UPSCથી લઈને લોકસેવા સુધી સંઘર્ષ અને સફળતાની પ્રેરક કહાની
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સુરત શહેરની સુરક્ષામાં સજ્જ ચાર મહિલા પોલીસ અધિકારીઓની સફળતાની ગાથા સૌ માટે પ્રેરણારૂપ છે. આ અધિકારીઓ માત્ર ગુનાખોરી અને ટ્રાફિક વ્યવસ્થા જ નથી સંભાળતા, પરંતુ માતૃત્વની જવાબદારી અને વ્યાવસાયિક જીવન વચ્ચે સુંદર તાલમેલ સાધી રહ્યા છે. પડકારોને માત આપીને સુરતની સુરક્ષાનું સુકાન સંભાળતી આ ચાર નાયબ પોલીસ કમિશનરો (DCP) આજે ખાખી વર્દીનું ગૌરવ વધારી રહી છે.
ડૉ. નિધિ ઠાકુર: મેડિકલ સેવાની સાથે UPSC માં મેળવી ભવ્ય સફળતા
ઝોન-૪ ના DCP ડૉ. નિધિ ઠાકુર મૂળ બિહારના છે અને તેમણે એમ.ડી. મેડિસિનની ડિગ્રી મેળવી છે. તબીબી વ્યવસાયમાં હોવા છતાં લોકસેવાના ઉમદા આશય સાથે તેમણે UPSC ની તૈયારી કરી અને ત્રીજા પ્રયાસે સફળતા મેળવી. તેમનું માનવું છે કે અડગ આત્મવિશ્વાસ હોય તો દરેક પડકારને તકમાં ફેરવી શકાય છે. તબીબી ક્ષેત્રે મળેલી સહાનુભૂતિ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તેમને પોલીસ સેવામાં પણ ખૂબ ઉપયોગી થઈ રહ્યા છે. તેઓ મહિલાઓને આર્થિક સ્વતંત્રતાની સાથે માનસિક સ્વાસ્થ્ય પર ભાર મૂકવા પ્રોત્સાહિત કરે છે.
શૈફાલી બરવાલ: નાનપણના ‘ખાખી’ ના સ્વપ્નને ૨૪ વર્ષની વયે કર્યું સાકાર
ઝોન-૭ ના DCP શૈફાલી બરવાલે માત્ર ૨૪ વર્ષની નાની ઉંમરે UPSC પાસ કરી પિતાના પગલે આઈપીએસ બનવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. બિહારના વતની અને B.Tech થયેલા શૈફાલીએ શિસ્તબદ્ધ મહેનત દ્વારા બીજા પ્રયાસે જ સફળતા મેળવી હતી. બે બાળકોની માતા તરીકે “વર્કિંગ મધર” ના પડકારોનો સામનો કરતા તેઓ જણાવે છે કે ડ્રીમ જોબ નિભાવવાનો અનેરો આનંદ છે. તેઓ માને છે કે મહિલાઓએ એકબીજાના માર્ગદર્શક બનીને આગળ વધવું જોઈએ.
બિશાખા જૈન: નિષ્ફળતાઓને પચાવીને સાયબર સેલમાં મેળવ્યું મહત્વનું સ્થાન
સુરત સાયબર સેલના DCP બિશાખા જૈન અભ્યાસમાં હંમેશા તેજસ્વી રહ્યા હતા અને CA ની ડિગ્રી પણ મેળવી હતી. જોકે, UPSC માં સતત ત્રણ નિષ્ફળતા મળતા તેઓ હતાશ થયા હતા, પરંતુ પરિવાર અને જીવનસાથીના ટેકાથી ચોથા પ્રયાસે તેમણે સફળતા મેળવી. પાંચ વર્ષના સંઘર્ષે તેમને જીવનમાં સંતુલન રાખતા શીખવ્યું છે. આજે તેઓ સાયબર ક્રાઈમ જેવા જટિલ વિભાગમાં કાર્યરત રહીને જનસેવાનો સંતોષ અનુભવી રહ્યા છે.
પન્ના મોમાયા: રમતગમતના મેદાનથી લઈને ‘ગાર્ડ ઓફ ઓનર’ સુધીની સફર
ટ્રાફિક DCP પન્ના મોમાયા મૂળ કચ્છના છે અને એથ્લેટિક્સમાં અનેક રેકોર્ડ્સ ધરાવે છે. તેઓ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને વિદેશી રાષ્ટ્રપતિને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપનારી દેશની પ્રથમ મહિલા ટુકડીનું નેતૃત્વ કરવાની સિદ્ધિ પણ મેળવી છે. કોરોના સમયે નવજાત દીકરીને મૂકીને ફિલ્ડ પર કામ કરવું તેમના માટે સૌથી મોટો પડકાર હતો. તેઓ માને છે કે “સ્ત્રી ધારે તે કરી શકે છે” અને પોતે તણાવમુક્ત રહેવા માટે નિયમિત યોગ અને વ્યાયામને મહત્વ આપે છે.


