25 લાખના ખર્ચે તૈયાર થતું રેલ કોચ રેસ્ટોરન્ટ, 24 કલાક સેવા સાથે પરિવાર માટે અનુકૂળ
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં સ્ટેશનોના વિકાસ સાથે મુસાફરોને આકર્ષવા માટે નવી-નવી સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે. આ જ પ્રયાસોના ભાગરૂપે આંબલી રોડ રેલવે સ્ટેશન પર આધુનિક ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ અનોખી સંકલ્પનામાં જૂના રેલવે કોચને પરિવર્તિત કરીને એક સંપૂર્ણ રેસ્ટોરન્ટ વિકસાવવામાં આવી રહ્યું છે, જ્યાં લોકો મુસાફરી કર્યા વિના જ ચાલતી ટ્રેનમાં બેસ્યા હોવાનો અનુભવ મેળવી શકશે અને સાથે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશે.
અમદાવાદ વિસ્તારની પ્રથમ રેલ કોચ રેસ્ટોરન્ટ
આંબલી રોડ રેલ કોચ રેસ્ટોરન્ટ અમદાવાદ વિસ્તારની પ્રથમ આવી અનોખી સુવિધા બનશે. બાંબુ અને ગ્રીનરી આધારિત થીમ સાથે તૈયાર થતું આ રેસ્ટોરન્ટ અંદાજે 75 લોકોની બેઠક ક્ષમતા ધરાવશે. કોચની બહાર અલગ રસોડું, પૂરતી પાર્કિંગ સુવિધા અને મનોરંજન માટેના સાધનો ઉપલબ્ધ રહેશે. સાથે જ મુસાફરો અને મુલાકાતીઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા સહિત તમામ જરૂરી સલામતી વ્યવસ્થાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલવેના અન્ય શહેરોમાં પણ થશે અમલ
રેલવેના ડીએમ વેદ પ્રકાશે જણાવ્યું હતું કે રેલ કોચ રેસ્ટોરન્ટની શરૂઆત લગભગ 20 વર્ષ પહેલા ભોપાલમાં થઈ હતી. ત્યારબાદ દેશભરમાં અનેક સ્થળોએ આવી સુવિધા વિકસાવવામાં આવી છે. પશ્ચિમ રેલવેમાં બાંદ્રા ટર્મિનસ, અંધેરી, બોરીવલી, રતલામ અને રાજકોટમાં પહેલેથી જ રેલ કોચ રેસ્ટોરન્ટ કાર્યરત છે. હવે અમદાવાદના આંબલી રોડ બાદ મહેસાણા, ભુજ, ગાંધીધામ અને ગાંધીનગરમાં પણ આવી જ સુવિધા ઉભી કરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે.
24 કલાક સેવા અને પરિવાર માટે અનુકૂળ વ્યવસ્થા
આંબલી ખાતેનું રેલ કોચ રેસ્ટોરન્ટ 24 કલાક ખુલ્લું રહેશે, જેથી મુસાફરો ઉપરાંત સ્થાનિક નાગરિકોને પણ દિવસ-રાત ભોજનની સુવિધા મળશે. અહીં ઈન્ડોર અને આઉટડોર ડાઇનિંગ બંને વિકલ્પો ઉપલબ્ધ રહેશે. પરિવાર અને મિત્રો સાથે આવનાર લોકો આકર્ષક રેલ-થીમ વાતાવરણમાં બેસીને ભોજન કરી શકશે તેમજ સેલ્ફી અને યાદગાર પળો કેદ કરી શકશે. બાળકો માટે ફન ઝોન, પાર્સલ અને ટેક-અવે સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી આ સ્થળ સંપૂર્ણ પરિવાર-મૈત્રીપૂર્ણ બની શકે.
અંદાજે 25 લાખના ખર્ચે તૈયાર થતી સુવિધા
આંબલી રોડ પર રેલ કોચ રેસ્ટોરન્ટનું નિર્માણ અંદાજે 25 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. હરિયાળીથી ભરપૂર વાતાવરણ, આધુનિક ડિઝાઇન, જોડાયેલ રસોડાં અને મલ્ટી-ક્યુઝિન મેનૂ આ રેસ્ટોરન્ટની વિશેષતાઓ રહેશે. આંબલી રોડ ઉપરાંત મહેસાણા, સાબરમતી, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનના સર્ક્યુલેટિંગ એરિયામાં પણ આવી જ સુવિધા વિકસાવવાની યોજના છે, જે ભારતીય રેલવેના અભિનવ દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.
મુસાફરો માટે નવી શરૂઆત કે મોંઘવારીનો અનુભવ?
આ રેલ કોચ રેસ્ટોરન્ટથી રેલવેની છબીમાં મોટો બદલાવ આવશે તેવું લાગી રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં આ સુવિધા શરૂ થવાની સંભાવના છે. જોકે, લોકો માટે સૌથી મોટો પ્રશ્ન એ રહેશે કે અહીંના ભોજનના ભાવ સામાન્ય નાગરિકોને પરવડે તેવા રહેશે કે પછી મોંઘવારીનો અનુભવ કરાવશે. હવે જોવાનું એ રહેશે કે અમદાવાદની જનતા આ નવી સુવિધાને કેટલી સ્વીકારે છે.

