બાળક પુખ્ત ન થાય ત્યાં સુધી મોટા નિર્ણયો ન લેવાય: સુરત કોર્ટ
સુરત શહેરમાંથી એક અત્યંત સંવેદનશીલ અને ચર્ચાસ્પદ મામલો સામે આવ્યો છે, જેમાં 7 વર્ષની બાળકીની જૈન દીક્ષા ફેમિલી કોર્ટે મોકૂફ રાખવાનો મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. બાળકીના પિતાએ કરેલી અરજીને કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, બાળક પુખ્ત ન થાય ત્યાં સુધી તેના જીવનને અસર કરતા મોટા નિર્ણયો લેવામાં ન આવવા જોઈએ. આ ચુકાદો માત્ર આ પરિવાર પૂરતો નહીં પરંતુ સમગ્ર સમાજ માટે વિચારપ્રેરક બની રહ્યો છે.
માતા-પિતાની સંમતિ વગર દીક્ષા યોગ્ય નહીં: કોર્ટ
સુરત ફેમિલી કોર્ટે પોતાના અવલોકનમાં સ્પષ્ટ કર્યું છે કે, સગીર બાળકના જીવન સાથે જોડાયેલા મોટા નિર્ણયો લેવા માટે માતા અને પિતા બંનેની સંમતિ અનિવાર્ય છે. કોર્ટે જણાવ્યું કે, સાત વર્ષની ઉંમરે બાળક પાસે એટલી સમજણ કે પરિપક્વતા હોતી નથી કે તે સંસાર ત્યાગ જેવો મોટો નિર્ણય સ્વતંત્ર રીતે લઈ શકે. બાળકની ઈચ્છા અને માનસિક સ્થિતિનું મૂલ્યાંકન કર્યા વગર દીક્ષા અપાવવી યોગ્ય ગણાય નહીં, એવો સ્પષ્ટ સંદેશ કોર્ટે આપ્યો છે.
પિતાની અરજી બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો
બાળકીના પિતાએ સુરત ફેમિલી કોર્ટમાં તાત્કાલિક અરજી કરી હતી. પિતાનો આક્ષેપ છે કે, તેમની પત્નીએ દીક્ષા માટે મુહૂર્ત પણ નક્કી કરી લીધું હતું અને તેમની કોઈ સંમતિ લીધા વગર સમગ્ર પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી. આ દીક્ષા વિવાદને કારણે છેલ્લા છ મહિનાથી પતિ-પત્ની અલગ રહે છે. પિતાને પરિચિતો પાસેથી દીક્ષા અંગે જાણ થતાં આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
બાળકી નાની છે, મોટી થયા બાદ નિર્ણય લેવો જોઈએ: પિતા
પિતાએ કોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમની દીકરી હજુ ખૂબ નાની છે અને આવી ઉંમરે દીક્ષા જેવા નિર્ણયો લેવાથી તેના ભવિષ્ય પર ગંભીર અસર પડી શકે છે. તેમણે માંગ કરી હતી કે દીકરી મોટી થાય, સમજદાર બને ત્યારબાદ જ આ વિષય પર ચર્ચા કરવી જોઈએ. પિતાનો આરોપ છે કે, પત્ની દીક્ષા માટે જીદ રાખતી હતી અને ઝઘડાઓ બાદ પિયર ચાલી ગઈ હતી.
દીક્ષા માટે માનસિક દબાણ હોવાનો આરોપ
પિતાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, વેકેશન દરમિયાન માતાએ દીકરીને ધાર્મિક ગુરુ પાસે મોકલી આપી હતી અને ત્યારબાદ દીકરીને પિયર લઈ ગઈ હતી. પત્નીએ એવી શરત મૂકી હતી કે જો દીકરીની દીક્ષા માટે હા પાડવામાં આવશે તો જ તે ઘરે પરત ફરશે. પિતાનો દાવો છે કે, આ સમગ્ર પ્રક્રિયામાં બાળકી પર માનસિક દબાણ કરવામાં આવી રહ્યું છે, જે તેના માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
મુંબઈમાં યોજાનાર દીક્ષા મહોત્સવનો સંદર્ભ
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના મુંબઈમાં 08 ફેબ્રુઆરીના રોજ 59 મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ યોજાવાનો છે. પિતાનો દાવો હતો કે, તેમની દીકરીની દીક્ષા પણ આ જ મહોત્સવમાં નક્કી કરવામાં આવી હતી અને તે માટે તેમની સંમતિ લેવામાં આવી નહોતી. આ કારણે તેમણે કોર્ટ સમક્ષ દીક્ષા રોકવાની વિનંતી કરી હતી.
અગાઉ પણ 12 વર્ષના કિશોરની દીક્ષા પર કોર્ટનો સ્ટે
આવો જ એક મામલો થોડા સમય પહેલા સુરતમાં સામે આવ્યો હતો, જેમાં 12 વર્ષના એક કિશોરની દીક્ષા પર ફેમિલી કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો હતો. આ કેસમાં પણ માતા દીક્ષાને સહમત હતી, પરંતુ પિતાએ તેનો વિરોધ કર્યો હતો. કોર્ટે આ મામલાને ગંભીર ગણાવી કહ્યું હતું કે, આટલી નાની ઉંમરે દીક્ષા જેવો મોટો નિર્ણય લેવા માટે બાળકની સમજણ અને પરિપક્વતાનું મૂલ્યાંકન જરૂરી છે. આ ચુકાદાઓથી સ્પષ્ટ થાય છે કે, કોર્ટ બાળકોના હિતને સર્વોપરી રાખી નિર્ણય લઈ રહી છે.

