત્સાહ પૂરતા કહ્યું કે અમે બંધારણના રક્ષણ માટે કટિબદ્ધ છીએ. તેમણે અનિલ અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓનો ઉલ્લેખ કરીને પીએમ પર કટાક્ષ કર્યો અને કોંગ્રેસના કાર્યકરોને સિંહ ગણાવીને પાછળ ન હટવાની હાકલ કરી.
રાહુલ ગાંધીના આ આક્ષેપો બાદ હવે ભાજપ તરફથી કેવો પલટવાર આવે છે તેના પર સૌની નજર છે. એપસ્ટિન ફાઇલ્સ અને અદાણી કેસનો મુદ્દો આવનારા દિવસોમાં સંસદથી લઈને રસ્તા સુધી ગાજશે તે નક્કી છે.