ગોધરાના નવજાત બાળકની એસ.એસ.જી. હોસ્પિટલમાં સફળ સર્જરી
વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ના નિષ્ણાત તબીબોએ ફરી એકવાર પોતાની મેડિકલ ક્ષમતા સાબિત કરી છે. ગોધરાના એક શ્રમિક પરિવારના નવજાત બાળકને જન્મજાત ‘ટ્રેકિઓ-ઈસોફેજિયલ ફિસ્ટ્યુલા’ નામની ગંભીર બીમારી હતી. આ સ્થિતિમાં બાળકની અન્નનળી અને શ્વાસનળી પરસ્પર જોડાયેલી હોય છે, જેના કારણે તે દૂધ પીએ તો તે સીધું ફેફસામાં જવાનો અને જીવનું જોખમ રહે છે. બાળકની સ્થિતિ ગંભીર જણાતા જન્મના માત્ર ૧૧ કલાકમાં જ તેને વડોદરા રિફર કરવામાં આવ્યું હતું.
પડકારજનક સર્જરી અને સઘન સારવારની સફળતા
બાળકના ઓછા વજન અને ઇન્ફેક્શનના જોખમ વચ્ચે તબીબોએ અત્યંત જટિલ સર્જરી હાથ ધરી હતી. સર્જરી બાદ બાળકને ૧૦ દિવસ સુધી મિકેનિકલ વેન્ટિલેટર પર રાખીને ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. તબીબોએ અન્નનળી અને શ્વાસનળી વચ્ચેના જોડાણને કુશળતાપૂર્વક અલગ કરીને બાળકને સુરક્ષિત કર્યું હતું. ત્યારબાદ ‘ડાઈ સ્ટડી’ દ્વારા ખાતરી કરવામાં આવી કે બાળક હવે સુરક્ષિત રીતે દૂધ પી શકે છે. ૨૪ દિવસની લાંબી લડત બાદ આજે બાળક સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યું છે.
લાખોની સારવાર મફતમાં અને માનવીય અભિગમ
ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની સર્જરી અને એન.આઈ.સી.યુ. (NICU) નો ખર્ચ લાખો રૂપિયામાં થતો હોય છે, જે ગરીબ પરિવારો માટે અશક્ય હોય છે. જોકે, એસ.એસ.જી. હોસ્પિટલમાં આ જટિલ સર્જરી અને ૨૪ દિવસની સઘન સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. એટલું જ નહીં, બાળકની માતાને પણ હોસ્પિટલ દ્વારા રહેવા અને જમવાની તમામ સગવડો આપવામાં આવી હતી, જે સરકારી આરોગ્ય તંત્રના સંવેદનશીલ અભિગમની પ્રતીતિ કરાવે છે.
નિષ્ણાત તબીબોની ટીમે હાંસલ કરી સિદ્ધિ
બાળરોગ વિભાગના વડા ડૉ. ઓમપ્રકાશ શુક્લાના માર્ગદર્શન હેઠળ ડૉ. રિંકી શાહ અને સર્જરી તેમજ પીડિયાટ્રિક ટીમના સભ્યોએ આ સફળતા હાંસલ કરી છે. બાળકના પિતા કલ્પેશભાઈએ સરકારી હોસ્પિટલના સ્ટાફની કાર્યદક્ષતા અને અંગત કાળજી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. વડોદરાની સયાજી હોસ્પિટલની આ સફળતા રાજ્યની આરોગ્ય સુવિધાઓમાં એક નવું સીમાચિહ્ન રૂપ સાબિત થઈ છે, જેનાથી અનેક જરૂરિયાતમંદ પરિવારોમાં આશાનું કિરણ જાગ્યું છે.
