આણંદની યશવી માટે આશાનું કિરણ બન્યો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ
“સરકારની યોજનાને કારણે આજે મારી દીકરી ફરીથી હસતી થઈ છે” – આ શબ્દો આણંદના આંકલાવડી ગામના એક પિતા અજયસિંહ ટાંટોડના છે, જેમની ૮ વર્ષની દીકરી યશવી ગંભીર બીમારીનો ભોગ બની હતી. જ્યારે કોઈ ગંભીર બીમારી બાળકની નિર્દોષ મુસ્કાન છીનવી લે અને સામે લાખોનો ખર્ચ આવીને ઊભો રહે, ત્યારે સામાન્ય પરિવાર માટે આભ ફાટવા જેવી સ્થિતિ હોય છે. પરંતુ ગુજરાત સરકારના ‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RBSK) એ યશવીના જીવનમાં આશાનું નવું કિરણ ફેલાવ્યું છે.
ગંભીર બીમારી અને પિતાની આર્થિક લાચારી
યશવીને અચાનક સતત થાક, નબળાઈ અને શરીર પર લાલ ચકામા દેખાવા લાગ્યા હતા. તપાસ કરાવતા માલૂમ પડ્યું કે તેનું હિમોગ્લોબિન અને પ્લેટલેટ્સ ખતરનાક રીતે ઘટી ગયા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલ (GCRI) ખાતે નિદાન થયું કે તે ‘એપ્લાસ્ટિક એનિમિયા’ નામની અત્યંત ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. આ બીમારીનો એકમાત્ર ઈલાજ ‘બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ’ હતો, જેનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં આશરે ૨૦ લાખ રૂપિયા જેટલો થાય છે. સામાન્ય નોકરી કરતા પિતા માટે આ રકમ ચૂકવવી અશક્ય હતી.
૨૦ લાખનું ઓપરેશન સરકાર દ્વારા વિનામૂલ્યે કરાયું
આ કપરા સમયે RBSK ની ટીમ વ્હારે આવી હતી. યશવીની નાની બહેન ભવ્યાના રિપોર્ટ મેચ થતા, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ૨૦ લાખ રૂપિયાની મોંઘીદાટ સર્જરી સરકારી ખર્ચે બિલકુલ મફત કરવામાં આવી હતી. ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ થયેલું આ સફળ ઓપરેશન યશવી માટે વરદાન સાબિત થયું. સરકારની આ સંવેદનશીલતાને કારણે એક મધ્યમવર્ગીય પિતાને આર્થિક પાયમાલીમાંથી બચાવી લેવામાં આવ્યા અને દીકરીને નવું જીવન મળ્યું.
યશવીની મુસ્કાન પરત ફરતા પરિવારમાં ખુશીનો માહોલ
૧૭ ફેબ્રુઆરીએ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ યશવી હવે પોતાના ઘરે સુરક્ષિત છે અને ફરીથી હસતી-રમતી થઈ ગઈ છે. તેના પિતાએ ગળગળા સાદે સરકાર અને ડોક્ટરોની ટીમનો આભાર માનતા કહ્યું કે જો આ યોજના ન હોત તો તેમની દીકરીની સારવાર ક્યારેય ન થઈ શકી હોત. આ કિસ્સો સાબિત કરે છે કે છેવાડાના માનવી સુધી પહોંચતી સરકારી સ્વાસ્થ્ય સેવાઓ સામાન્ય જનતા માટે ખરેખર દેવદૂત સમાન સાબિત થઈ રહી છે.
