રિટાયરમેન્ટ પ્લાનિંગ: મોંઘવારી વચ્ચે પણ તમારું ફંડ આજીવન કેવી રીતે ચાલશે? આ રહી ૫૦ વર્ષની સચોટ ફોર્મ્યુલા.
નિવૃત્તિ (Retirement) પછી દર મહિને એક ચોક્કસ આવક મળતી રહે અને જીવનભર મહેનત કરીને ભેગી કરેલી મૂડી સમય જતાં પહેલાં ખૂટી ન જાય, તે દરેક રોકાણકાર માટે સૌથી ચિંતાનો વિષય હોય છે. માની લો કે નિવૃત્તિ સમયે તમારી પાસે રૂ. ૨.૫ કરોડનું ભંડોળ (Corpus) છે અને તમે આ મૂડીના જોરે આગામી ૨૫ વર્ષ સુધી તમારું ગુજારાન ચલાવવા માંગો છો. આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે દર મહિને કેટલા રૂપિયાનો ઉપાદ (Withdrawal) કરવો જેથી નાણાકીય સુરક્ષા જળવાઈ રહે.

જો તમે રૂ. ૨.૫ કરોડના ફંડને એવા સુરક્ષિત વિકલ્પોમાં રોકો છો જ્યાંથી વાર્ષિક સરેરાશ ૬% રિટર્ન મળતું હોય, તો દર મહિને રૂ. ૨ લાખ ઉપાડવા શક્ય બનશે નહીં. નાણાકીય ગણતરી મુજબ જો દર મહિને રૂ. ૨ લાખ ઉપાડવામાં આવે, તો આ આખું ફંડ માત્ર ૧૫ વર્ષની અંદર જ શૂન્ય થઈ શકે છે.
૬% વાર્ષિક રિટર્ન પર દર મહિને કેટલો ઉપાડ યોગ્ય ગણાય?
નિવૃત્તિ ફંડમાંથી પૈસા ઉપાડતી વખતે સૌથી મહત્વની બાબત એ છે કે ઉપાડનો દર (Withdrawal Rate) રોકાણ પર મળતા વ્યાજ કે રિટર્ન કરતાં ખૂબ વધારે ન હોવો જોઈએ. ઉદાહરણ તરીકે, જો રૂ. ૨.૫ કરોડના ફંડ પર વાર્ષિક ૬% રિટર્ન મળતું હોય, તો અલગ-અલગ ટકાવારી મુજબ આ રીતે ગણતરી થઈ શકે:
૪% ઉપાડ દર: આ દર મુજબ વર્ષે રૂ. ૧૦ લાખ એટલે કે દર મહિને આશરે રૂ. ૮૩,૩૩૩ ઉપાડી શકાય છે. આનાથી તમારી મૂળ મૂડી સુરક્ષિત રહે છે.
૫% ઉપાડ દર: આ પરિસ્થિતિમાં દર મહિને આશરે રૂ. ૧.૦૪ લાખ મેળવી શકાય છે.
૬% ઉપાડ દર: આ દરે માસિક રકમ રૂ. ૧.૨૫ લાખ થાય છે. નિયમિત વ્યાજ અને ઉપાડના સંતુલનને કારણે આ ફંડ આશરે ૪૯ વર્ષ સુધી ચાલી શકે છે.
૭% ઉપાડ દર: દર મહિને રૂ. ૧.૪૬ લાખ નો ઉપાડ કરવાથી આ રકમ આશરે ૨૮ વર્ષ સુધી ચાલશે, જે ૨૫ વર્ષના રિટાયરમેન્ટ પ્લાન માટે અનુકૂળ છે.
૮% ઉપાડ દર: જો દર મહિને રૂ. ૧.૬૭ લાખ ઉપાડવામાં આવે, તો આ ભંડોળ આશરે ૨૧ વર્ષમાં સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે.
દર મહિને રૂ. ૨ લાખ ઉપાડવાથી શું થશે?
જો કોઈ વ્યક્તિ રૂ. ૨.૫ કરોડના મૂળ ફંડમાંથી શરૂઆતથી જ દર મહિને રૂ. ૨ લાખ ઉપાડવાનું શરૂ કરે છે, તો વાર્ષિક ઉપાડ રૂ. ૨૪ લાખ સુધી પહોંચી જાય છે. આ રકમ તમારા કુલ ફંડના ૯.૬% જેટલી થાય છે.
