RBI ના એક આદેશે બદલી નાખી ગેમ: ટાટા સન્સ લાવશે ઇતિહાસનો સૌથી મોટો IPO!
ભારતીય શેરબજાર અને કોર્પોરેટ જગતમાં જેની વર્ષોથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, તે ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ‘ટાટા સન્સ’ (Tata Sons) ના શેરબજારમાં લિસ્ટિંગને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના કડક નિર્દેશો બાદ કંપનીએ આખરે પબ્લિક લિસ્ટિંગ (IPO) માટેની આંતરિક તૈયારીઓ શરૂ કરી દીધી છે.
હકીકતમાં, RBI એ તાજેતરમાં જ ટાટા સન્સની ‘કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની’ (CIC) તરીકેનું રજિસ્ટ્રેશન સરેન્ડર કરવાની અરજી ફગાવી દીધી હતી અને કંપનીને એનબીએફસી (NBFC) ની ‘અપર લેયર’ માટે લાગુ પડતા તમામ કડક નિયમોનું પાલન કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ ટાટા સન્સે પણ સકારાત્મક વલણ અપનાવતા સ્વીકાર્યું છે કે RBI ના નિર્દેશોનું પાલન કરવું એ એક રેગ્યુલેટરી જરૂરિયાત છે અને કંપની તેનું સંપૂર્ણ પાલન કરશે.

મળતી માહિતી મુજબ, કંપની દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૭ ની તારીખને લિસ્ટિંગ માટે એક આંતરિક લક્ષ્યાંક (Working Target) તરીકે જોવામાં આવી રહી છે. જોકે, આ હજુ સુધી કોઈ અધિકૃત આઈપીઓ શિડ્યુલ નથી, કારણ કે લિસ્ટિંગ પહેલાં કંપનીએ અનેક જટિલ કોર્પોરેટ અને રેગ્યુલેટરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે.
RBI ના આદેશ બાદ દસ્તાવેજો તૈયાર કરવાની કામગીરી શરૂ
રિપોર્ટ્સ અનુસાર, ૧૧ સપ્ટેમ્બરે RBI નો આદેશ આવ્યાના તુરંત બાદ ટાટા સન્સની એક વિશેષ ટીમે લિસ્ટિંગ માટે જરૂરી નાણાકીય અને કાનૂની દસ્તાવેજો તૈયાર કરવાનું કામ શરૂ કરી દીધું છે. જોકે, આ લખાય છે ત્યાં સુધી કોઈ રોકાણ બેંકર્સ (Investment Bankers) કે બાહ્ય સલાહકારોની સત્તાવાર ન્યુક્તિ કરવામાં આવી નથી. આ જ કારણે ફેબ્રુઆરી ૨૦૨૭ ને અત્યારે માત્ર એક કામચલાઉ ટાર્ગેટ માનવામાં આવી રહ્યો છે.
RBI ના ‘Upper Layer NBFC’ નિયમે કેમ બદલી નાખી રમત?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ‘સ્કેલ-બેઝ્ડ રેગ્યુલેશન ફ્રેમવર્ક’ હેઠળ, જે NBFC કંપનીઓને ‘અપર લેયર’ (Upper Layer) માં રાખવામાં આવે છે, તેમણે ચોક્કસ સમયમર્યાદામાં માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ (BSE/NSE) પર લિસ્ટ થવું ફરજિયાત છે. આ નિયમ લાવવા પાછળ RBI નો મુખ્ય ઉદ્દેશ્ય દેશની નાણાકીય સિસ્ટમ માટે અત્યંત મહત્વપૂર્ણ એવી સંસ્થાઓ પર કડક દેખરેખ રાખવાનો છે.
ટાટા સન્સ પણ આ જ અપર લેયર કેટેગરી હેઠળ આવે છે. કંપનીએ આ નિયમમાંથી મુક્તિ મેળવવા માટે પોતાનું રજિસ્ટ્રેશન સરેન્ડર કરવાની કોશિશ કરી હતી, પરંતુ RBI એ અરજી ફગાવી દેતાં હવે ટાટા સન્સ પાસે શેરબજારમાં લિસ્ટ થવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.
IPO પહેલાં બોર્ડ અને કેપિટલ સ્ટ્રક્ચરમાં થશે મોટો ફેરફાર
ટાટા સન્સનો IPO માત્ર SEBI પાસે DRHP (Draft Red Herring Prospectus) દાખલ કરવા પૂરતો સીમિત નહીં રહે. કંપનીએ તેના આખા બોર્ડ સ્ટ્રક્ચર અને કેપિટલ સ્ટ્રક્ચરની પુનઃસમીક્ષા કરવી પડશે.
