અમેરિકી સૈનિકોનું ‘માઈન્ડવોશ’: ઈરાન સાથેના યુદ્ધને બાઈબલની ભવિષ્યવાણી સાથે જોડતા ઉઠ્યો વિવાદ
અમેરિકી સંરક્ષણ વિભાગ (Pentagon) અત્યારે એક ગંભીર આરોપનો સામનો કરી રહ્યું છે. અમેરિકાના લગભગ 30 ડેમોક્રેટ સાંસદોએ આક્ષેપ કર્યો છે કે અમેરિકી સૈનિકોને ઈરાન સામેના યુદ્ધ માટે તૈયાર કરવા માટે તેમનું ‘માઈન્ડવોશ’ કરવામાં આવી રહ્યું છે. સાંસદોના જણાવ્યા અનુસાર, સૈનિકોને એવું સમજાવવામાં આવી રહ્યું છે કે ઈરાન સામેનું યુદ્ધ એ બાઈબલમાં લખેલી ભવિષ્યવાણીનો એક ભાગ છે અને આ યુદ્ધ જ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનનો માર્ગ મોકળો કરશે.
‘આર્મગેડન’ અને ધાર્મિક અંતિમ યુદ્ધનો ઉલ્લેખ
એક પત્ર અનુસાર, ડેમોક્રેટ સાંસદોએ સંરક્ષણ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલને તપાસની માંગ કરતો પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે કેટલાક સૈન્ય કમાન્ડરો ઈરાન પ્રત્યેની અમેરિકી નીતિને યોગ્ય ઠેરવવા માટે ધાર્મિક કથાઓ અને ‘આર્મગેડન’ (દુનિયાનો અંતિમ ધાર્મિક જંગ) જેવા વિચારોનો ઉપયોગ કરી રહ્યા છે. સાંસદોનું માનવું છે કે જો આ સાચું હોય, તો તે અમેરિકી બંધારણની ગંભીર ચિંતાનો વિષય છે, કારણ કે સેનાએ હંમેશા ધાર્મિક રીતે તટસ્થ રહેવું જોઈએ.
રક્ષામંત્રી પીટ હેગસેથ વિવાદના કેન્દ્રમાં
આ વિવાદમાં અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથનું નામ પણ ઉછળ્યું છે. સાંસદોએ સવાલ ઉઠાવ્યો છે કે શું આ પ્રકારનું ધાર્મિક વાતાવરણ રક્ષામંત્રીની વિચારધારાથી પ્રેરિત છે? હેગસેથ પહેલેથી જ તેમના ટેટૂઝને કારણે વિવાદમાં રહ્યા છે. તેમના શરીર પર ‘ક્રુસેડર ક્રોસ’ અને અરબી શબ્દ ‘કાફિર’ લખેલા ટેટૂ છે. તાજેતરમાં એક ટીવી કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે સૈનિકોએ યુદ્ધમાં જતા પહેલા પ્રાર્થના કરવી જોઈએ અને તેમનો ઈશ્વર સાથે જોડાણ હોવું જોઈએ. તેમની નિમણૂક પણ સેનેટમાં ભારે ખેંચતાણ બાદ માંડ મંજૂર થઈ હતી.
200થી વધુ સૈનિકોની ફરિયાદો
‘મિલિટરી રિલિજિયસ ફ્રીડમ ફાઉન્ડેશન’ (MRFF) નામના સંગઠને દાવો કર્યો છે કે તેમને સેનાના વિવિધ વિભાગોમાંથી 200થી વધુ સૈનિકોની ફરિયાદો મળી છે. સંગઠનના સ્થાપક માયરલ એલ. વીન્સ્ટિનના જણાવ્યા મુજબ, સૈનિકોને એવું કહીને ઉત્સાહિત કરવામાં આવી રહ્યા છે કે ઈરાન વિરુદ્ધનું યુદ્ધ એ કોઈ સામાન્ય લડાઈ નથી, પરંતુ તે એક પવિત્ર ધાર્મિક યુદ્ધ છે જે ઈસુ ખ્રિસ્તની ધરતી પર વાપસી માટે જરૂરી છે.
સાંસદો રશીદા તલૈબ, ઈલ્હાન ઓમર, પ્રમિલા જયપાલ અને પૂર્વ સ્પીકર નેન્સી પેલોસી સહિતના નેતાઓએ આ મામલે તટસ્થ તપાસની માંગ કરી છે જેથી કરીને સેનામાં ધાર્મિક કટ્ટરતાને પ્રવેશતા રોકી શકાય.

