રણજી ટ્રોફીમાં ચમક્યો ટીમ ઈન્ડિયાનો ભાવિ સ્ટાર! પહેલા 400 રન, હવે રોજ નવા રેકોર્ડ, 30 વર્ષે મળશે ડેબ્યૂની તક?

5 Min Read

રણજી ટ્રોફીમાં 29 વર્ષના ચિન્મય સુતારે રચ્યો ઇતિહાસ, 103 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો; પ્રથમ 5 ઇનિંગ્સમાં 834 રન

ભારતીય ઘરેલુ ક્રિકેટમાં અત્યારે એક નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે અને તે છે ચિન્મય સુતાર. મિઝોરમ તરફથી રણજી ટ્રોફી રમી રહેલા આ 29 વર્ષીય બેટરે પોતાની શાનદાર બેટિંગથી ક્રિકેટ જગતમાં સૌનું ધ્યાન ખેંચ્યું છે. પહેલા નાગાલેન્ડ સામે અણનમ 400 રનની ઐતિહાસિક ઇનિંગ રમીને ચર્ચામાં આવેલા ચિન્મયે હવે વધુ એક મોટો વિશ્વવિક્રમ પોતાના નામે કર્યો છે. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની પોતાની શરૂઆતની પાંચ ઇનિંગ્સમાં કુલ 834 રન બનાવીને 103 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ પાંચ ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયા છે. ખાસ વાત એ છે કે ચિન્મયે આ સિદ્ધિ એવા સમયે મેળવી છે, જ્યારે તેમની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની શરૂઆતને હજુ થોડો જ સમય થયો છે. હવે તેમના આ પ્રદર્શન બાદ ભારતીય ટીમમાં સ્થાન મેળવવાની શક્યતાઓ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

બિલ પોન્સફોર્ડનો 103 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

ચિન્મય સુતારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની પ્રથમ પાંચ ઇનિંગ્સમાં 834 રન બનાવીને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટર બિલ પોન્સફોર્ડનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પોન્સફોર્ડે વર્ષ 1921થી 1923 દરમિયાન પોતાની શરૂઆતની પાંચ ઇનિંગ્સમાં 724 રન બનાવ્યા હતા. તેમનો આ રેકોર્ડ 103 વર્ષથી અકબંધ હતો.

- Advertisement -

run.jpg

ચિન્મયે અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં 175 રનની શાનદાર ઇનિંગ રમીને આ સિદ્ધિ મેળવી હતી. આ ઇનિંગ સાથે તેમના પ્રથમ પાંચ ફર્સ્ટ ક્લાસ દાવના કુલ રન 834 થઈ ગયા હતા. આ પ્રદર્શન દ્વારા તેમણે અફઘાનિસ્તાનના બશીર શાહને પણ પાછળ છોડી દીધા છે, જેમણે પોતાની શરૂઆતની છ ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં 831 રન બનાવ્યા હતા.ચિન્મયની આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કે તેમણે ખૂબ ઓછા સમયમાં સતત મોટી ઇનિંગ્સ રમીને વિશ્વસ્તરે પોતાની ઓળખ બનાવી છે. તેમની બેટિંગમાં દેખાતી સાતત્યતા અને મોટી ઇનિંગ રમવાની ક્ષમતા ઘરેલુ ક્રિકેટમાં ચર્ચાનો વિષય બની છે.

- Advertisement -

ડેબ્યૂમાં સદી ચૂકી ગયા, ત્યારબાદ 400 રનની અણનમ ઇનિંગ રમી

ચિન્મય સુતારની આ સફળતા પાછળ તેમની સતત મહેનત અને મોટી ઇનિંગ્સ રમવાની ક્ષમતા જોવા મળે છે. તેમણે ચાલુ 2026-27ની રણજી ટ્રોફી સીઝનમાં મણિપુર સામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. પોતાની પ્રથમ મેચની બે ઇનિંગ્સમાં તેમણે 35 અને 99 રન બનાવ્યા હતા. ખાસ વાત એ છે કે તેઓ માત્ર એક રનથી પોતાની પ્રથમ સદી ચૂકી ગયા હતા.