જ્યારે વાર્ષિક રિટર્ન ૬% હોય અને ઉપાડનો દર ૯.૬% જેટલો ઊંચો હોય, ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજના અભાવે તમારું આખું ભંડોળ આશરે ૧૫ વર્ષમાં જ ખાલી થઈ જશે. તેથી, ૨૫ વર્ષથી વધુ સમયના નિવૃત્તિ જીવન માટે દર મહિને ૨ લાખ રૂપિયા ઉપાડવાની વ્યૂહરચના અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
મોંઘવારી સાથે દર વર્ષે ઉપાડ વધારવાની સચોટ ગણતરી
નિવૃત્તિ જીવનમાં મોંઘવારી (Inflation) ને કારણે દર વર્ષે દૈનિક ખર્ચાઓ વધતા રહે છે. આથી ઘણા રોકાણકારો દર વર્ષે પોતાના માસિક ઉપાડમાં ૫% નો વધારો કરવાનું આયોજન કરે છે. જોકે, ઉપાડમાં દર વર્ષે વધારો કરવાથી મૂળ મૂડી પર દબાણ ઝડપથી વધવા લાગે છે.
રૂ. ૮૦,૦૦૦ થી શરૂઆત: જો રૂ. ૨.૫ કરોડમાંથી પ્રથમ વર્ષે દર મહિને રૂ. ૮૦,૦૦૦ ઉપાડવામાં આવે અને દર વર્ષે આ રકમમાં ૫% નો વધારો કરવામાં આવે, તો ૬% રિટર્નના આધારે આ ફંડ ૨૯ વર્ષ સુધી ચાલશે.
રૂ. ૯૦,૦૦૦ થી શરૂઆત: જો શરૂઆતનો માસિક ઉપાડ રૂ. ૯૦,૦૦૦ રાખવામાં આવે, તો ૫% ના વાર્ષિક વધારા સાથે આ ફંડ ૨૬ વર્ષ ચાલશે.
રૂ. ૧ લાખથી શરૂઆત: જો પ્રથમ વર્ષે દર મહિને રૂ. ૧ લાખ ઉપાડીને દર વર્ષે ૫% નો વધારો કરવામાં આવે, તો પૈસા આશરે ૨૪ વર્ષ ચાલવાનો અંદાજ છે.
રૂ. ૨ લાખથી શરૂઆત: જો મોંઘવારીના દરને ધ્યાનમાં રાખીને દર વર્ષે ૫% ના વધારા સાથે શરૂઆતથી જ રૂ. ૨ લાખ ઉપાડવામાં આવે, તો સમગ્ર ફંડ માત્ર ૧૧ વર્ષ માં જ પૂરું થઈ જશે.

નિવૃત્તિના પ્લાનિંગમાં ઉતાવળ ટાળો: યોગ્ય એસેટ એલોકેશન જરૂરી
આ આંકડાકીય ગણતરી પરથી સ્પષ્ટ થાય છે કે રૂ. ૨.૫ કરોડનું ભંડોળ મોટું ચોક્કસ દેખાય છે, પરંતુ તેમાંથી દર મહિને કેટલી રકમ ઉપાડવામાં આવે છે તે વધારે મહત્વનું છે. આગામી ૨૫ થી ૩૦ વર્ષ સુધી આર્થિક નિશ્ચિંતતા જાળવી રાખવી હોય તો નિવૃત્તિના શરૂઆતના વર્ષોમાં ઉપાડ પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. આ ઉપરાંત ટેક્સ, મેડિકલ ઈમરજન્સી અને બજારની અસ્થિરતાને પણ ધ્યાનમાં રાખવી જોઈએ.
માત્ર ૬% રિટર્ન આપતા સુરક્ષિત સાધનોમાં બધું જ રોકાણ કરવાને બદલે, રોકાણકારો પોતાની જરૂરિયાત મુજબ અમુક રકમ ડેટ (Fixed Income) માં અને અમુક હિસ્સો લાંબા ગાળા માટે ઇક્વિટી કે મ્યુચ્યુઅલ ફંડ જેવા વિકલ્પોમાં રોકી શકે છે. યોગ્ય એસેટ એલોકેશન અને શિસ્તબદ્ધ વિથડ્રોઅલ સ્ટ્રેટેજીથી રિટાયરમેન્ટ ફંડને લાંબા સમય સુધી અકબંધ રાખી શકાય છે.
