સેના પર ટિપ્પણી મામલે રાહુલ ગાંધીને રાહત, સુપ્રીમ કોર્ટે કાર્યવાહી પરનો સ્ટે લંબાવ્યો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઇલાહાબાદ હાઇકોર્ટના 29 મેના નિર્ણયને પડકાર્યો છે, જેમાં નીચલી અદાલતના સમન્સ આદેશને પડકારતી તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે ભારતીય સેના પર અપમાનજનક ટિપ્પણી સાથે જોડાયેલા મામલામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધની કાર્યવાહી પર લાગેલી રોક (સ્ટે) ને આગળ વધારી દીધી છે. કોર્ટે રોક લગાવવાના તેના વચગાળાના આદેશની અવધિ 4 ડિસેમ્બર સુધી લંબાવી છે.
અહેવાલ મુજબ, જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે કેસની સુનાવણી સ્થગિત કરતાં જણાવ્યું કે મુલતવી રાખવા માટે એક પત્ર આપવામાં આવ્યો હતો. કોર્ટ રાહુલ ગાંધીની તે અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં તેમણે આ મામલામાં નીચલી અદાલતના સમન્સ આદેશને પડકારતી અરજીને ફગાવી દેવાના ઇલાહાબાદ હાઇકોર્ટના 29 મેના આદેશને પડકાર્યો છે.
સુપ્રીમ કોર્ટે 4 ઓગસ્ટના રોજ લખનઉની એક અદાલતમાં પડતર કેસમાં આગળની કાર્યવાહી પર સુનાવણીની આગામી તારીખ સુધી રોક લગાવી દીધી હતી.
રાહુલ ગાંધીની ટિપ્પણી અને કોર્ટની નારાજગી
રાહુલ ગાંધીએ ડિસેમ્બર, 2022 માં તેમની ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સેના પર ટિપ્પણી કરતાં આરોપ લગાવ્યો હતો કે ચીની સેનાએ સરહદ પર ભારતનો 2,000 ચોરસ કિલોમીટર વિસ્તાર કબજે કરી લીધો છે અને અરુણાચલ પ્રદેશમાંથી આપણા જવાનોને હાંકી કાઢ્યા છે.
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઑગસ્ટીન જ્યોર્જ મસીહની બેન્ચે ત્યારે તેમની વિરુદ્ધની કાર્યવાહી પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેમણે રાહુલ ગાંધીની ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી હતી.
બેન્ચે રાહુલ ગાંધીને પૂછ્યું હતું, “તમને મીડિયા કે સોશિયલ મીડિયા પર આ બધું કહેવાની શું જરૂર હતી? શું તમે ત્યાં હાજર હતા? તમને કેવી રીતે ખબર કે 2,000 ચોરસ કિલોમીટર વિસ્તાર કબજે કરી લેવામાં આવ્યો છે? શું તમારી પાસે કોઈ વિશ્વાસપાત્ર માહિતી છે?“
બેન્ચે કહ્યું હતું, “કોઈ પુરાવા વિના તમે આ નિવેદન શા માટે આપી રહ્યા છો? જો તમે સાચા ભારતીય છો, તો તમે આવી વાત નહીં કહો.“
કાયદાકીય દલીલ અને કોર્ટનો પ્રતિભાવ
રાહુલ ગાંધીના વકીલ સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે તેમના અસીલ એક પબ્લિક સર્વન્ટ છે અને બંધારણના અનુચ્છેદ 19(1)(a) હેઠળ તેમને બોલવાની સ્વતંત્રતાનો અધિકાર છે. કોર્ટે તેમની આ દલીલ પર અસહમતિ વ્યક્ત કરી અને કહ્યું કે તેમને અનુચ્છેદ 19(1)(a) હેઠળ આ અધિકાર છે, પરંતુ જ્યારે સરહદ પર તણાવ ચાલી રહ્યો હોય ત્યારે વિપક્ષના નેતા હોવાને કારણે શું તેમણે આવા નિવેદનો આપવા જોઈએ?

