ક્રેડિટ કાર્ડમાં પૈસા સુરક્ષિત છે એવું માનો છો? આ કિસ્સો તમારી ઊંઘ ઉડાવી દેશે!
ડિજિટલ યુગમાં ઓનલાઈન પેમેન્ટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જેટલો સરળ બન્યો છે, તેટલું જ સાયબર છેતરપિંડીનું જોખમ પણ વધ્યું છે. સામાન્ય રીતે બેંકો અને પોલીસ દ્વારા એવી સલાહ આપવામાં આવે છે કે કોઈની સાથે તમારો OTP, PIN કે કાર્ડની વિગતો શેર ન કરવી. પરંતુ વિચારો કે જો તમે આ તમામ સાવચેતીઓ રાખી હોય, કોઈ અજાણી લિંક પર ક્લિક ન કર્યું હોય અને કોઈને OTP પણ ન આપ્યો હોય, છતાં તમારા ક્રેડિટ કાર્ડમાંથી લાખો રૂપિયા ઉપડી જાય તો શું થાય? આવો જ એક ચોંકાવનારો કિસ્સો તાજેતરમાં બેંગલુરુમાં સામે આવ્યો છે, જ્યાં એક સોફ્ટવેર એન્જિનિયરના બે અલગ-અલગ ક્રેડિટ કાર્ડમાંથી ગઠિયાઓએ કુલ ₹૫.૪૭ લાખની ઉચાપત કરી લીધી છે.
આ ઘટનાએ સાબિત કર્યું છે કે સાયબર ગુનેગારો હવે એટલા શાતિર બની ગયા છે કે સામાન્ય સુરક્ષા નિયમોનું પાલન કરવા છતાં કાર્ડધારકો ડિજિટલ સ્કેમનો શિકાર બની શકે છે. ચાલો જાણીએ બેંગલુરુમાં આખરે શું બન્યું હતું અને તમે તમારા ક્રેડિટ કાર્ડને આવા હાઈ-ટેક ફ્રોડથી કઈ રીતે સુરક્ષિત રાખી શકો છો.

બેંગલુરુના કેસમાં આખરે શું બન્યું હતું?
બેંગલુરુના ઈન્દિરાનગર વિસ્તારમાં રહેતા ૩૧ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર ૧૧ નવેમ્બરના રોજ આ સાયબર હુમલાનો ભોગ બન્યા હતા. બપોરે ૧૨:૫૬ વાગ્યાથી લઈને ૨:૦૦ વાગ્યાની વચ્ચે, એટલે કે માત્ર એક કલાકના ગાળામાં તેમના મોબાઈલ પર એક પછી એક ટ્રાન્ઝેક્શનના મેસેજ આવવા લાગ્યા હતા. સાયબર ગઠિયાઓએ તેમના અમેરિકન એક્સપ્રેસ (Amex) ક્રેડિટ કાર્ડમાંથી ₹૪.૦૨ લાખ અને આરબીએલ (RBL) બેંકના ક્રેડિટ કાર્ડમાંથી ₹૧.૪૪ લાખના અનધિકૃત વ્યવહારો કરી નાખ્યા હતા. આમ, ગણતરીની મિનિટોમાં જ તેમને ₹૫.૪૭ લાખનો મોટો આર્થિક ફટકો પડ્યો હતો.
પોલીસ ફરિયાદમાં એન્જિનિયરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ન તો તેમણે કે ન તો તેમના પરિવારના કોઈ સભ્યએ કોઈની સાથે કાર્ડની વિગતો, OTP કે PIN શેર કર્યા હતા. આટલું જ નહીં, તેમણે પોતાના ફોનમાં કોઈ શંકાસ્પદ APK ફાઈલ પણ ડાઉનલોડ કરી નહોતી કે કોઈ પેમેન્ટને મંજૂરી પણ આપી નહોતી. ટ્રાન્ઝેક્શનના એલર્ટ મળતા જ તેમણે તાત્કાલિક બંને બેંકોનો સંપર્ક કરીને પોતાના કાર્ડ બ્લોક કરાવી દીધા હતા. ત્યારબાદ તેમણે નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર જાણ કરી અને બેંગલુરુના ઈસ્ટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT) એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૧૮ હેઠળ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ગઠિયાઓએ કાર્ડની વિગતો કઈ રીતે મેળવી અને OTP વગર ટ્રાન્ઝેક્શન કેવી રીતે પાર પાડ્યા, તે અંગે હાલ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
ક્રેડિટ કાર્ડ ફ્રોડથી પોતાને સુરક્ષિત રાખવા શું કરવું?
