રેલવેમાં એપ્રેન્ટિસ બનવાની શાનદાર તક! જાણો કોણ કરી શકશે અરજી અને કઈ રીતે થશે સિલેક્શન!
સરકાર નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે ભારતીય રેલવેમાં કામ શીખવા અને સારો એવો અનુભવ મેળવવાની એક શાનદાર તક સામે આવી છે. સૌથી મોટી અને રાહતની વાત એ છે કે આ ભરતી માટે ઉમેદવારોએ કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા આપવાની રહેશે નહીં. રેલવે દ્વારા 4,600થી વધુ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે, જેના માટે 11 નવેમ્બર 2026થી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
આ ભરતી પ્રક્રિયા અંતર્ગત 10મું પાસ અને આઈટીઆઈ (ITI) ની લાયકાત ધરાવતા યુવાનો અરજી કરી શકશે. જે યુવાનો લાંબા સમયથી રેલવેમાં તક શોધી રહ્યા છે, તેમના માટે આ એપ્રેન્ટિસશિપ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો કે, અહીં એ સમજવું જરૂરી છે કે આ કોઈ કાયમી સરકારી નોકરી નથી, પરંતુ રેલવે દ્વારા આપવામાં આવતી ટ્રેનિંગ અને અનુભવ માટેની ભરતી છે.

કુલ 4,651 જગ્યાઓ પર થશે ભરતી
રેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC) ના નોર્ધન રેલવે ઝોન દ્વારા એપ્રેન્ટિસની કુલ 4,651 ખાલી જગ્યાઓ માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી ‘એપ્રેન્ટિસ એક્ટ 1961’ હેઠળ કરવામાં આવી રહી છે.
આના માધ્યમથી રેલવેના વિવિધ ડિવિઝન, વર્કશોપ અને યુનિટ્સમાં યુવાનોને ટેકનિકલ ટ્રેનિંગ આપવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો 11 ડિસેમ્બર 2026 સુધી નોર્ધન રેલવેની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.
કયા ક્લસ્ટરમાં કેટલી જગ્યાઓ ખાલી છે?
આ ભરતી હેઠળ નોર્ધન રેલવેના જુદા જુદા ક્ષેત્રોમાં જગ્યાઓ ફાળવવામાં આવી છે:
લખનૌ ક્લસ્ટર: સૌથી વધુ 1,525 જગ્યાઓ.
દિલ્હી ક્લસ્ટર: 1,312 જગ્યાઓ.
અંબાલા ક્લસ્ટર: 979 જગ્યાઓ.
ફિરોઝપુર ક્લસ્ટર: 740 જગ્યાઓ.
મુરાદાબાદ ક્લસ્ટર: 63 જગ્યાઓ.
જમ્મુ ક્લસ્ટર: 32 જગ્યાઓ.
આ રીતે નોર્ધન રેલવેના તમામ છ ક્લસ્ટરને મળીને કુલ 4,651 એપ્રેન્ટિસ પદો પર પસંદગી કરવામાં આવશે.
કોણ કરી શકે છે અરજી? (શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા)
આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત, સંબંધિત ટ્રેડમાં NCVT કે SCVT માન્ય સંસ્થામાંથી ITIનું સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે.
વય મર્યાદા: ઉમેદવારની ઉંમર 15 થી 24 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.
વય મર્યાદામાં છૂટછાટ: સરકારી નિયમો મુજબ અનામત વર્ગોને વય મર્યાદામાં વિશેષ છૂટ આપવામાં આવશે. એસસી (SC) અને એસટી (ST) ઉમેદવારોને 5 વર્ષની, જ્યારે ઓબીસી (OBC) ઉમેદવારોને 3 વર્ષની છૂટ મળશે.

કોઈ લેખિત પરીક્ષા નહીં, સીધી પસંદગી
આ ભરતીની સૌથી મોટી વિશેષતા તેની પસંદગી પ્રક્રિયા છે. ઉમેદવારોએ કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ આપવું પડશે નહીં. તેમની પસંદગી સંપૂર્ણપણે મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે.
મેરિટ તૈયાર કરતી વખતે 10મા ધોરણ અને ITIમાં મેળવેલા ગુણ બંનેને સરખું મહત્વ આપવામાં આવશે. બંનેના ટકાવારી (Percentage) ની સરેરાશ કાઢીને મેરિટ યાદી બનાવવામાં આવશે. ત્યારબાદ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને અંતે મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે. એટલે કે જે ઉમેદવારોના 10મા અને ITI બંનેમાં સારા માર્ક્સ હશે
અરજી ફી અને ઓનલાઈન પ્રક્રિયા
અરજી ફી: જનરલ અને ઓબીસી વર્ગના ઉમેદવારો માટે અરજી ફી માત્ર ₹100 રાખવામાં આવી છે. જ્યારે એસસી (SC), એસટી (ST), દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો માટે અરજી સંપૂર્ણપણે નિશુલ્ક છે.
અરજી કેવી રીતે કરવી?
સૌથી પહેલા નોર્ધન રેલવેની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
હોમપેજ પર આપેલી Apprentice Recruitment 2026 ની લિંક પર ક્લિક કરો.
ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરીને ફોર્મમાં તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ભરો.
જરૂરી દસ્તાવેજો, પાસપોર્ટ સાઈઝ ફોટો અને સહી અપલોડ કરો.
ઓનલાઈન ફી ભરીને ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટઆઉટ ભવિષ્ય માટે સુરક્ષિત રાખો.
ટ્રેનિંગ પછી કાયમી નોકરીની કોઈ ગેરેંટી નથી
એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ એપ્રેન્ટિસશિપ પૂરી થયા પછી રેલવેમાં કાયમી (Permanent) નોકરી મળી જ જશે તેની કોઈ સરકારી ગેરંટી નથી. આનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને ટેકનિકલ અને વ્યવહારુ તાલીમ આપવાનો છે, જેથી તેઓ ભવિષ્યમાં અન્ય જગ્યાએ રોજગારી મેળવવા માટે સક્ષમ બની શકે. તેથી અરજી કરતા પહેલા નોટિફિકેશનમાં આપેલા તમામ નિયમો ધ્યાનથી વાંચી લેવા હિતાવહ છે.
