ખર્ગ આઈલેન્ડ પર અમેરિકી સેનાનો કહેર: ટ્રમ્પના દાવા બાદ ઈરાને આપી ‘રાખના ઢગલા’ કરી દેવાની ચેતવણી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે એક ચોંકાવનારો દાવો કરતા જણાવ્યું છે કે, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના એવા ખર્ગ દ્વીપ (Kharg Island) પર આવેલા સૈન્ય ઠેકાણાઓ પર ભારે બોમ્બમારો કર્યો છે. ટ્રમ્પના મતે આ હુમલો મધ્ય પૂર્વના ઈતિહાસનો સૌથી શક્તિશાળી બોમ્બમારો છે.
“ઈરાનના તાજનું રત્ન તબાહ કર્યું” – ટ્રમ્પ
પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતા ટ્રમ્પે લખ્યું કે, “મારા આદેશ પર અમેરિકી સેનાએ ખર્ગ દ્વીપ પરના દરેક સૈન્ય લક્ષ્યને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. જોકે, અમે જાણીજોઈને તેલની સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોની અવરજવર રોકવાનો પ્રયાસ કરશે, તો તેઓ તેલના કુવાઓને પણ નિશાન બનાવતા ખચકાશે નહીં.
ટ્રમ્પે ઈરાનને સીધી ચેતવણી આપતા કહ્યું કે, ઈરાન પાસે અમેરિકાના હુમલા રોકવાની કોઈ તાકાત નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર બનાવવા દેવામાં આવશે નહીં.
ઈરાનનો જડબાતોડ જવાબ: “અમેરિકી હિતોને રાખ કરી દઈશું”
ટ્રમ્પના આ નિવેદન બાદ ઈરાની સેનાએ પણ આકરા તેવર બતાવ્યા છે. ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, જો ઈરાનની તેલ સુવિધાઓ પર એક પણ હુમલો થયો, તો આખા પ્રદેશમાં અમેરિકા સાથે સહયોગ કરનારી તમામ ઉર્જા કંપનીઓ અને અમેરિકન હિતોને ‘રાખના ઢગલા’ માં ફેરવી દેવામાં આવશે.
VIDEO | Tehran, Iran: Us President Donald Trump shares US bombing video after Kharg Island attack in Iran.
(Source: Donald Trump posted on Truth Social) pic.twitter.com/t8HgaO4mRL
— Press Trust of India (@PTI_News) March 14, 2026
ખર્ગ આઈલેન્ડનું મહત્વ
ખર્ગ આઈલેન્ડ એ ઈરાનનું સૌથી મોટું તેલ નિકાસ કેન્દ્ર છે. ઈરાનનું મોટાભાગનું કાચું તેલ અહીંથી જ વિશ્વના અન્ય દેશોમાં જાય છે. આ ટાપુ પરના સૈન્ય ઠેકાણાઓ તેલના કુવાઓની સુરક્ષા માટે તૈનાત હોય છે. જો આ વિસ્તારમાં સંઘર્ષ વધે છે, તો વિશ્વભરમાં તેલની અછત સર્જાઈ શકે છે અને કિંમતોમાં મોટો ઉછાળો આવી શકે છે.
