સુરતમાં એક સમયે ભૂરી ડોનનો સિક્કો ચાલતો હતો પણ લેડી અંડરવર્લ્ડમાં હવે નવી લેડી ડોન ભાવિકા જાહેરમાં “રોલા” પાડી લોકોને ગભરાવી રહી છે અને હવે તે સુરતમાં પોતાની ગુંડાગીરી માટે જાણીતી બની છે.
લેડી ડોન ભાવિકાએ જાહેર રોડ પર મારામારી કરી ચપ્પુ બતાવી રોલા પાડતી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જેથી પોલીસે આખરે લેડી ડોન અને તેના સાગરીતની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં યુવતી વિરુદ્ધ દમણમાં હત્યાના પ્રયાસ અને તેના સાગરીત સામે પુણા પોલીસ મથકમાં મારામારીના ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું.
સુરતના કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલી સત્યનારાયણ સોસાયટી પાસે આવેલી નાલંદા સ્કૂલની સામે જાહેરમાં ચપ્પુ લઈને ફરતી યુવતીનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોના આધારે કાપોદ્રા પોલીસે ફરિયાદી બની ભાવલી ઉર્ફે ભાવિકાની ધરપકડ કરી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં લેડી ડોન ભાવલી ચપ્પુ લઈ જાહેરમાં શીન સપાટા કરવા ગઈ પણ આખરે કાપોદ્રા પોલીસે ડોન ભાવલી ઉર્ફે ભાવિકાની ધરપકડ કરી છે.
મહત્વનુ છે કે સુરતમાં આ લેડી ડોન દ્વારા જાહેરમાં મારામારી કરી હોય તેવા CCTV પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં આ લેડી ડોન હાથમાં તલવાર લઈને જાય છે અને મારામારી પણ કરે છે. સ્થાનિકો પણ આ આ લેડી ડોનથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે સ્થાનિકોએ આ અંગે પોલીસ મથકે રજૂઆત કરી હતી.