ઉકાઈ જળાશય આધારિત સોનગઢ-ઉચ્છલ-નિઝર યોજનાઓથી હજારો ખેડૂતોને પાણી, ૧૩૬ ગામોને સિંચાઈ સુવિધા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લાના ખેડૂતોની સમૃદ્ધિ માટે એક ઐતિહાસિક કદમ ઉઠાવતા ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા અંદાજિત રૂ. ૧૬૦૦ કરોડના વિકાસકામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યું છે. ઉકાઈ જળાશય આધારિત આ મહત્વકાંક્ષી યોજનાઓમાં સોનગઢ, ઉચ્છલ અને નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના તેમજ બોરીસાવર યોજનાનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સેચ્યુરેશન એપ્રોચ’ને અનુસરીને રાજ્ય સરકાર વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિવાસી સમુદાયના શિક્ષણ, આરોગ્ય અને કનેક્ટિવિટીના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે.
ઇજનેરી કૌશલ્યથી ડુંગરાળ વિસ્તારોના ૧૩૬ ગામોને મળશે સિંચાઈનું પાણી
તાપી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખીને અત્યાધુનિક ઇજનેરી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉકાઈ ડેમનું પાણી હવે ડુંગરાળ વિસ્તારો સુધી પહોંચાડવામાં આવશે. રૂ. ૯૬૨.૧૨ કરોડના ખર્ચે તૈયાર થયેલી સોનગઢ, ઉચ્છલ અને નિઝર ઉદ્વહન સિંચાઈ યોજનાથી સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાના કુલ ૧૩૬ ગામોની ૨૮ હજાર હેક્ટર જમીનને સીધો લાભ મળશે. આ યોજનાથી હજારો ખેડૂતોને બારેમાસ પાણીની સુવિધા પ્રાપ્ત થશે, જેના કારણે તેઓ પરંપરાગત ખેતીની સાથે રોકડિયા પાકો પણ લઈ શકશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
બોરીસાવર યોજના થકી સોનગઢ અને વ્યારા તાલુકાની જમીન થશે નંદનવન
ઉદ્વહન સિંચાઈના બીજા તબક્કા તરીકે રૂ. ૬૫૧.૩૭ કરોડના ખર્ચે સાકાર થઈ રહેલી બોરીસાવર યોજનાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ યોજનાના અમલીકરણથી સોનગઢ અને વ્યારા તાલુકાના ૨૯ ગામોની ૮ હજાર હેક્ટરથી વધુ જમીન સિંચાઈ સુવિધાથી સજ્જ થશે. આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે ખેડૂતોને આ પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે ડ્રિપ ઇરિગેશન (ટપક સિંચાઈ) પદ્ધતિ અપનાવવા અને તેના પર મળતી સરકારી સબસીડીનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. તાપી મૈયાના નીર હવે છેવાડાના ખેતરો સુધી પહોંચીને આખા વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ લાવશે.
વહીવટી તંત્ર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિકાસના પથ પર આગેકૂચ
ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ડો. જયરામભાઈ ગામીત સહિતના મહાનુભાવોએ હાજર રહીને તાપી મૈયાના નીરના વધામણા કર્યા હતા. જળ સંપત્તિ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ખેડૂતોની સમૃદ્ધિની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો ઉમટી પડ્યા હતા. રાજ્ય સરકારના આ પ્રયાસોથી આદિવાસી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓનું નિર્માણ થવાની સાથે જનજીવન વધુ સુખમય અને સમૃદ્ધ બનશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