જોકે, બીજી જ મેચમાં તેમણે પોતાની બેટિંગથી બધાને ચોંકાવી દીધા હતા. નાગાલેન્ડ સામે રમાયેલી મેચમાં ચિન્મયે 517 બોલમાં અણનમ 400 રન બનાવ્યા હતા. તેમની આ ઐતિહાસિક ઇનિંગમાં 46 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થયો હતો. તેમના શાનદાર પ્રદર્શનને કારણે મિઝોરમની ટીમે 9 વિકેટે 581 રન બનાવીને દાવ જાહેર કર્યો હતો.

રણજી ટ્રોફીના ઇતિહાસમાં 400 રન બનાવનાર ચિન્મય બીજા બેટર બન્યા હતા. આ પહેલાં 1948-49ની સીઝનમાં ભાઉસાહેબ નિમ્બાલકરે મહારાષ્ટ્ર તરફથી કાઠિયાવાડ સામે અણનમ 443 રન બનાવ્યા હતા. આમ, ચિન્મયે ભારતીય ઘરેલુ ક્રિકેટના ઇતિહાસમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે.ત્યારબાદ મેઘાલય સામેની મેચમાં પણ તેમનું શાનદાર પ્રદર્શન ચાલુ રહ્યું હતું. તેમણે આ મેચમાં 125 રનની ઇનિંગ રમી હતી. હવે અરુણાચલ પ્રદેશ સામે 175 રન બનાવીને તેમણે પોતાની પ્રતિભાનો ફરી પરિચય આપ્યો છે. આ રીતે પ્રથમ પાંચ ઇનિંગ્સમાં તેમના સ્કોર અનુક્રમે 35, 99, 400*, 125 અને 175 રહ્યા છે.

- Advertisement -

29 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવાની આશા

ચિન્મય સુતારની સફળતાની બીજી ખાસ વાત તેમની ઉંમર છે. તેમની ઉંમર 29 વર્ષ અને 186 દિવસ છે. સામાન્ય રીતે ભારતીય ક્રિકેટમાં યુવા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરતા હોય છે. જોકે, ચિન્મયે સાબિત કર્યું છે કે પ્રતિભા અને સતત સારા પ્રદર્શનના આધારે કોઈપણ ઉંમરે નવી ઓળખ બનાવી શકાય છે.

run0.jpg

ચિન્મય મૂળ મુંબઈના છે અને તેમણે પોતાની ક્રિકેટ કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં મુંબઈ ક્રિકેટમાંથી ઘણું શીખ્યું છે. જોકે, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમને મુંબઈ તરફથી રમવાની તક મળી નહોતી. હવે તેઓ મિઝોરમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને આ ટીમ તરફથી રમતાં જ તેમણે પોતાની કારકિર્દીની ઐતિહાસિક શરૂઆત કરી છે.તેમણે પોતાના શાનદાર પ્રદર્શન અંગે વાત કરતાં જણાવ્યું હતું કે રન બનાવવા અને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવા બદલ તેઓ ખુશ છે. મુંબઈ ક્રિકેટમાં શરૂઆતના વર્ષો દરમિયાન તેમણે શીખ્યું હતું કે જ્યારે બેટર સારી ફોર્મમાં હોય ત્યારે તેણે વધુમાં વધુ રન બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

રણજી ટ્રોફી 2026-27માં ચિન્મય અત્યાર સુધી 208.50ની સરેરાશથી 834 રન બનાવી ચૂક્યા છે અને હાલમાં સીઝનના સૌથી વધુ રન બનાવનારા બેટરોમાં પ્રથમ સ્થાને છે.જોકે, ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવું અને ભારતીય ટીમમાં સ્થાન મેળવવું બંને અલગ પડકાર છે. ચિન્મયે હજુ પોતાની ફોર્મ જાળવી રાખવાની સાથે આગામી મેચોમાં પણ સતત સારું પ્રદર્શન કરવું પડશે. જો તેઓ આવી જ બેટિંગ ચાલુ રાખશે તો પસંદગીકારોનું ધ્યાન ચોક્કસ તેમના તરફ ખેંચાઈ શકે છે.

Share This Article