Surat સુરતમાં ઝડપાયું દેશનું સૌથી મોટું સાઇબર રેકેટ, ૮ આરોપીઓ પાસેથી મળ્યા ચોંકાવનારા આંકડા

2 Min Read

Surat : સુરતમાં સાઇબર ક્રાઇમ પોલીસે એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે જેના આંકડા સાંભળીને ભલભલાના હોશ ઉડી જાય. શહેરના કતારગામ વિસ્તારમાંથી શરૂ થયેલી તપાસમાં આશરે ૮૦૦ કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. આ કેસમાં પોલીસે પાટણના વાગડોદ ગામેથી મુખ્ય આરોપી કરણ ઉર્ફે દ્વારકેશ દેસાઈને દબોચી લીધો છે. નવાઈની વાત એ છે કે કરણ MSC.IT જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જેણે પોતાની બુદ્ધિનો ઉપયોગ લોકોના હિતમાં કરવાને બદલે આ ગેરકાયદેસર નેટવર્ક ઉભું કરવામાં કર્યો હતો.

તપાસ દરમિયાન જે વિગતો બહાર આવી છે તે આશ્ચર્યજનક છે. કુલ ૧૪૯ જેટલા બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને આશરે ₹8,00,66,51,326 ના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. આ ખાતાઓ વિરુદ્ધ દેશભરમાંથી ૪૦૦થી વધુ ફરિયાદો નોંધાઈ છે. આ માત્ર સ્થાનિક સ્તરનું કૌભાંડ નથી, પરંતુ તેના તાર બેંગકોક અને વિયેતનામ જેવા દેશો સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. મુખ્ય સૂત્રધાર જતીન ઉર્ફે જૉન ઠક્કર ‘પારિમેચ’ (PARIMATCH) જેવી ૫૦થી વધુ ઓનલાઇન બેટિંગ સાઇટ્સ ચલાવતો હતો અને ગેરકાયદેસર નાણાંની હેરફેર માટે તેણે એક ખાસ ડિજિટલ પ્લેટફોર્મ પણ તૈયાર કર્યું હતું.

DCP બિશાખા જૈનના જણાવ્યા મુજબ, આરોપીઓ ‘Leopay155’ નામની ફ્રેન્ચાઇઝી દ્વારા ગેમિંગ અને સટ્ટાબાજીના નાણાં અલગ-અલગ ‘મ્યુલ’ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરતા હતા. આ મ્યુલ એકાઉન્ટ્સ એટલે એવા ખાતા જે ભાડે રાખવામાં આવ્યા હોય અથવા છેતરીને ખોલાવવામાં આવ્યા હોય. પોલીસની સતર્કતાને કારણે અત્યાર સુધીમાં આ કેસમાં સુરત, અમદાવાદ અને મહારાષ્ટ્રના રહીશ એવા કુલ ૮ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. હાલમાં મુખ્ય આરોપી કરણ દેસાઈના ૫ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, અને પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલી મોટી રકમ ક્યાં રોકવામાં આવી છે અને હજુ પણ આ આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં કેટલા ‘મોટા માથા’ સંડોવાયેલા છે.

- Advertisement -
Share This Article