મોહન ભાગવતનો યુએસ સંદેશ: ‘વિવિધતા સ્વીકારવી અને રક્ષણ કરવું જરૂરી’; રાજકારણને ગણાવ્યું સ્વાર્થની રમત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે ન્યૂ યોર્ક સિટીમાં આયોજિત ‘વન વર્લ્ડ વન હ્યુમેનિટી’ કાર્યક્રમ દરમિયાન ભારતીય સંસ્કૃતિ, વિવિધતા અને વૈશ્વિક એકતા પર મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા છે. RSSના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ત્રણ દેશોના પ્રવાસે પહોંચેલા મોહન ભાગવતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વિવિધતા એ કુદરતનો નિયમ છે અને તેનો અનાદર કરવાને બદલે તેને સ્વીકારવી, સન્માન આપવું અને તેનું રક્ષણ કરવું અનિવાર્ય છે.
ન્યૂ યોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમ પહેલા સંબોધન કરતા તેમણે ભારતના ઇતિહાસ, સંઘની વિચારધારા અને વર્તમાન રાજકીય સ્થિતિ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
વિવિધતા એ પ્રકૃતિનો નિયમ અને એકતા એ જ સત્ય
મોહન ભાગવતે પોતાના વક્તવ્યમાં ભારતીય દર્શનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “વિવિધતાને સ્વીકારવી પડશે, તેનું સન્માન કરવું પડશે અને તેનું રક્ષણ કરવું પડશે. જે રીતે હું મારી પોતાની આગવી ઓળખ અને સ્વભાવનું રક્ષણ કરું છું, તેવી જ રીતે મારે અન્યોનું પણ રક્ષણ કરવું જોઈએ. કારણ કે વિવિધતા એ પ્રકૃતિનો નિયમ છે અને એ વિવિધતા પાછળ રહેલી એકતા એ જ અંતિમ સત્ય છે.”

તેમણે ઉમેર્યું કે ભારતનો ઇતિહાસ હંમેશા ઉદાર અને સમાવેશી રહ્યો છે. સદીઓથી જે લોકોને વિશ્વમાં ક્યાંય આશરો ન મળ્યો, તેમને ભારતે ખુલ્લા દિલથી અપનાવ્યા છે. જોકે, આ વિવિધતા અને તમામ સંપ્રદાયોને આશ્રય આપવાના ઐતિહાસિક પ્રક્રિયાને કારણે સમય જતાં કેટલાક ઘર્ષણો અને અશાંતિ પણ જોવા મળી છે. સંઘનું મુખ્ય કાર્ય આ તમામ જૂથો વચ્ચે રહેલી મૂળભૂત એકતાને મજબૂત કરવાનું છે.
“મુસ્લિમો વગરનો હિન્દુત્વ અધૂરો” – લઘુમતીઓ અંગે સંઘનો દ્રષ્ટિકોણ
પોતાના યુએસ પ્રવાસ દરમિયાન સંઘ પર લાગતા આક્ષેપો અને આશંકાઓનો જવાબ આપતા RSS પ્રમુખે ૨૦૧૮ના નવી દિલ્હીના કાર્યક્રમનો સંદર્ભ આપ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “જો કોઈ હિન્દુ એવું વિચારે છે કે ભારતમાં કોઈ મુસ્લિમ ન હોવો જોઈએ, તો તે વ્યક્તિ હિન્દુ જ નથી રહેતી. જો તમે તમારી જાતને હિન્દુ કહેવા માગતા હો, તો તમારે માનવું જ પડશે કે તમામ માર્ગો એક જ પરમ સત્ય અથવા લક્ષ્ય તરફ દોરી જાય છે.”
તેમણે સ્પષ્ટ કર્યું કે RSS કોઈ પણ લઘુમતી સમુદાયના બહિષ્કારની સખત વિરુદ્ધ છે અને સંઘ સતત મુસ્લિમ તથા ખ્રિસ્તી ધાર્મિક જૂથો સાથે સંવાદ સાધીને સામાજિક સમરસતા વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે.
રાજકારણ પર કટાક્ષ: “રાજનીતિ હવે સ્વાર્થની રમત બની ગઈ છે”
સામાજિક એકતા લાવવામાં રાજકારણની ભૂમિકા અંગે વાત કરતા મોહન ભાગવતે ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતના મહાન નેતાઓ અને આપણા બંધારણે હંમેશા દેશની એકતા પર ભાર મૂક્યો છે, પરંતુ માત્ર રાજકારણ દ્વારા આ ધ્યેય હાસિલ થઈ શકતો નથી.

તેમણે કહ્યું, “મને કહેતા દુઃખ થાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજકારણ હવે માત્ર પોતાના સ્વાર્થ સાધવાની રમત બની ગયું છે.” આ જ કારણે RSS રાજકીય માર્ગ અપનાવવાને બદલે સમાજ શિક્ષણ, વૈચારિક જાગૃતિ અને ધાર્મિક સમુદાયો વચ્ચે સીધા સંવાદ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
અમેરિકા પ્રવાસ દરમિયાન વિરોધ અને વિવાદ
મોહન ભાગવતના આ યુએસ પ્રવાસને લઈને સ્થાનિક સ્તરે કેટલાક રાજકીય અને સામાજિક વિરોધો પણ જોવા મળ્યા છે. ન્યૂ યોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાની, યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમ (USCIRF)ના કેટલાક સભ્યો અને આશરે ૬૧ જેટલા નાગરિક સમાજ સંગઠનોએ આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. વિરોધ કરનારા જૂથોનો આરોપ છે કે સંઘની નીતિઓ ભારતમાં લઘુમતીઓ સામે ભેદભાવને પ્રોત્સાહન આપે છે.
જોકે, મોહન ભાગવતે પોતાના વક્તવ્ય દ્વારા આ તમામ આક્ષેપોને ફગાવીને ભારતીય સંસ્કૃતિના ‘વસુધૈવ કુટુંબકમ્’ના સિદ્ધાંતને વૈશ્વિક મંચ પર પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
