ભટાર ચાર રસ્તા સ્થિત રવિદર્શન સોસાયટીમાં લોખંડની તિજોરીની ચાવી બનાવવા આવનાર સરદારજી જેવા દેખાતા બે ગઠિયાઓ વૃધ્ધ દંપતીની નજર ચુકવી તિજોરીમાંથી સોનાના દાગીના 1.60 લાખની મત્તાના તફડાવીને ભાગી ગયા હતા. ભટાર ચાર રસ્તા સ્થિત રવિ દર્શન સોસાયટીમાં ઘર નં. બી-39માં રહેતા વૃધ્ધ પ્રફુલ બાબુભાઇ પટેલ (ઉ.વ. 65) એ ગત તા. 11 જાન્યુઆરીના રોજ સોસાયટીમાં સરદારજી જેવો દેખાતો યુવાન ચાવી બનાવવા માટે આવ્યો હતો અને પડોશીની મોટરસાઇકલની ચાવી બનાવી આપી હતી. તે જોઇ સરદારજી જેવા દેખાતા યુવાનને ઘરમાં લોખંડની તિજોરીના નીચેના ખાનાની ચાવી બનાવવા માટે બોલાવ્યો હતો. ચાવી બનાવનાર યુવાને ચાવીનું માપ લીધા બાદ બે દિવસ પછી ચાવી બનાવી લઇ આવશે એમ કહી ચાલ્યો ગયો હતો. બે દિવસ બાદ યુવાન અન્ય એક સરદારજી જેવા દેખાતા યુવાન સાથે ચાવી બનાવીને લઇ આવ્યો હતો. સરદારજી જેવા દેખાતા બંન્ને યુવાને ચાવી વડે તિજોરી ખોલી હતી પરંતુ તેની અંદરના ખાનાનું માપ લાવ્યો નથી એમ કહી બે દિવસ પછી આવવાનું કહીને ચાલ્યા ગયા. આ અરસામાં પ્રફુલભાઇના પત્ની દક્ષાબેન ત્યાં જ હાજર હતા પરંતુ તેમની પાસે પીવાનું પાણી અને અન્ય વસ્તુઓની માંગણી કરી બેધ્યાન કરી ચાલાકી પૂર્વક તિજોરીમાંથી સોનાની બંગડી, 2 તોલા વજનની સોનાની લગડી અને રોક્ડા 2 હજાર મળી કુલ 1.60 લાખની મત્તા તફડાવી ચાલ્યા ગયા હતા. આ બાબતથી અજાણ પ્રફુલભાઇએ ત્રણ-ચાર દિવસ સુધી બંન્ને યુવાનો પરત નહિ આવતા છેવટે ચાવી બનાવનાર અન્ય યુવાનને ઘરે લઇ આવ્યા ત્યારે દાગીના ચોરી થઇ ગયા હોવાનું જણાયું હતું. જેથી આ અંગે સરદારજી જેવા દેખાતા બંન્ને યુવાન વિરૂધ્ધ પ્રફુલ પટેલે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Saturday, April 27