ભલે તમે તમારા કાર્ડની વિગતો કોઈને ન આપી હોય, તેમ છતાં આજના સમયમાં ડેટા લીક કે ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન દ્વારા છેતરપિંડી થવાની શક્યતા રહેલી છે. આથી, દરેક કાર્ડધારકે નીચે મુજબની સાવચેતીઓ અવશ્ય રાખવી જોઈએ:
ટ્રાન્ઝેક્શન એલર્ટ ચાલુ રાખો: તમારા બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડ સાથે તમારો ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી હંમેશા રજિસ્ટર્ડ રાખો, જેથી કોઈપણ નાનો-મોટો વ્યવહાર થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય.
ટ્રાન્ઝેક્શન લિમિટ સેટ કરો: બેંકની મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારા કાર્ડ પર ઓનલાઈન, ઈન્ટરનેશનલ (આંતરરાષ્ટ્રીય) અને કોન્ટેક્ટલેસ (Tap & Pay) વ્યવહારોની મર્યાદા નક્કી કરો. ખાસ કરીને જો તમારે વિદેશી વેબસાઈટ પર ખરીદી ન કરવી હોય, તો ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન બંધ જ રાખો, કારણ કે વિદેશી પેમેન્ટ ગેટવે પર ઘણીવાર OTP વગર પૈસા કપાઈ જતા હોય છે.
શંકાસ્પદ લિંકથી દૂર રહો: SMS, વોટ્સએપ કે ઈમેલ પર આવતી કોઈપણ અજાણી પેમેન્ટ લિંક પર ક્લિક ન કરો અને અસુરક્ષિત વેબસાઈટ પર કાર્ડની વિગતો દાખલ કરવાનું ટાળો.
સેવ કરેલી કાર્ડની વિગતો હટાવો: જે શોપિંગ વેબસાઈટ્સ કે એપ્લિકેશન્સનો તમે હવે ઉપયોગ નથી કરતા, ત્યાંથી તમારા ક્રેડિટ કાર્ડની સેવ કરેલી વિગતો તાત્કાલિક ડિલીટ કરી દો.
અજાણી APK ફાઈલ ક્યારેય ઈન્સ્ટોલ ન કરો: કોઈપણ થર્ડ-પાર્ટી લિંક દ્વારા મોકલવામાં આવેલી એપ્લિકેશન કે APK ફાઈલ ફોનમાં ડાઉનલોડ ન કરો, કારણ કે તેનાથી હેકર્સને તમારા ફોનનો સંપૂર્ણ કંટ્રોલ મળી શકે છે.
લોભામણી ઓફર્સ અને અજાણી ઈમેજથી બચો: આકર્ષક ડિસ્કાઉન્ટ કે રિવોર્ડ પોઈન્ટ્સની લાલચ આપતા અજાણ્યા મેસેજનો જવાબ ન આપો કે તેમાં આવેલી શંકાસ્પદ ઈમેજ ડાઉનલોડ ન કરો.

જો અનધિકૃત ટ્રાન્ઝેક્શન થઈ જાય, તો તાત્કાલિક શું પગલાં લેવા?
જો કમનસીબે તમારા ક્રેડિટ કાર્ડમાંથી તમારી જાણ બહાર પૈસા કપાઈ જાય, તો ગભરાયા વગર નીચેના પગલાં તરત જ લો:
કાર્ડ તાત્કાલિક બ્લોક કરો: વધુ નુકસાન અટકાવવા માટે બેંકની સત્તાવાર હેલ્પલાઈન પર ફોન કરીને અથવા મોબાઈલ એપ દ્વારા તરત જ કાર્ડ બ્લોક કરી દો.
બેંકમાં લેખિત ફરિયાદ (Dispute) નોંધાવો: દરેક અનધિકૃત ટ્રાન્ઝેક્શન અંગે બેંકને ઈમેલ કે લેખિતમાં જાણ કરો. ફરિયાદનો રેફરન્સ નંબર મેળવો અને તેની રસીદ સાચવી રાખો. રિઝર્વ બેંક (RBI) ના નિયમ મુજબ, જો તમે ૩ દિવસની અંદર બેંકને જાણ કરો છો, તો તમારી જવાબદારી શૂન્ય રહે છે.
૧૯૩૦ (1930) પર કોલ કરો: નાણાકીય સાયબર છેતરપિંડીની જાણ કરવા માટે તાત્કાલિક નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરો અથવા
cybercrime.gov.inપોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવો. આનાથી પૈસા ફ્રીઝ થવાની શક્યતા વધી જાય છે.પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો: બેંક સ્ટેટમેન્ટ, ટ્રાન્ઝેક્શન એલર્ટના સ્ક્રીનશોટ, SMS અને બેંકમાં કરેલી ફરિયાદની નકલ સાથે નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જઈને FIR નોંધાવો.
