બ્રિજના સ્પાનમાં ખામી બાદ પાંચ દિવસ માટે અવરજવર બંધ
અમદાવાદના વ્યસ્ત સુભાષબ્રિજને અચાનક બંધ કરી દેતા ગુરુવારે સાંજથી શહેરના ઉત્તર ભાગમાં ટ્રાફિક સંપૂર્ણ રીતે ગૂંથાઈ ગયો હતો. AMCને બ્રિજનો કેટલોક ભાગ બેસી ગયો હોવાની માહિતી મળતા, કોઈ જોખમ ન રહે તે માટે તરત પાંચ દિવસ માટે તમામ વાહન વ્યવહાર રોકી દેવાયો હતો. સાંજના પીક અવર્સમાં વાડજથી સુભાષબ્રિજ અને શાહીબાગથી બ્રિજ તરફના તમામ રસ્તાઓ પર લાંબી લાઈનો સર્જાઈ હતી. દરરોજ હજારો વાહનો પસાર થતો આ બ્રિજ બંધ થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનેડ સહિત એકથી વધુ રસ્તાઓ સીલ
બ્રિજના ડિટેઇલ ઇન્સ્પેક્શનને ધ્યાનમાં રાખીને માત્ર બ્રિજ જ નહીં, પરંતુ તેની નીચેના રિવરફ્રન્ટ માર્ગો પણ બંધ રાખવામાં આવ્યા છે. પૂર્વ અને પશ્ચિમ બાજુના લોઅર પ્રોમિનેડ તેમજ નારાયણ ઘાટથી ગાર્ડન ગેટ નં.1 સુધીનો રિવરફ્રન્ટ માર્ગ હાલ જનતા માટે સંપૂર્ણપણે બંધ છે. તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે કે સુભાષબ્રિજ ગેટ નં.1થી પોલીસ ચોકી તરફના માર્ગને વૈકલ્પિક રૂટ તરીકે ઉપયોગ કરવો. નવી સૂચના ન આવે ત્યાં સુધી આ વ્યવસ્થા યથાવત રહેશે.
વાહનચાલકો માટે વિકલ્પિક રૂટની વ્યવસ્થા
ચાંદખેડા અને સાબરમતી તરફથી આવતા વાહનોને વાડજ બ્રિજ અને દિલ્હી સર્કલ મારફતે શાહીબાગ અને સિવિલ વિસ્તારમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ જનારાઓ માટે ભાટ-કોટેશ્વર રોડ મારફતે ઇન્દિરાબ્રિજનો રૂટ ખુલ્લો રાખવામાં આવ્યો છે. શાહીબાગ તરફથી સુભાષબ્રિજ તરફ જતા વાહનોને નમસ્તે સર્કલ, કેન્દ્રીય વિદ્યાલય કટ અને મેલડી માતા સર્કલ મારફતે દધિચી બ્રિજ તરફ ડાયવર્ટ કરાયા છે. તંત્રનો પ્રયાસ છે કે મોટા પ્રમાણમાં ટ્રાફિકને સરળતાથી વહન કરી શકાય.
બ્રિજના સ્પાનમાં તિરાડો અને વાઇબ્રેશનનો ખુલાસો
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે ઈન્સ્પેક્શન દરમિયાન બ્રિજના સ્પાનમાં ગંભીર પ્રકારના વાઇબ્રેશન અને તિરાડો જોવા મળતા તાત્કાલિક પગલા લેવાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બ્રિજને પાંચ દિવસ માટે સીલ કરાયો છે. વિશેષજ્ઞોની ટીમ હવે બ્રિજની સમગ્ર મજબૂતાઈની તપાસ કરશે અને રિપોર્ટ બાદ એ નક્કી થશે કે આગળ તેને કેટલો સમય બંધ રાખવો. શહેરના જૂના બ્રિજોની સમયાંતરે ચકાસણી કરવામાં આવતી હોવાનું પણ તંત્રએ જણાવ્યું.
ટ્રાફિક નિયંત્રણ માટે વધારાની પોલીસ ફોર્સની માંગણી
શહેરમાં ટ્રાફિક વધી જતાં ટ્રાફિક વિભાગે પોલીસ કમિશનરને હંગામી ધોરણે 150 વધારાના પોલીસકર્મીઓ ફાળવવાની વિનંતી કરી છે. જેમાં ટ્રાફિક સિસ્ટમથી પરિચિત અને અગાઉ આ વિભાગમાં કામ કરી ચૂકેલા કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર બોલાવવાની રજૂઆત છે. ઉપરાંત શહેરના આશરે 15 મુખ્ય ટ્રાફિક પોઇન્ટ પર ત્રણ શિફ્ટમાં પોલીસનો વધારાનો બંદોબસ્ત ગોઠવાયો છે, જેથી ટ્રાફિકને નિયંત્રિત કરી શકાય.

