ભોપાલ ગેસ દુર્ઘટનાનો ઝેરી કચરો: સુપ્રીમ કોર્ટે મરક્યુરી લીકેજ મુદ્દે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો
1984ની ભયાનક ભોપાલ ગેસ દુર્ઘટનાના ચાર દાયકા બાદ પણ તેના ઝેરી કચરાનો નિકાલ એક ગંભીર પડકાર બનેલો છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આ કચરાના નિકાલ દરમિયાન થતા ‘મરક્યુરી’ (પારો) લીકેજના જોખમ અંગેની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે અવલોકન કર્યું હતું કે આ મુદ્દાની તપાસ માટે હાઈકોર્ટ એ યોગ્ય મંચ છે.
હાઈકોર્ટમાં જવા નિર્દેશ
સુપ્રીમ કોર્ટે અરજીકર્તા ‘ભોપાલ ગેસ પીડિત સંઘર્ષ સહયોગ સમિતિ’ને મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં જવા માટે નિર્દેશ આપ્યો છે. અદાલતે જણાવ્યું હતું કે હાઈકોર્ટ લાંબા સમયથી આ દુર્ઘટના બાદની અસરો અને કચરાના નિકાલની પ્રક્રિયા પર દેખરેખ રાખી રહી છે, તેથી અરજીકર્તાઓએ ભવિષ્યમાં લીકેજની આશંકા દર્શાવતા પુરાવાઓ સાથે ત્યાં જ રજૂઆત કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને વિનંતી કરી છે કે તેઓ જાહેર હિતમાં આ મામલાની યોગ્ય તપાસ કરી જરૂરી દિશાનિર્દેશો આપે.
વિવાદનું મુખ્ય કારણ: પીથામપુર નિકાલ સાઇટ
આ વિવાદ મધ્યપ્રદેશ હાઈકોર્ટના 10 ડિસેમ્બર, 2025ના તે આદેશ સામે હતો, જેમાં ધાર જિલ્લાના પીથામપુરમાં ઝેરી કચરાના નિકાલની મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ હાઈકોર્ટે રહેણાંક વિસ્તારની નજીક હોવાને કારણે અહીં કચરો રાખવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ બાદમાં તે નિર્ણય મોકૂફ રાખીને નિકાલની પરવાનગી આપી હતી. પીડિત સંગઠનોનો આરોપ છે કે આ કચરાથી જમીન અને ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ શકે છે.
વૈજ્ઞાનિક પુરાવા અને નિષ્ણાતોના મંતવ્યો
સુનાવણી દરમિયાન પીડિતો તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ આનંદ ગ્રોવરે IIT હૈદરાબાદના ડૉ. આસિફ કુરેશીના સંશોધન અહેવાલનો હવાલો આપ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે સત્તાવાળાઓ ભલે દાવો કરતા હોય કે કચરામાં પારો (Mercury) નથી, પરંતુ વાસ્તવમાં આ ઝેરી તત્વ હજુ પણ હાજર હોઈ શકે છે. જો આ કચરાને કોંક્રિટ બ્લોકમાં દબાવી દેવામાં આવશે, તો ભવિષ્યમાં તે લીક થઈને પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે.
બીજી તરફ, સરકારી દેખરેખ સમિતિએ દાવો કર્યો હતો કે ટ્રાયલ રન દરમિયાન કોઈ જોખમી લીકેજ જોવા મળ્યું નથી. આ અંગે જસ્ટિસ બાગચીએ ટિપ્પણી કરી હતી કે, “અમે વૈજ્ઞાનિક નિષ્ણાતો નથી. જો ટેસ્ટિંગ પદ્ધતિમાં કોઈ ખામી હોય, તો તેની ચર્ચા હાઈકોર્ટ અને નિષ્ણાત સમિતિ સમક્ષ થવી જોઈએ.“
ઉલ્લેખનીય છે કે 1984માં ભોપાલમાં યુનિયન કાર્બાઇડ પ્લાન્ટમાંથી 40 ટનથી વધુ ‘મિથાઇલ આઇસોસાઇનેટ’ ગેસ લીક થયો હતો. આ વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટનાઓમાંની એક છે, જેમાં 15,000 થી વધુ લોકોના મોત થયા હતા અને લાખો લોકો આજે પણ તેની ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યા છે. આ ફેક્ટરીનો વધેલો ઝેરી કચરો હજુ પણ પર્યાવરણ માટે મોટું જોખમ માનવામાં આવે છે.

