સુરતમાં ગવિયર વિસ્તારમાં ત્રણ મહિના અગાઉ જ બનાવેલો નવો નક્કોર ડામર રોડ તોડી નાંખવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે. પાણીની લાઇન નાંખવા માટે આ રોડ તોડવામાં આવતા જવાબદાર તંત્ર વાહકો પ્રજાના પૈસા બરબાદ કરી રહયા છે.
સ્થાનિકો લોકોના જણાવ્યા મુજબ ત્રણ માસ પહેલા જ રોડ બનાવવામાં આવ્યો હતો અને 15 દિવસ પહેલા જ રોડ તોડીને પાણીની લાઇન નાંખવામાં આવી રહી છે.
સુરતના ગવિયરમાં દિલ્હી પબ્લીક સ્કૂલથી ડુમસગામ તરફ જતો આ રોડ જાન્યુઆરી મહિનામાં જ બનાવવામાં આવ્યો હતો.
આ રોડની જમણી તરફ હાઇડ્રોલિક વિભાગ દ્વારા 1200 મીમી વ્યાસની પાણીની પાઇપ નાંખવામાં આવી રહી છે. પાણીની લાઇનનું નેટવર્ક નજીકમાં આવેલ ઓવરહેડ ટાંકી સુધી નાંખવામાં આવશે.
જે અંતર્ગત હાલમાં એક કિલોમીટર સુધીનો રોડ ખોદી નાંખવામાં આવ્યો છે. નવો ડામર રોડ તોડવામાં આવતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. નવેસરથી રોડ બનાવવામાં ફરી એકવાર લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ મામલે તપાસ કરાવીને જવાબદારો સામે પગલાં ભરવા લોકોમાં માંગ ઉઠી છે.