₹10,000 કે ₹20,000ની જાતે નક્કી કરો મર્યાદા! RBI બદલશે ડિજિટલ બેંકિંગના નિયમો
આજના ડિજિટલ યુગમાં UPI, નેટ બેંકિંગ અને કાર્ડ દ્વારા થતા વ્યવહારોએ આપણું જીવન ઘણું સરળ બનાવ્યું છે, પરંતુ તેની સાથે ઓનલાઇન છેતરપિંડીના બનાવો પણ ચિંતાજનક રીતે વધ્યા છે. ઘણીવાર એક નાનકડી ભૂલ કે સાયબર ઠગની જાળમાં ફસાવાથી લોકોની જીવનભરની કમાણી ગણતરીની મિનિટોમાં ખાલી થઈ જતી હોય છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેંક ગ્રાહકોને ડિજિટલ છેતરપિંડીથી બચાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ સુરક્ષા પગલાં સૂચવ્યા છે.

આ નવી દરખાસ્તોમાં કટોકટીના સમયે પૈસા જતા અટકાવવા માટે ‘સ્ટોપ સ્વિચ’ (Stop Switch) ની સુવિધા, ગ્રાહકો પોતે નક્કી કરી શકે તેવી ટ્રાન્ઝેક્શન મર્યાદા અને મોટી રકમના ટ્રાન્સફર માટે કોઈ વિશ્વાસુ વ્યક્તિની મંજૂરી લેવાનો વિકલ્પ સામેલ છે. RBI એ જવાબદાર વ્યાવસાયિક આચરણ (responsible business conduct) અંગેના પોતાના નિર્દેશોમાં સુધારાના મુસદ્દા તરીકે આ પ્રસ્તાવો રજૂ કર્યા છે. તેનો મુખ્ય હેતુ ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ પર વધુ નિયંત્રણ આપવાનો અને ઇલેક્ટ્રોનિક બેંકિંગ ફ્રોડ અટકાવવામાં બેંકોની જવાબદારી વધુ મજબૂત બનાવવાનો છે.
શું છે RBI નો પ્રસ્તાવિત ‘સ્ટોપ સ્વિચ’?
જ્યારે કોઈ ગ્રાહકને શંકા જાય કે તેનો ફોન, બેંક ખાતાની વિગતો કે ડિજિટલ પેમેન્ટની એક્સેસ જોખમમાં છે, ત્યારે દરેક પેમેન્ટ ચેનલને અલગ-અલગ બંધ કરાવવા માટે બેંકનો સંપર્ક કરવો સમય માંગી લે છે. આ સમસ્યાના ઉકેલ માટે RBI એ ‘સ્ટોપ સ્વિચ’ નામની ઇમરજન્સી સુવિધા લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનાથી ગ્રાહક એક જ સુવિધા દ્વારા ખાતામાંથી થતા તમામ આઉટગોઇંગ ડેબિટ તાત્કાલિક બંધ કરી શકશે.
એકવાર સ્ટોપ સ્વિચ ચાલુ થઈ જાય પછી, ગ્રાહક ખાતામાંથી કોઈ નવો ડેબિટ વ્યવહાર કરી શકશે નહીં, નવા પેમેન્ટ મેન્ડેટ કે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન સેટ કરી શકશે નહીં, તેમજ કોઈ નવી થર્ડ-પાર્ટી પેમેન્ટ એપ પર UPI રજિસ્ટ્રેશન પણ કરી શકશે નહીં.
આ સુવિધાની ખાસિયત એ છે કે તેનાથી તમારું આખું બેંક ખાતું ફ્રીઝ નહીં થાય. ખાતામાં આવતા પૈસા અને ક્રેડિટ વ્યવહારો રાબેતા મુજબ ચાલુ રહેશે. ઉપરાંત, અગાઉથી ચાલતા રિકરિંગ મેન્ડેટ અને સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન તેમજ લોનના હપ્તા કે બેંક ચાર્જ જેવા બેંક દ્વારા થતા ડેબિટ વ્યવહારો અટકશે નહીં. બાદમાં ગ્રાહક નિર્ધારિત ઓથેન્ટિકેશન પ્રક્રિયા પૂર્ણ કરીને આ સુવિધાને બંધ કરી શકશે. પેમેન્ટ સુવિધાઓ ફરી શરૂ કરતાં પહેલાં બેંકો વાજબી ‘કૂલિંગ-ઓફ પીરિયડ’ અથવા વધારાના સુરક્ષા નિયમો લાગુ કરી શકે છે.
હવે ગ્રાહકો પોતે નક્કી કરી શકશે ડિજિટલ ટ્રાન્ઝેક્શનની મર્યાદા
હાલમાં ગ્રાહકોએ બેંકો કે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો દ્વારા નક્કી કરાયેલી મર્યાદાઓ પર જ નિર્ભર રહેવું પડે છે. RBI ના નવા પ્રસ્તાવ મુજબ, હવે ગ્રાહકો વિવિધ ડિજિટલ પેમેન્ટ ચેનલો માટે પોતાની મર્યાદા જાતે નક્કી કરી શકશે.
