‘રણવીર અલ્હાબાદિયાએ 8 વાર અશ્લીલ સવાલ પૂછ્યો હતો…’, ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ વિવાદ પર સમય રૈનાનો મોટો ધડાકો
જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના ફરી એકવાર ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. તાજેતરમાં સમય રૈનાએ તેની યુટ્યુબ ચેનલ પર ‘સમય રૈના સ્ટિલ અલાઈવ’ નામનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે રણવીર અલ્હાબાદિયા સાથે જોડાયેલા જૂના વિવાદ પર મૌન તોડ્યું છે અને કેટલીક ચોંકાવનારી વાતો જાહેર કરી છે.
એડિટિંગમાં હટાવી દીધા હતા 99% સવાલો
સમય રૈનાએ આ વીડિયોમાં ખુલાસો કર્યો કે જ્યારે ‘ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ’ શોમાં રણવીર અલ્હાબાદિયાએ માતા-પિતાના સંબંધો વિશે વિવાદિત સવાલ પૂછ્યો, ત્યારે સોશિયલ મીડિયા પર લોકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો હતો. લોકો પૂછતા હતા કે આ સવાલ વીડિયોમાંથી હટાવ્યો કેમ નહીં? તેના જવાબમાં સમય રૈનાએ કહ્યું કે, “હું સાચું કહું છું કે તે એપિસોડમાં રણવીરે એક જ અશ્લીલ સવાલ 8 વાર પૂછ્યો હતો. આ સિવાય પણ તેણે ઘણા ગંદા સવાલો કર્યા હતા જે અમે એડિટિંગમાં કાઢી નાખ્યા હતા.”
“1% કીટાણુ રહી ગયો અને વિવાદ થયો”
સમયે વધુમાં ઉમેર્યું કે, જ્યારે તેણે પહેલીવાર એડિટ કરેલો વીડિયો જોયો ત્યારે તેને પોતે પણ લાગ્યું હતું કે આ બધું ઘણું ખરાબ દેખાઈ રહ્યું છે. સમયના કહેવા પ્રમાણે, “અમે અમારી તરફથી 99% ગંદકી સાફ કરી દીધી હતી, પણ પેલો 1% કીટાણુ રહી ગયો જેના કારણે આટલો મોટો વિવાદ થયો.” તેણે સ્વીકાર્યું કે રણવીરના અનેક વિવાદિત સવાલોમાંથી એક સવાલ શોમાં રાખવો એ ભારે પડી ગયો હતો.
શું હતો 2025નો એ વિવાદ?
તમને જણાવી દઈએ કે વર્ષ 2025માં સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ’માં યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા ગેસ્ટ તરીકે આવ્યા હતા. આ દરમિયાન તેમણે માતા-પિતાના અંગત સંબંધો વિશે એક અત્યંત વાંધાજનક સવાલ પૂછ્યો હતો. આ સવાલને કારણે વિવાદ એટલો વધી ગયો હતો કે લોકોની લાગણી દુભાતા છેવટે શો બંધ કરવો પડ્યો હતો.
Samay just dropped the real BOMB 💣 💀😭😭#SamayRaina pic.twitter.com/UwdzZeib3X
— Digital News Hub (@digital_newshub) April 7, 2026
FIR અને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ
આ મામલો માત્ર સોશિયલ મીડિયા પર વિરોધ સુધી સીમિત રહ્યો ન હતો. સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાની સાથે શોના અન્ય ગેસ્ટ અપૂર્વા મખીજા અને આશિષ ચંચલાની વિરુદ્ધ પણ FIR દાખલ કરવામાં આવી હતી. આ ઘટના બાદ તમામ કલાકારોને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. હવે લાંબા સમય બાદ સમય રૈનાએ આ ઘટના પાછળનું અસલી સત્ય જણાવીને ફરીથી ચર્ચા જગાવી છે.
