શહેરી વિકાસ, ઉદ્યોગ, પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગુજરાતને નવા અવસરો આપતું કેન્દ્રીય બજેટ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રજૂ થયેલું વર્ષ 2026-27નું કેન્દ્રીય બજેટ ભારતને આર્થિક મહાસત્તા બનાવવા તરફનું એક મક્કમ પગલું છે. આ બજેટ અંગેના પ્રતિભાવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરવામાં આવેલી આ નાણાકીય રૂપરેખા ‘વિકસિત ભારત’ અને ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેની ગતિશીલ એક્સપ્રેસ સમાન છે. તેમણે આ બજેટને દેશના આર્થિક વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જનારું ગણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ બજેટને મુખ્ય ત્રણ કર્તવ્યો પર આધારિત ગણાવ્યું હતું. જેમાં પ્રથમ પ્રાથમિકતા આર્થિક વૃદ્ધિને ટકાઉ બનાવવાની છે, બીજી લોકોની આકાંક્ષાઓ પૂરી કરી તેમની કાર્યક્ષમતા વધારવાની અને ત્રીજી પ્રાથમિકતા ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રને ચરિતાર્થ કરવાની છે. બજેટના ‘ગ્યાન’ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ એમ ચાર સ્તંભો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેનાથી સમાજના દરેક વર્ગને પ્રગતિની મુખ્યધારામાં જોડાવાની તક મળશે.
ગુજરાત માટે આ બજેટમાં અનેક પ્રોત્સાહક જાહેરાતો કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ હર્ષ વ્યક્ત કર્યો હતો કે લોથલ અને ધોળાવીરા જેવા ઐતિહાસિક સ્થળોનો પુરાતત્વીય વિરાસત ક્લસ્ટરમાં સમાવેશ થવાથી પ્રવાસન ક્ષેત્રે ‘વિરાસત પણ, વિકાસ પણ’નો અભિગમ સાકાર થશે. આ ઉપરાંત, શહેરી વિકાસના ક્ષેત્રમાં 5 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોને આર્થિક કેન્દ્ર તરીકે વિકસાવવાની જાહેરાતથી ગુજરાતના નગરોનો સુનિયોજિત વિકાસ થશે અને રોજગારીની નવી તકો પેદા થશે.
ઉદ્યોગોના ઉત્કર્ષ વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે MSME સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ માટે આ બજેટમાં વિશેષ જોગવાઈઓ છે. ટેક્સટાઇલ અને કેમિકલ સેક્ટર માટે જાહેર થયેલા પ્રોત્સાહનોથી ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવું બળ મળશે. ખાસ કરીને સુરતને પૂર્વ ભારતના દાનકુની સાથે જોડતા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની જાહેરાતને તેમણે ‘માસ્ટરસ્ટ્રોક’ ગણાવ્યો હતો, જે દક્ષિણ ગુજરાતના વેપારને આખા દેશમાં ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડશે.
બજેટમાં ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે ‘મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ’નો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે ખાદી અને હસ્તકલા સાથે જોડાયેલા વણકરો માટે વરદાન સાબિત થશે. અંતમાં મુખ્યમંત્રીશ્રીએ કરદાતાઓની સુવિધા માટે કરવામાં આવેલા સુધારાઓને પણ બિરદાવ્યા હતા. તેમણે કહ્યું કે કરવેરાની પ્રક્રિયામાં ટેકનિકલ ભૂલોને ગુનો ગણવાને બદલે માત્ર ભૂલ તરીકે સ્વીકારી સજામાં રાહત આપવી એ પારદર્શક વહીવટની નિશાની છે. સમગ્રતયા આ બજેટ ભારતને આધુનિક અને સમૃદ્ધ બનાવવાની દિશામાં માર્ગદર્શક બનશે.

