ગુવાહાટીમાં ચોંકાવનારો કિસ્સો: 13 વર્ષની સગીરાને દીવાન પલંગમાં પૂરી રાખી 6 વર્ષ સુધી ઘરકામ કરાવ્યું
ગુવાહાટીના પંજાબારી વિસ્તારમાંથી માનવતાને હચમચાવી દેતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 13 વર્ષની સગીર બાળકીને તેના ઘરમાં જ દીવાન પલંગની અંદર પૂરી રાખવામાં આવી હતી. આ બાળકી છેલ્લા છ વર્ષથી ઘરેલું નોકર તરીકે કામ કરવા મજબૂર હતી અને સતત શારીરિક અત્યાચાર સહન કરી રહી હતી. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે જિલ્લા શ્રમ ટાસ્ક ફોર્સે અમરીન અખ્તર લસ્કરના ઘરે દરોડો પાડ્યો.
દીવાનમાં છુપાવીને બચાવાયેલી બાળકી
આ ઘટના જુરીપાર સ્થિત હાઉસ નંબર 69ની છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દરોડા પહેલા આરોપી મહિલાએ બાળકીને અંદાજે 25 મિનિટ સુધી દીવાન પલંગમાં પૂરી રાખીને છુપાવી દીધી હતી, જેથી બાળકીને રેસ્ક્યૂ ટીમથી બચાવી શકાય.
જિલ્લા શ્રમ ટાસ્ક ફોર્સના એક અધિકારીએ જણાવ્યું કે જ્યારે ટીમ ઘરે પહોંચી ત્યારે મકાન માલિક અરિના લસ્કર ખાતૂને બાળકીની હાજરીનો ઇનકાર કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે બાળકી તેના પિતા પાસે છે. જોકે, શંકાસ્પદ હલચલ જોઈને ટીમે ઘરની ઝડતી લેવાની પરવાનગી માંગી હતી.
નબળી અને ભયભીત હાલતમાં મળી બાળકી
તલાશી દરમિયાન બાળકી વોર્ડરોબ અને દીવાન પલંગની અંદર છુપાયેલી મળી આવી હતી. બાળકીની હાલત અત્યંત નબળી અને તે ખૂબ જ ભયભીત હતી. તેને બહાર કાઢતાની સાથે જ પાણી આપવામાં આવ્યું અને હોશમાં આવતા જ બાળકી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. પ્રાથમિક પૂછપરછમાં બાળકીએ જણાવ્યું કે તેને લાંબા સમયથી મારપીટ અને માનસિક ત્રાસ સહન કરવો પડી રહ્યો હતો.
गुवाहाटी में हैवानियत की हद: दिवान बॉक्स में बंद मिली 13 साल की नाबालिग, 6 साल से बना रखा था घरेलू नौकर#Guwahati pic.twitter.com/LJvanjQHq6
— NDTV India (@ndtvindia) February 4, 2026
કાનૂની કાર્યવાહી અને આગળની તપાસ
બાળકીને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે. હાલમાં આ મામલે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે અને અધિકારીઓએ જણાવ્યું છે કે આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થયો છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ કિસ્સો દેશમાં બાળ મજૂરી અને સગીરો સામે થતા અપરાધો વિરુદ્ધ એક ચેતવણી સમાન જોવામાં આવી રહ્યો છે.
