શું અમેરિકી સૈન્ય પાસે હથિયારો ખૂટી પડ્યા? સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ
ઈરાન સાથે ચાલી રહેલા તંગદિલ સંઘર્ષ અને લશ્કરી કામગીરી વચ્ચે અમેરિકન સૈન્યને લઈને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, યુએસ આર્મી હાલમાં મહત્વપૂર્ણ શસ્ત્રો અને મિસાઈલોની ભીંસનો સામનો કરી રહી છે. આ ગંભીર મુદ્દાને પગલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના સંરક્ષણ સચિવ (ડિફેન્સ સેક્રેટરી) પીટ હેગસેથ પર અત્યંત ગુસ્સે થયા હોવાના અહેવાલો વહેતા થયા છે. કેબિનેટ બેઠક દરમિયાન ટ્રમ્પે આ મુદ્દે હેગસેથ સામે આકરો અસંતોષ વ્યક્ત કર્યો હતો અને સૈન્ય પાસે હથિયારોની વાસ્તવિક સ્થિતિ અંગે પ્રશ્નો પૂછ્યા હતા.
કેબિનેટ બેઠકમાં ટ્રમ્પનો આક્રોશ અને ગંભીર સવાલો
‘વોશિંગ્ટન પોસ્ટ’ના સનસનીખેજ અહેવાલ મુજબ, કેમ્પ ડેવિડ ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય કેબિનેટ બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંરક્ષણ સચિવ હેગસેથને સીધો સવાલ કર્યો હતો કે તેમને મહત્વપૂર્ણ મિસાઇલો અને હવાઈ સંરક્ષણ ઇન્ટરસેપ્ટર્સની અછત અંગે અંધારામાં કેમ રાખવામાં આવ્યા હતા. આ વાતચીતથી માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે અત્યંત નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ વિષય ઉકેલાઈ ગયો છે.
ટ્રમ્પે હેગસેથને પૂછ્યું હતું કે સૈન્યના શસ્ત્રાગારની આટલી નાજુક સ્થિતિ હોવા છતાં તેમને યોગ્ય અને સાચી માહિતી કેમ આપવામાં આવી ન હતી. જોકે, અહેવાલો મીડિયામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સત્તાવાર રીતે પીટ હેગસેથ પ્રત્યે કોઈ પણ પ્રકારની વ્યક્તિગત નારાજગી હોવાના દાવોઓને ફગાવી દીધા છે અને તેમને પોતાના સમર્થકની શ્રેણીમાં ગણાવ્યા છે.

ઈરાન સામેની લશ્કરી કામગીરી મર્યાદિત કરવાની નોબત
અમેરિકી સૈન્ય પાસે હથિયારોનો જે જથ્થો ઓછો પડ્યો છે તેમાં ખાસ કરીને લાંબા અંતરની ગાઇડેડ મિસાઇલો અને અત્યાધુનિક એર ડિફેન્સ ઇન્ટરસેપ્ટર્સનો સમાવેશ થાય છે. ઈરાન તરફથી થતા મિસાઈલ અને ડ્રોન હુમલાઓને રોકવા માટે આ સિસ્ટમ્સ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
હથિયારોની આ અછતને કારણે યુએસ સૈન્યને ઈરાન સામે પોતાની લશ્કરી વ્યૂહરચનામાં મોટો ફેરફાર કરવાની ફરજ પડી છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, પૂરતા પ્રમાણમાં ગોળા-બારૂદ અને મિસાઈલો ન હોવાને કારણે અમેરિકા ઈરાન સામે તેની સૈન્ય કાર્યવાહી મુક્તપણે કરી શકતું નથી અને તેને પોતાની કામગીરી મર્યાદિત રાખવાની નોબત આવી છે.

ઈરાન પર બીજો મોટો હુમલો ટાળવો પડ્યો
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં એક સૈન્ય સૂત્રને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તાજેતરમાં ઈરાન પર બીજો મોટો અને વ્યાપક લશ્કરી હુમલો કરવાનો વિચાર કરી રહ્યા હતા. પરંતુ, પક્ષે શસ્ત્રોની ભારે અછત અને ભવિષ્યમાં સંરક્ષણ પ્રણાલીઓ ખાલી થઈ જવાની ભીતિને ધ્યાનમાં રાખીને આ યોજના હાલ પૂરતી મુલતવી રાખવી પડી હતી.
આ સ્થિતિએ અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પિન્ટાગોનની તૈયારીઓ સામે મોટા સવાલો ઊભા કર્યા છે. વૈશ્વિક સ્તરે અમેરિકાની આ છબીથી તેના મિત્ર દેશોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવે જોવાનું એ રહેશે કે વ્હાઈટ હાઉસ અને પેન્ટાગોન આ શસ્ત્ર સંકટમાંથી બહાર નીકળવા માટે કયા તાત્કાલિક પગલાં ભરે છે.