IPL ઈતિહાસનો સૌથી મોટો સોદો: રાજસ્થાન રોયલ્સ 1.63 અબજ ડોલરમાં વેચાઈ
ઇન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની વિજેતા ટીમ રાજસ્થાન રોયલ્સે હવે મેદાનની બહાર પણ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અહેવાલો અનુસાર, અમેરિકા સ્થિત ભારતીય ઉદ્યોગપતિ કલ સોમાનીના નેતૃત્વ હેઠળના ગ્રુપ દ્વારા રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝીને 1.63 અબજ ડોલર (આશરે 13,500 કરોડ રૂપિયાથી વધુ) માં ખરીદી લેવામાં આવી છે. આ સાથે જ રાજસ્થાન રોયલ્સ 1 અબજ ડોલરનો આંકડો વટાવનારી આઈપીએલની પ્રથમ ટીમ બની ગઈ છે.
સોમાની ગ્રુપને મળ્યો અમેરિકન દિગ્ગજોનો સાથ
આ ઐતિહાસિક સોદામાં કલ સોમાનીને વિશ્વના જાણીતા ઉદ્યોગપતિઓનો ટેકો મળ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, સોમાની સાથે વોલમાર્ટ પરિવારના રોબ વોલ્ટન અને હેમ્પ ફેમિલી પણ આ ગ્રુપમાં સામેલ છે. નોંધનીય છે કે હેમ્પ ફેમિલી અમેરિકાની પ્રખ્યાત ફૂટબોલ લીગ NFLની ટીમ ‘ડેટ્રોઇટ લાયન્સ’માં પણ મોટી ભાગીદારી ધરાવે છે. કલ સોમાની પોતે ટેકનોલોજી અને એજ્યુકેશન ક્ષેત્રે મોટું નામ ધરાવે છે અને તેઓ અગાઉ પણ રોયલ્સમાં થોડી હિસ્સેદારી ધરાવતા હતા.
જુના માલિકો અને વેચાણની પ્રક્રિયા
રાજસ્થાન રોયલ્સના વર્તમાન માલિકો છેલ્લા છ મહિનાથી ટીમની 100 ટકા હિસ્સેદારી વેચવા માટે વાતચીત કરી રહ્યા હતા. અત્યાર સુધી આ ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ બ્રિટિશ-ભારતીય ઉદ્યોગપતિ મનોજ બદલે કરી રહ્યા હતા, જેમની કંપની ઇમર્જિંગ મીડિયા વેન્ચર્સે 2008માં માત્ર 67 મિલિયન ડોલરમાં આ ટીમ ખરીદી હતી. જે તે સમયે આઈપીએલની સૌથી સસ્તી ટીમ હતી, તે આજે સૌથી મોંઘી ટીમ બનીને ઉભરી છે. જોકે, ટીમનું માલિકી હક સત્તાવાર રીતે આઈપીએલ 2026ની સિઝન પૂર્ણ થયા બાદ જ બદલાશે.
અન્ય ટીમોના મૂલ્યાંકન સાથે સરખામણી
આ અગાઉ સંજીવ ગોએન્કાના RPSG ગ્રુપે લખનૌ સુપર જાયન્ટ્સને 940 મિલિયન ડોલરમાં ખરીદી હતી, જ્યારે અદાણી અને ટોરેન્ટ ગ્રુપ જેવી કંપનીઓ વચ્ચેની રેસ બાદ ટોરેન્ટ ગ્રુપે ગુજરાત ટાઇટન્સમાં 67 ટકા હિસ્સો 575 મિલિયન ડોલરમાં મેળવ્યો હતો. પરંતુ રાજસ્થાનના આ સોદાએ તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર રાજસ્થાન જ નહીં, પરંતુ આગામી સમયમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના વેચાણની પણ શક્યતાઓ છે અને તેની બોલી પણ આટલી જ ઊંચી રહેવાની ધારણા છે.

