કેન્દ્રીય બજેટ સત્ર: રાહુલ ગાંધીના નિવેદન પર સરકારને શું વાંધો હતો કે ત્રણ-ત્રણ મંત્રીઓ એકસાથે ભીડાયા?
લોકસભાના બજેટ સત્રમાં સોમવારે રાહુલ ગાંધીના નિવેદન પર ભારે હોબાળો મચી ગયો હતો. રાહુલને ડોકલામ મુદ્દે બોલતા અટકાવવા માટે અમિત શાહ, રાજનાથ સિંહ અને કિરેન રિજિજુએ એકસાથે ઊભા થવું પડ્યું હતું.
લોકસભાના બજેટ સત્રમાં ત્યારે મોટો હોબાળો થયો જ્યારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ એક અપ્રકાશિત પુસ્તકનો ઉલ્લેખ કર્યો. 2 ફેબ્રુઆરી 2026ના રોજ ગૃહમાં રાહુલે જેવો પૂર્વ સેના પ્રમુખ નરવણેના પુસ્તકમાંથી તેમનું નિવેદન વાંચવાનું શરૂ કર્યું કે તરત જ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ તેમને રોકવા માટે ઊભા થઈ ગયા હતા.
રાહુલના ડોકલામ નિવેદન પર થયો વિવાદ
રાહુલ ગાંધીએ કહ્યું કે તેજસ્વી સૂર્યાએ કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ આરોપો લગાવ્યા અને અમારી દેશભક્તિ પર સવાલ ઉઠાવ્યા. ત્યારબાદ રાહુલે પૂર્વ આર્મી ચીફ નરવણેની આત્મકથાને ટાંકવાનું શરૂ કર્યું. રાહુલે કહ્યું કે તમે સમજી શકશો કે કોણ દેશભક્ત છે. તેઓ કહે છે કે ચીની ટેન્કો ભારતીય પોઝિશનમાં કૈલાશ રેન્જથી માત્ર થોડાક સો મીટર જ દૂર હતી. પરંતુ જેવું તેમણે બોલવાનું શરૂ કર્યું, એક પછી એક ત્રણ મોટા મંત્રીઓએ ઊભા થઈને તેમને રોકવાનો પ્રયાસ કર્યો…
- રાજનાથ સિંહ: રાહુલ ગાંધી પર નિશાન સાધતા રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણમાં આ વાતોનો કોઈ ઉલ્લેખ નહોતો. રાહુલ ગાંધી જે પુસ્તકની વાતો કરી રહ્યા છે, તે ક્યારેય છપાઈ જ નહોતી. રાહુલનો સંદર્ભ ખોટો છે.
- અમિત શાહ: રાહુલ સામે વાંધો ઉઠાવતા કહ્યું કે રાહુલે જણાવવું જોઈએ કે આ પુસ્તક પ્રકાશિત થયું છે કે નહીં. રાહુલ કોઈનું લખેલું (અપ્રકાશિત) વાંચી શકે નહીં.
- કિરેન રિજિજુ: રાહુલને બોલતા અટકાવતા રિજિજુએ કહ્યું કે તમે ગૃહના નિયમો તોડી રહ્યા છો. સંસદ નિયમોથી ચાલે છે અને અહીં તમે અપ્રકાશિત પુસ્તક વિશે વાત કરી શકતા નથી.
રાહુલના નિવેદન પર સરકારને શું વાંધો છે?
રાહુલે નરવણેનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમાં વડાપ્રધાન અને રક્ષામંત્રી વિશે લખવામાં આવ્યું છે અને હું તેનો જ ઉલ્લેખ કરી રહ્યો છું. આના પર રાજનાથ સિંહે કહ્યું કે તે પુસ્તક પ્રકાશિત થયું નથી. રાહુલના નિવેદન સામે સરકારનો સૌથી મોટો વાંધો એ હતો કે અપ્રકાશિત પુસ્તકને સંસદમાં વાંચવું જોઈએ નહીં. રાજનાથ સિંહે વધુમાં ઉમેર્યું કે નરવણેના પુસ્તકમાં ખોટા તર્ક આપવામાં આવ્યા હતા, જેના કારણે તે પુસ્તકને પબ્લિશ થવા દેવામાં આવ્યું નહોતું, અને હવે રાહુલ તે જ પુસ્તક વાંચી રહ્યા છે જે ખોટું છે.

