IPL 2026 ઓપનિંગ મેચ: RCB vs SRH મુકાબલામાં કોણ જીતશે? AI ની આગાહી જાણી લો
આઈપીએલ 2026 ના જંગનો પ્રારંભ 28 માર્ચ, શનિવારના રોજ થવા જઈ રહ્યો છે. આ સિઝનની પ્રથમ મેચમાં ગત વર્ષની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) આમને-સામને ટકરાશે. ક્રિકેટપ્રેમીઓમાં અત્યારથી જ ઉત્તેજના છે કે આ હાઈ-વોલ્ટેજ ડ્રામામાં કઈ ટીમ વિજયી બનશે. આ અંગે જ્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેણે ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે.
કોણ જીતશે પ્રથમ મેચ: શું કહે છે આંકડા?
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની ટક્કર વિશે ગૂગલ જેમિની (AI) એ ભવિષ્યવાણી કરતા જણાવ્યું છે કે, આ મુકાબલામાં RCB ની જીતવાની શક્યતા 55 ટકા છે, જ્યારે SRH માટે 45 ટકા તકો દેખાઈ રહી છે. આ આગાહી માત્ર અંદાજો નથી, પરંતુ ટીમોની તાકાત, હોમ ગ્રાઉન્ડ અને ખેલાડીઓની ફોર્મને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
RCB ને ઘર આંગણે રમવાનો મળશે મોટો ફાયદો
આરસીબીની ટીમ અત્યારે આત્મવિશ્વાસથી છલોછલ છે કારણ કે તેઓ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરી રહ્યા છે. સૌથી મોટો ફાયદો એ છે કે આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની છે. ચિન્નાસ્વામીમાં આરસીબીના ચાહકો ’12મા ખેલાડી’ ની ભૂમિકા ભજવે છે, જે ટીમનું મનોબળ વધારે છે. વિરાટ કોહલી અને રજત પાટીદાર જેવા બેટ્સમેનોની હાજરી આ ટીમને વધુ મજબૂત બનાવે છે.
પેટ કમિન્સની ગેરહાજરી અને ઈશાન કિશનની કપ્તાની
બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે આ વખતે શરૂઆત થોડી પડકારજનક હોઈ શકે છે. ટીમના નિયમિત કેપ્ટન પેટ કમિન્સ અંગત કારણોસર પ્રથમ મેચમાં હાજર રહી શકશે નહીં. તેમની ગેરહાજરીમાં સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન ટીકની કપ્તાની સંભાળશે. આઈપીએલમાં ઈશાન પ્રથમવાર કેપ્ટન તરીકેની ભૂમિકામાં દેખાશે, જે તેના માટે અને ટીમ માટે એક નવો અનુભવ હશે. કમિન્સની ગેરહાજરીને કારણે હૈદરાબાદનું બોલિંગ આક્રમણ પણ થોડું નબળું દેખાઈ રહ્યું છે.
ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા: SRH નું સૌથી મોટું હથિયાર
ભલે AI એ હૈદરાબાદને 45 ટકા જીતની તક આપી હોય, પરંતુ આ ટીમને ઓછી આંકવી ભૂલભરેલી સાબિત થઈ શકે છે. તેની પાછળનું મુખ્ય કારણ છે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની ઓપનિંગ જોડી. આ જોડી જો પાવરપ્લેમાં આક્રમક બેટિંગ કરે, તો તેઓ ગમે તેવા સ્કોરને આંબી શકે છે. મિડલ ઓર્ડરમાં હેનરિક ક્લાસેન અને લિયામ લિવિંગસ્ટોન જેવા વિસ્ફોટક બેટ્સમેનો હોવાને કારણે SRH છેલ્લી ઘડીએ પણ મેચ પલટી શકે છે.

