IPL 2026 પહેલા CSK સાથે જોડાયો સંજુ સેમસન; ચેન્નાઈમાં ‘ચેટ્ટન’નું ભવ્ય સ્વાગત, જુઓ VIDEO
ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ક્રિકેટ જગતમાં સૌથી મોટી ચર્ચા સંજુ સેમસનના નવા સફરની છે. ટી20 વર્લ્ડ કપ 2026ના હીરો અને સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન ગુરુવારે, 19 માર્ચના રોજ પોતાની નવી ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે જોડાઈ ગયા છે. ચેન્નાઈ પહોંચતા જ સંજુનું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રાજસ્થાન રોયલ્સના પૂર્વ કેપ્ટન હવે પાંચ વખતની ચેમ્પિયન ટીમ સીએસકે તરફથી રમતા જોવા મળશે. સીએસકે કેમ્પમાં સામેલ થવા માટે સંજુ જ્યારે ચેન્નાઈ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે ચાહકોનો ઉત્સાહ જોવા જેવો હતો. ફ્રેન્ચાઈઝીએ આ ખાસ પળોના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ચેન્નાઈમાં ‘ચેટ્ટન’નું આગમન: CSKએ શેર કરી ખાસ પોસ્ટ
ચેન્નાઈ સુપર કિંગ્સે ગુરુવારે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સંજુ સેમસનની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું, “ચેન્નાઈમાં ચેટ્ટન.” ઉલ્લેખનીય છે કે મલયાલમ ભાષામાં ‘ચેટ્ટા’નો અર્થ મોટો ભાઈ થાય છે. અન્ય એક પોસ્ટમાં ફ્રેન્ચાઈઝીએ લખ્યું, “જે ક્ષણની આપણે રાહ જોઈ રહ્યા હતા! વર્લ્ડ ચેમ્પિયન સંજુ સેમસન આવી ગયા છે.”
સીએસકે દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સંજુનો દબદબો સ્પષ્ટપણે જોઈ શકાય છે. તાજેતરમાં જ સંપન્ન થયેલા ટી20 વર્લ્ડ કપમાં સંજુ ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ રહ્યો હતો, જ્યાં તેણે માત્ર 5 મેચમાં 321 રન ફટકાર્યા હતા. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા સંજુને હવે ‘યેલો જર્સી’માં જોવા માટે ચેન્નાઈના ચાહકો આતુર છે.
𝙲𝙷𝙴𝚃𝚃𝙰𝙽 𝙸𝙽 𝙲𝙷𝙴𝙽𝙽𝙰𝙸 🦁
#WhistlePodu #Dencoming pic.twitter.com/gTa7soBoyf
— Chennai Super Kings (@ChennaiIPL) March 19, 2026
પ્રથમ વખત CSKની જર્સીમાં દેખાશે સંજુ; જૂની ટીમ સામે જ થશે ટક્કર
લાંબા સમય સુધી રાજસ્થાન રોયલ્સની ઓળખ બનેલા સંજુ સેમસન આઈપીએલ 2026માં પ્રથમ વખત ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમશે. સીએસકેએ એક મેગા ટ્રેડ હેઠળ રવિન્દ્ર જાડેજા અને સેમ કરનને રાજસ્થાનને સોંપીને સંજુને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ ટ્રેડ આઈપીએલ ઈતિહાસના સૌથી મોટા સોદાઓમાંથી એક માનવામાં આવે છે.
Chennai feels Sanju’s aura 💛#Dencoming #WhistlePodu pic.twitter.com/hphCN9sVuf
— Chennai Super Kings (@ChennaiIPL) March 19, 2026
રસપ્રદ વાત એ છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સ આ સીઝનમાં પોતાના અભિયાનની શરૂઆત 30 માર્ચના રોજ ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચથી કરશે. આનો અર્થ એ છે કે સંજુ સેમસન પોતાની નવી ટીમ માટે પ્રથમ મેચ જ પોતાની જૂની ટીમ રાજસ્થાન સામે રમશે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે સીએસકે મેનેજમેન્ટ સંજુને એમ.એસ. ધોનીના અનુગામી અને ટીમના ભાવિ કેપ્ટન તરીકે તૈયાર કરી રહ્યું છે.
