ખાડી યુદ્ધમાં અમેરિકાની શક્તિનો ભ્રમ તૂટ્યો: મિસાઈલો ખૂટી પડતાં ટ્રમ્પે ઈરાન સામેનો હુમલો રોકવો પડ્યો હતો, વોલ સ્ટ્રીટ જર્નલનો સનસનાટીપૂર્ણ અહેવાલ
વિશ્વની સૌથી મોટી લશ્કરી તાકાત હોવાનો દાવો કરનાર અમેરિકાના શસ્ત્રાગારો ખાલી થઈ જાય ત્યારે ડિપ્લોમસી અને કૂટનીતિનો સ્વાંગ રચવો પડે છે. ઈરાન સામેના ખાડી યુદ્ધમાં અમેરિકાએ પણ કંઈક એવું જ કર્યું હોવાનો ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’માં પેન્ટાગોનના એક ઉચ્ચ સંરક્ષણ અધિકારીના સંદર્ભ સાથે પ્રકાશિત થયેલા અહેવાલે અમેરિકી સૈન્ય શક્તિના ભ્રમને આંતરરાષ્ટ્રીય સ્તરે તોડી પાડ્યો છે. આ અહેવાલ મુજબ, જુલાઈ મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પરના હુમલા અચાનક અટકાવવા પાછળ કોઈ શાંતિપૂર્ણ રાજદ્વારી પ્રયાસો જવાબદાર નહોતા, પરંતુ અમેરિકા પાસે મિસાઈલોનો જથ્થો ખતરનાક સ્તરે ખૂટી પડ્યો હતો.
યુદ્ધના મોરચે હથિયારોનો ભંડાર ખાલી
યુદ્ધના મોરચે જીત કે હાર માત્ર સૈનિકોની હિંમતથી નક્કી થતી નથી, પરંતુ દુશ્મનને તબાહ કરવા માટે હથિયારોનો પૂરતો ભંડાર હોવો અત્યંત જરૂરી છે. ઈરાન સાથેના સંઘર્ષ દરમિયાન પરિસ્થિતિ આનાથી બિલકુલ વિપરીત ઊભી થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વોશિંગ્ટનનો મિસાઇલ સિલો સંપૂર્ણપણે ખાલી થઈ ગયો હતો. હુમલો અટકાવીને ટ્રમ્પે પોતાની આ ગંભીર નબળાઈ અને શસ્ત્રોની અછતનું ભયાનક સત્ય દુનિયાથી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
વોલ સ્ટ્રીટ જર્નલે ખુલાસો કર્યો છે કે જો જુલાઈ મહિનામાં ઈરાન સામેનું આ યુદ્ધ માત્ર ૧૦ દિવસ પણ વધુ લંબાયું હોત, તો અમેરિકી નેવી અને એરફોર્સ પાસે પોતાના જહાજો અને મધ્ય પૂર્વમાં આવેલા સૈન્ય મથકોનું રક્ષણ કરવા માટે પૂરતી ઇન્ટરસેપ્ટર મિસાઇલો બચી ન હોત. ઈરાન તરફથી થતા સતત મિસાઇલ અને ડ્રોન હુમલાઓને હવામાં જ તોડી પાડવાની દોડમાં અમેરિકાએ પોતાની અત્યાધુનિક ઇન્ટરસેપ્ટર મિસાઇલોનો બેફામ ઉપયોગ કરી નાખ્યો હતો.

ગ્લોબલ સિક્યુરિટી અને તાઇવાનના રક્ષણ પર સંકટ
ઈરાનના હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે અમેરિકાએ માત્ર મધ્ય પૂર્વમાં જ નહીં, પરંતુ યુરોપ અને પેસિફિક મહાસાગરમાં તૈનાત પોતાના પેટ્રિઓટ (Patriot) અને ATACMS મિસાઇલ સ્ટોકને પણ એટલી હદે ખાલી કરી દીધો કે હવે વૈશ્વિક સ્તરે તેના અન્ય મોરચા નબળા પડી ગયા છે. આ અતિશય વપરાશના કારણે હાલમાં તાઇવાનનો બચાવ કરવાની અમેરિકાની ક્ષમતા પર પણ મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે. આ નબળાઈ છુપાવવા માટે વોશિંગ્ટન હવે કૂટનીતિનો નવો ચહેરો બતાવી રહ્યું છે.

વ્હાઇટ હાઉસના બંધ દરવાજા પાછળની ચિંતા
જુલાઈ મહિનામાં જ્યારે આખી દુનિયાને લાગતું હતું કે અમેરિકી દળો તેહરાનને હંમેશા માટે તબાહ કરી દેશે, ત્યારે વ્હાઇટ હાઉસના બંધ દરવાજાઓ પાછળ અમેરિકી જનરલો અત્યંત ચિંતિત હતા. વાયુ સંરક્ષણ મિસાઈલ ભંડાર ખતરનાક સ્તરથી નીચે પહોંચી ગયો હોવાની જાણ થતાં જ ટ્રમ્પ પાસે યુદ્ધવિરામ સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.
જોકે, આ નિર્ણયથી અમેરિકાએ પોતાના લશ્કરી મથકોને તાત્કાલિક તબાહીથી બચાવી લીધા હોઈ શકે, પણ તેના કારણે પોતાના સૌથી મોટા વૈશ્વિક પ્રતિસ્પર્ધી ચીન સામે અમેરિકા અત્યારે અત્યંત નબળી સ્થિતિમાં મુકાઈ ગયું હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
