નવું ફ્રિજ કે AC લેવાનું છે? Whirlpoolના આ નિર્ણયથી વધશે તમારું બજેટ!
જો તમે તમારા ઘર માટે નવું ફ્રિજ, એર કન્ડીશનર (AC) કે વોશિંગ મશીન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો હવે તમારે તમારું બજેટ થોડું વધારવું પડી શકે છે. હોમ એપ્લાયન્સિસ બનાવતી જાણીતી કંપની વહર્લપૂલ ઓફ ઈન્ડિયા (Whirlpool of India) એ પોતાના તમામ હોમ પ્રોડક્ટ્સની કિંમતોમાં 5 ટકા સુધીનો વધારો કરી દીધો છે.
કંપની દ્વારા વધારવામાં આવેલી આ નવી કિંમતો 1 નવેમ્બર 2026થી જ લાગુ થઈ ચૂકી છે. આ નિર્ણય પાછળ કાચા માલની મોંઘવારી, વધતો ઉત્પાદન ખર્ચ અને ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં થયેલો ઘટાડો મુખ્ય કારણો તરીકે દર્શાવવામાં આવ્યા છે.

કંપનીએ શા માટે વધારવા પડ્યા ભાવ?
વહર્લપૂલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી ભૌગોલિક-રાજકીય તંગદિલી (Geopolitical Tensions) ને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આ સિવાય કોમોડિટી મોંઘવારી અને રૂપિયામાં થયેલા ધોવાણને કારણે કંપની પર ઉત્પાદન ખર્ચનું ભારણ ઘણું વધી ગયું હતું.
આ ઉપરાંત, ફ્રિજ અને એસી માટે સરકારી સ્તરે લાગુ કરવામાં આવેલા નવા એનર્જી એફિશિયન્સી નિયમો (Energy Standards) ને કારણે પણ ટેકનોલોજી અને પ્રોડક્શનનો ખર્ચ વધ્યો છે. સાથે જ, કંપની દ્વારા તાજેતરમાં પ્રીમિયમ અને લક્ઝરી પ્રોડક્ટ રેન્જ લોન્ચ કરવા માટે કરવામાં આવેલા મોટા રોકાણની સીધી અસર પણ કંપનીના નફાના માર્જિન પર પડી છે.
તમામ પ્રોડક્ટ્સ પર થશે આ વધારાની અસર
વહર્લપૂલ ઓફ ઈન્ડિયાએ પોતાના સંપૂર્ણ પ્રોડક્ટ પોર્ટફોલિયોની કિંમતોમાં 5 ટકા સુધીનો વધારો કર્યો છે. આનો સીધો અર્થ એ થાય છે કે ગ્રાહકોએ હવે ફ્રિજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ કે એસી જેવી કોઈપણ ઘરગથ્થુ વસ્તુ ખરીદવા માટે પહેલા કરતા વધુ ખિસ્સું ઢીલું કરવું પડશે.
દિવાળી અને તહેવારોની સિઝન દરમિયાન જ્યારે લોકો ઘરમાં નવા ઈલેક્ટ્રોનિક્સ સાધનો ખરીદવાનું વધુ પસંદ કરતા હોય છે, ત્યારે આ ભાવવધારો સામાન્ય નાગરિકોના ખિસ્સા પર સીધો બોજ નાખશે.

કંપનીની આવકમાં 14 ટકાનો મોટો ઉછાળો
ભાવવધારાની જાહેરાત વચ્ચે કંપનીના નાણાકીય આંકડા પણ સામે આવ્યા છે. વહર્લપૂલ ઓફ ઈન્ડિયાએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ₹1,873 કરોડનું એકીકૃત મહેસૂલ (Consolidated Revenue) નોંધાવ્યું છે. આ આંકડો ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 14 ટકા વધુ છે.
આ જ સમયગાળા દરમિયાન કંપનીનું એકીકૃત EBITDA ₹40 કરોડ અને કરવેરા પહેલાનો નફો (Profit Before Tax – PBT) ₹34 કરોડ નોંધાયો છે, જે દર્શાવે છે કે માંગ હોવા છતાં ખર્ચ પર કાબૂ મેળવવા કંપનીએ આ નિર્ણય લેવો પડ્યો છે.
અન્ય ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓ પણ વધારી ચૂકી છે ભાવ
ઉલ્લેખનીય છે કે માત્ર વહર્લપૂલ જ નહીં, પરંતુ ઓક્ટોબર મહિનામાં જ દેશની અન્ય જાણીતી ઈલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસ ઉત્પાદક કંપનીઓએ પણ પોતાની પ્રોડક્ટ્સ મોંઘી કરી દીધી હતી. તે સમયે એસી, LED ટીવી અને વોશિંગ મશીન બનાવતી કંપનીઓએ 5 થી 8 ટકા સુધીનો ભાવવધારો ઝીંક્યો હતો.
આ પાછળનું મુખ્ય કારણ તાંબા (Copper), સ્ટીલ, એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિક બનાવવામાં વપરાતા કાચા તેલના ઘટકોની કિંમતોમાં થયેલો ભારે વધારો છે. હવે વહર્લપૂલના આ પગલાં પછી બજારની અન્ય કંપનીઓ પણ આગામી દિવસોમાં ભાવવધારાનો નવો રાઉન્ડ લાવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
ગ્રાહકો માટે હવે શું વિકલ્પ છે?
જો તમે પણ નવા ઘરગથ્થુ સાધનો ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તહેવારોની બેંક ઓફર્સ, કેશબેક સ્કિમ્સ અને એક્સચેન્જ ડીલ્સનો મહત્તમ લાભ લેવો સમજદારીભર્યું રહેશે. કારણ કે આવનારા દિવસોમાં મોંઘવારીનું આ ભારણ ટૂંક સમયમાં ઘટવાની શક્યતા ઓછી જણાઈ રહી છે.