આ પ્રક્રિયા દરમિયાન બોનસ શેર આપવા, શેર સ્પ્લિટ (Share Split) કરવા, હયાત કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સનું સેટલમેન્ટ કરવું અને ઓથોરાઇઝ્ડ શેર કેપિટલમાં ફેરફાર કરવા જેવા મોટા નિર્ણયો લેવા પડી શકે છે. આ ઉપરાંત, કંપનીએ છેલ્લા ત્રણ વર્ષના નાણાકીય આંકડાઓ અને સંબંધિત પક્ષકારો સાથેના વ્યવહારો (Related Party Transactions) ની વિગતવાર માહિતી રોકાણકારો સામે જાહેર કરવી પડશે.
ટાટા સન્સમાં કોની કેટલી હિસ્સેદારી છે?
ટાટા સન્સમાં સૌથી મોટો હિસ્સો ‘ટાટા ટ્રસ્ટ્સ’ (Tata Trusts) નો છે. કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન નીચે મુજબ છે:
ટાટા ટ્રસ્ટ્સ (Tata Trusts): ૬૫.૯%
શાપૂરજી પલોનજી ગ્રુપ (SP Group): ૧૮.૪%
ટાટા ગ્રુપની વિવિધ કંપનીઓ: ૧૨.૯%
૭ વ્યક્તિઓ અને અન્ય: ૨.૮%
ટાટા ટ્રસ્ટ્સના ૬૫.૯% હિસ્સામાં સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (૨૮%) અને સર રતન ટાટા ટ્રસ્ટ (૨૩.૬%) મુખ્ય છે. આટલી મોટી ભાગીદારીના કારણે IPO લાવવાની સમગ્ર પ્રક્રિયામાં ટાટા ટ્રસ્ટ્સની ભૂમિકા અત્યંત નિર્ણાયક રહેશે.

ક્રોસ-હોલ્ડિંગ (Cross-Holding) બની શકે છે મોટો મુદ્દો
ટાટા ગ્રુપની વિવિધ કંપનીઓ વચ્ચે અંદરોઅંદર રહેલી હિસ્સેદારી એટલે કે ‘ક્રોસ-હોલ્ડિંગ’ આ આઈપીઓ દરમિયાન રોકાણકારો માટે ચર્ચાનો મોટો વિષય બનશે. સામાન્ય રીતે શેરબજારના રોકાણકારો એવી સરળ મિલકત રચના પસંદ કરે છે જેમાં માલિકી હક્ક સ્પષ્ટ સમજી શકાય. ટાટા સન્સ અને તેની સહયોગી કંપનીઓ વચ્ચેના જટિલ ક્રોસ-હોલ્ડિંગ માળખા અંગે સેબી અને રોકાણકારો તરફથી પ્રશ્નો ઊભા થઈ શકે છે, જેના માટે કંપનીએ સંપૂર્ણ પારદર્શક માહિતી આપવી પડશે.
SP ગ્રુપ માટે પણ ખુલી શકે છે નવો રસ્તો
ટાટા સન્સમાં ૧૮.૪% હિસ્સેદારી ધરાવતું શાપૂરજી પલોનજી ગ્રુપ (SP Group) બીજું સૌથી મોટું ભાગીદાર છે. SP ગ્રુપના ચેરમેન શાપૂર મિસ્ત્રીએ જાહેર રુપથી ટાટા સન્સના લિસ્ટિંગના નિર્ણયનું સ્વાગત કર્યું છે અને ભવિષ્યમાં સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ લિસ્ટિંગથી SP ગ્રુપ માટે પોતાના શેર મોનેટાઇઝ કરવાનો અને નાણાકીય તરલતા (Liquidity) મેળવવાનો એક મજબૂત રસ્તો ખુલી શકે છે.
AGM માટે મળ્યું ૩ મહિનાનું એક્સ્ટેન્શન
બીજી તરફ, ટાટા સન્સને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (RoC) તરફથી પોતાની વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજવા માટે ૩ મહિનાની વધારાની મુદત મળી છે. આ બેઠક ઓગસ્ટ મહિનામાં યોજાવાની હતી, પરંતુ પૂરતું કોરમ (સભ્યોની હાજરી) ન હોવાને કારણે તેને સ્થગિત કરવી પડી હતી. મહારાષ્ટ્ર ચેરિટી કમિશનર દ્વારા ટ્રસ્ટ પર મૂકવામાં આવેલા કેટલાક નિયંત્રણોને કારણે આ ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી.