નવા મુસદ્દા અનુસાર, ગ્રાહકો દરેક વ્યક્તિગત ટ્રાન્ઝેક્શનની મહત્તમ મર્યાદા, કોઈ ચોક્કસ લાભાર્થી માટે દૈનિક મર્યાદા અને દરેક પેમેન્ટ ચેનલની દૈનિક કુલ મર્યાદા સેટ કરી શકશે. આ સાથે તમામ ડિજિટલ પેમેન્ટ ચેનલોને મળીને એકંદરે દૈનિક મર્યાદા પણ નક્કી કરી શકાશે. વધુમાં, પસંદગીની પેમેન્ટ ચેનલો કયા ચોક્કસ સમયગાળા દરમિયાન બંધ રહેવી જોઈએ, તે પણ ગ્રાહકો નક્કી કરી શકશે.
ઉદાહરણ તરીકે, જો બેંક વધુ રકમ ટ્રાન્સફર કરવાની છૂટ આપતી હોય, તો પણ ગ્રાહક કોઈ ચોક્કસ લાભાર્થી માટે દૈનિક મર્યાદા ₹20,000 સુધી સીમિત કરી શકે છે, અથવા કોઈ ખાસ પેમેન્ટ ચેનલ પર એક વ્યવહારની મર્યાદા ₹10,000 રાખી શકે છે. આ નિયંત્રણો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) કાર્ડ પર પણ લાગુ થશે. ગ્રાહકો ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો ચાલુ કે બંધ કરી શકશે તેમજ ATM, પોઈન્ટ-ઓફ-સેલ (POS), ઓનલાઇન અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટે અલગ મર્યાદાઓ સેટ કરી શકશે. વધુમાં, નવા ગ્રાહકોને જોડતી વખતે બેંકોએ ડિજિટલ પેમેન્ટ ચેનલોને ડિફોલ્ટ રીતે બંધ રાખવી પડશે, જે ગ્રાહકની સ્પષ્ટ સંમતિ અને ઓથેન્ટિકેશન બાદ જ શરૂ થઈ શકશે.
મોટા વ્યવહારોની સુરક્ષા માટે ‘ટ્રસ્ટેડ પર્સન મિકેનિઝમ’
મોટી રકમની છેતરપિંડી અટકાવવા માટે RBI એ ‘ટ્રસ્ટેડ પર્સન મિકેનિઝમ’ (TPM) ની મહત્વપૂર્ણ દરખાસ્ત કરી છે. આ અંતર્ગત ગ્રાહક 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈ વિશ્વાસુ વ્યક્તિને નોમિનેટ કરી શકશે, જે મોટા મૂલ્યના ટ્રાન્સફર માટે વધારાના ઓથેન્ટિકેશન તરીકે મંજૂરી આપશે.
આ સુવિધા સ્વૈચ્છિક રહેશે અને તમામ ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે. ગ્રાહક બેંકની શાખા કે ડિજિટલ માધ્યમથી વિશ્વાસુ વ્યક્તિને નોમિનેટ કરી શકશે, અને બેંક સત્તાવાર રીતે માન્ય દસ્તાવેજ દ્વારા તેમની ઓળખ ચકાસશે. કઈ રકમથી વધુના વ્યવહાર માટે મંજૂરી જરૂરી રહેશે, તે મર્યાદા ગ્રાહક પોતે નક્કી કરી શકશે.
જ્યારે કોઈ ટ્રાન્સફર આ મર્યાદા કરતાં વધુ હશે, ત્યારે વિશ્વાસુ વ્યક્તિને રકમ અને લાભાર્થી સહિતની વિગતો મળશે. તેમની પાસે વ્યવહારને મંજૂર કરવા માટે એક કલાકનો સમય રહેશે. જો તે વ્યક્તિ વ્યવહાર નકારે અથવા એક કલાકમાં જવાબ ન આપે, તો ટ્રાન્ઝેક્શન રદ થશે. આ વ્યવસ્થા શરૂ કરતાં પહેલાં ગ્રાહક અને નોમિનેટ થયેલી વ્યક્તિ બંનેની સ્પષ્ટ સંમતિ તેમજ 24 કલાકનો કૂલિંગ-ઓફ પીરિયડ જરૂરી રહેશે.

મહત્વનું છે કે વિશ્વાસુ વ્યક્તિને ગ્રાહકના બેંક ખાતા, બેલેન્સ, ફિક્સ્ડ ડિપોઝિટ, રોકાણ કે વીમાની વિગતોની કોઈ એક્સેસ નહીં મળે. તેઓ જાતે કોઈ વ્યવહાર શરૂ કરી શકશે નહીં અને પોતે મંજૂર કે નામંજૂર કરેલા વ્યવહારો માટે જવાબદાર પણ ગણાશે નહીં.
ક્યારે લાગુ થશે આ નિયમો?
હાલમાં આ તમામ નિયમો માત્ર મુસદ્દાના તબક્કામાં છે અને હજુ અમલમાં આવ્યા નથી. RBI એ આ દરખાસ્તો પર સંબંધિત પક્ષકારો અને સામાન્ય જનતા પાસેથી 14 ડિસેમ્બર 2026 સુધીમાં સૂચનો મંગાવ્યા છે. જો આ નિયમોને અંતિમ સ્વરૂપ અપાશે, તો તે 1 જુલાઈ 2027 થી અમલમાં આવશે—અથવા જો બેંકો ઈચ્છે તો તે પહેલાં પણ આ સુવિધાઓ શરૂ કરી શકશે.
