ઈન્કમ ટેક્સ એક્ટ ૨૦૨૫ અમલી: નવા ITR ફોર્મ જાહેર; તમારી આવક અને સ્ત્રોત મુજબ કયું ફોર્મ ભરવું? જાણો વિગતવાર
ભારતીય કરદાતાઓ માટે ૧ એપ્રિલ, ૨૦૨૬નો દિવસ ઐતિહાસિક છે. આજથી નવો ઇન્કમ ટેક્સ એક્ટ ૨૦૨૫ અમલમાં આવ્યો છે, જે કર પ્રણાલીને વધુ પારદર્શક અને ડિજિટલ બનાવવાનો હેતુ ધરાવે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ આકારણી વર્ષ (AY) ૨૦૨૬-૨૭ માટે નવા ITR ફોર્મ્સની સૂચિ બહાર પાડી છે. જોકે નવો કાયદો લાગુ થયો છે, છતાં કરદાતાઓ આ વર્ષ માટે હાલના કાનૂની માળખા હેઠળ રિટર્ન ફાઇલ કરી શકશે.
કયા કરદાતાએ કયું ફોર્મ ભરવું? (નવી માર્ગદર્શિકા)
નવા નિયમો મુજબ, આવકના સ્ત્રોત અને રકમના આધારે ફોર્મની પસંદગી કરવી અનિવાર્ય છે:
-
ITR-1 (સહજ): જે નિવાસી વ્યક્તિઓની વાર્ષિક આવક પગાર, એક મકાન અને અન્ય સ્ત્રોતો (વ્યાજ વગેરે) થી ૫૦ લાખ રૂપિયા સુધીની છે.
-
ITR-2 અને ITR-3: જેમને શેરબજાર કે મિલકત વેચાણમાંથી મૂડી લાભ (Capital Gain) થયો હોય અથવા જેઓ વ્યવસાયિક આવક ધરાવતા હોય તેમના માટે.
-
ITR-4 (સુગમ): નાના વેપારીઓ અને પ્રોફેશનલ્સ માટે, જેઓ અનુમાનિત કરવેરા (Presumptive Taxation) હેઠળ રિટર્ન ભરે છે.
-
ITR-5, 6, 7: પેઢીઓ, કંપનીઓ અને ટ્રસ્ટો માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે.
-
ITR-U: જો અગાઉના રિટર્નમાં કોઈ ભૂલ રહી ગઈ હોય, તો ૪૮ મહિનાની અંદર ‘અપડેટેડ રિટર્ન’ ફાઇલ કરવા માટે.
શું છે નવા ફેરફારો અને શરતો?
ટેક્સ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, હવે ફોર્મમાં વધુ વિગતો જાહેર કરવી પડશે. જો તમારી આવક ટેક્સની મર્યાદા (નવા ટેક્સ માળખામાં ૪ લાખ અને જૂનામાં ૨.૫ લાખ) થી ઓછી હોય, તેમ છતાં નીચેની શરતોમાં રિટર્ન ભરવું ફરજિયાત છે: ૧. જો તમારા PAN પર વર્ષ દરમિયાન ૨૫,૦૦૦ રૂપિયાથી વધુ TDS કપાયો હોય. ૨. જો તમે ચાલુ ખાતા (Current Account) માં ૧ કરોડ રૂપિયાથી વધુ રકમ જમા કરાવી હોય. ૩. જો વિદેશ પ્રવાસનો ખર્ચ ૨ લાખથી વધુ કે વીજળી બિલ ૧ લાખથી વધુ હોય.
NRI કરદાતાઓ માટે ચેતવણી
ઘણા બિન-નિવાસી ભારતીયો (NRI) રિટર્ન ફાઇલ કરવાનું ટાળતા હોય છે. નવા ફોર્મ (ITR-2, 3, 4) માં હવે ચોક્કસ ‘ડિકલેરેશન’ અને ચેકલિસ્ટ ઉમેરવામાં આવ્યા છે. જો કોઈ રિપોર્ટિંગ શરત લાગુ પડતી હોય અને રિટર્ન ન ભર્યું હોય, તો આવકવેરા વિભાગ સીધી કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.
મહત્વની તારીખો યાદ રાખો
-
સામાન્ય કરદાતા (વગર ઓડિટ): ૩૧ જુલાઈ, ૨૦૨૬ (છેલ્લી તારીખ).
-
ટેક્સ ઓડિટ વાળા કેસો: ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ (છેલ્લી તારીખ).
અન્ય બદલાતા નિયમો (૧ એપ્રિલ ૨૦૨૬ થી)
ઇન્કમ ટેક્સ સિવાય પણ આજથી અનેક નિયમો બદલાયા છે:
-
LPG સિલિન્ડર: ગેસના ભાવમાં માસિક સુધારો.
-
ATM ચાર્જ: બેંકિંગ ટ્રાન્ઝેક્શન મર્યાદા અને ચાર્જમાં ફેરફાર.
-
PAN-Aadhaar: જો લિંક ન હોય તો દંડ સાથેની જોગવાઈઓ વધુ કડક બની છે.
-
FASTag: કેવાયસી (KYC) વગરના ફાસ્ટેગ નિષ્ક્રિય થઈ જશે.
૧ એપ્રિલ ૨૦૨૬ ના આ નવા ફેરફારો કરદાતાઓએ સમજી લેવા જરૂરી છે. ભૂલભરેલું રિટર્ન કે વિગતો છુપાવવી ભવિષ્યમાં નોટિસનું કારણ બની શકે છે. તેથી, રિટર્ન ફાઇલ કરતા પહેલા બેંક સ્ટેટમેન્ટ અને AIS (Annual Information Statement) ચોક્કસ તપાસી લેવું.

