ચા લવર્સ માટે ચેતવણી! વધુ માત્રામાં ચા અને ખોટા સમયે પાણી પીવાથી શરીરનું સંતુલન બગડે છે, બચવા શું કરશો?
ભારતીયોને ચા સાથે ખૂબ જ લગાવ હોય છે, જેને તેઓ સવારે ઉઠતાની સાથે જ પીવાનું પસંદ કરે છે. આજે પણ ઘણા એવા લોકો છે, જે સવારે ઉઠીને સૌથી પહેલા ચા પીવાનું પસંદ કરે છે. ખાલી પેટે ચા પીવી તમારા સ્વાસ્થ્ય માટે સારી નથી અને ન તો વધુ માત્રામાં તેનું સેવન કરવું. આની સાથે-સાથે કેટલાક લોકો એવા પણ છે, જે ચા પીધા પછી પાણી પી લે છે, જેનાથી પેટમાં બળતરા, ગેસ કે એસિડિટી જેવી સમસ્યાઓ થવા લાગે છે. પરંતુ શું ચા પીધા પછી તરત પાણી પીવાથી માત્ર આ જ નુકસાન થાય છે? નિષ્ણાતો કહે છે ના, તેના ઘણા નુકસાન છે, ખાસ કરીને તે તમારા શરીરના કુદરતી સંતુલનને બગાડે છે. આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ?
ચા પહેલા પાણી ફાયદાકારક?
નિષ્ણાતોનું કહેવું છે કે જો તમને ચા પીધા પછી પાણી પીવાની ઈચ્છા થતી હોય તો તમે દર વખતે ચા પીતા પહેલા હળવું હુંફાળું પાણી પીવાનું શરૂ કરી દો. તમે સવારે ઉઠતાની સાથે જ ચા પીતા પહેલા હળવું હુંફાળું પાણી ચોક્કસ પીઓ. ચા પહેલા પીવાયેલું આ પાણી પાચન માટે ખૂબ જ સારું હોય છે. ખાલી પેટે ચા પીવાથી એસિડિટી થઈ જાય છે, જ્યારે પાણી પીવાથી ચામાં રહેલા કેફીનની અસર ઓછી થાય છે અને શરીરને હાઇડ્રેશન મળે છે. આ ઉપરાંત, પાણી પીવાથી મેટાબોલિઝમ સક્રિય થાય છે અને દિવસભરનો થાક કે આળસ દૂર રહે છે.
ચા પછી પાણી નુકસાનકારક
જો તમે ચા પીવાના નુકસાન વિશે જાણો છો, તો ચા પીધા પછી પાણી પીવાના નુકસાન વિશે પણ તમારે જાણવું જોઈએ. ઘણા લોકો ચા પીધા પછી તરત જ પાણી પીવે છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખોટી આદત છે. આવું કરવાથી મોંમાં રહેલા ટેનિન અને કેફીન તરત જ પેટમાં જઈને પાચન તંત્રને ખોટી રીતે અસર કરે છે. જેના કારણે ગેસ, એસિડિટી અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. સાથે જ, ચા પછી પાણી પીવાથી દાંત પર ડાઘ પણ ઝડપથી પડે છે, કારણ કે ગરમ ચા પછી ઠંડુ પાણી દાંતના એનેમલ (સુરક્ષા સ્તર)ને નબળું પાડે છે. તેથી ક્યારેય તમારે ચા પીધા પછી તરત પાણી પીવું ન જોઈએ.
ચા પછી પાણી પીવાની ઈચ્છા કેમ થાય છે?
નિષ્ણાતો જણાવે છે કે ચામાં રહેલા કેફીન અને ટેનિન શરીરને હળવા સ્વરૂપમાં ડિહાઇડ્રેટ કરી દે છે. આ જ કારણ છે કે ચા પીવાના થોડી મિનિટો પછી ગળું સુકાવા લાગે છે અને તમને પાણી પીવાની ઈચ્છા થવા લાગે છે. આ સ્થિતિમાં તમારે તરત પાણી ન પીતા ૧૫-૨૦ મિનિટના અંતરાલ માં પાણી પીવું જોઈએ. આનાથી શરીરને પોતાને સંતુલિત કરવાનો સમય મળી જાય છે અને તમારે ડિહાઇડ્રેશનની સમસ્યા પણ સહન કરવી પડતી નથી. જો તમે પણ ચા પ્રેમી છો, તો આ નાનકડી આદતને જરૂર અપનાવો.

