‘NATO નું ભવિષ્ય જોખમમાં’, હોર્મુઝ સ્ટ્રેટ પર સમર્થન મુદ્દે ટ્રમ્પની સહયોગી દેશોને ખુલ્લી ચેતવણી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટોના ભવિષ્યને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને આક્રમક નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે જો નાટોના સભ્ય દેશો હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત કરવામાં અમેરિકાને મદદ નહીં કરે, તો આ સૈન્ય ગઠબંધનનું ભવિષ્ય ઘણું ખરાબ હોઈ શકે છે. ‘ફાઇનાન્શિયલ ટાઇમ્સ’ સાથેના એક ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે યુરોપિયન સહયોગીઓને સીધો સંદેશ આપ્યો હતો કે જે દેશો આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગનો લાભ લે છે, તેમણે તેની સુરક્ષાની જવાબદારી પણ વહેંચવી પડશે.
‘લાભ લેનારા દેશો મદદ માટે આગળ આવે’
રાષ્ટ્રપતિ ટ્રમ્પે અખબારને જણાવ્યું હતું કે, “તે બિલકુલ વ્યાજબી છે કે જે લોકો આ સ્ટ્રેટ (જલડમરુમધ્ય) થી ફાયદો મેળવે છે, તેઓ એ સુનિશ્ચિત કરવામાં મદદ કરે કે ત્યાં કંઈપણ ખરાબ ન થાય.” તેમણે વધુમાં ચેતવણી આપી હતી કે જો આ બાબતે સહયોગી દેશો તરફથી કોઈ પ્રતિસાદ નહીં મળે અથવા નકારાત્મક વલણ જોવા મળશે, તો તે NATO ના ભવિષ્ય માટે અત્યંત નુકસાનકારક સાબિત થશે.
યુક્રેન સહાયનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન અમેરિકા દ્વારા આપવામાં આવેલી સહાયનો દાખલો આપ્યો હતો. તેમણે કહ્યું કે, “અમારે યુક્રેનના કિસ્સામાં તેમની (યુરોપિયન દેશોની) મદદ કરવાની કોઈ જરૂર નહોતી, છતાં અમે કરી. હવે જોવાનું એ રહેશે કે તેઓ અમને મદદ કરે છે કે નહીં. હું લાંબા સમયથી કહેતો આવ્યો છું કે અમે હંમેશા તેમના માટે તૈયાર રહીએ છીએ, પરંતુ તેઓ અમારા માટે ઉભા રહેતા નથી.”
કેવા પ્રકારની મદદ ઈચ્છે છે ટ્રમ્પ?
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે તેઓ સહયોગી દેશો પાસેથી કેવી મદદની અપેક્ષા રાખે છે, ત્યારે તેમણે સંકેત આપ્યો કે તેઓ આ ક્ષેત્રમાં ‘માઈનસ્વીપર્સ’ (દરિયાઈ સુરંગો હટાવનારા જહાજો) તૈનાત કરવા જેવી જરૂરી તમામ મદદની આશા રાખે છે. તેમણે એરફોર્સ વનમાં વાતચીત દરમિયાન કહ્યું હતું કે, “હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લી રાખવા જેવા નાના પ્રયાસમાં કયા દેશો અમને સાથ નથી આપતા તે જોવું રસપ્રદ રહેશે.” ટ્રમ્પ ઈચ્છે છે કે સહયોગી દેશો ઈરાની તટ પરથી ઉદ્ભવતા જોખમો, ખાસ કરીને દરિયાઈ સુરંગો અને ડ્રોન હુમલાઓને રોકવામાં મદદ કરે.
બ્રિટન સામે ટ્રમ્પની નારાજગી
તાજેતરમાં ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહીમાં બ્રિટનનો તાત્કાલિક ટેકો ન મળવા બદલ ટ્રમ્પે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સામે નારાજગી વ્યક્ત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, “બ્રિટનને અમેરિકાના નંબર 1 અને સૌથી જૂના સાથી તરીકે જોવામાં આવે છે, પરંતુ જ્યારે મેં તેમને આ મિશનમાં જોડાવા કહ્યું, ત્યારે તેઓ આવવા તૈયાર નહોતા.”

