ભારતીય પાસપોર્ટ ધારકો માટે ઉઝબેકિસ્તાને હટાવી વિઝાની ઝંઝટ, 30 દિવસ સુધી એન્ટ્રી ફ્રી
ભારતીય પ્રવાસીઓ અને વેપારીઓ માટે એક ખુબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ એશિયાનો સુંદર દેશ ઉઝબેકિસ્તાન હવે ભારતીય નાગરિકો માટે પોતાના દરવાજા વધુ સરળતાથી ખોલવા જઈ રહ્યો છે. ઉઝબેકિસ્તાન સરકારે ભારતીય પાસપોર્ટ ધારકો માટે 30 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી (Visa-Free Entry) આપવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. આ મોટા નિર્ણય પછી હવે ભારતીયોને ઉઝબેકિસ્તાન જવા માટે લાંબી અને ઝંઝટભરી વિઝા પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે, જેનાથી મુસાફરી કરવી પહેલા કરતાં ઘણી વધુ સરળ બની ગઈ છે.

દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન લેવાયો નિર્ણય
આ મહત્વપૂર્ણ જાહેરાત તાશ્કંદમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચે મજબૂત થતા સંબંધો અને પરસ્પર સહયોગને નવી ઊંચાઈઓ આપવાના હેતુથી આ નિર્ણય પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝિશ્યોયેવે સ્પષ્ટ કર્યું કે આ પગલાથી બંને દેશોના સામાન્ય નાગરિકો વચ્ચે પરસ્પર સંપર્ક વધશે, સાથે જ પ્રવાસન અને બિઝનેસ એક્સચેન્જને પણ અભૂતપૂર્વ પ્રોત્સાહન મળશે.
પ્રવાસ પ્રેમીઓ માટે ભેટથી કમ નથી
ઉઝબેકિસ્તાન તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સમરકંદ, બુખારા અને તાશ્કંદ જેવા પ્રાચીન શહેરો સિલ્ક રોડના ઇતિહાસની યાદ અપાવે છે, જેને જોવા માટે વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવે છે. ભારતીય પ્રવાસીઓ માટે હવે કોઈપણ વિઝા ફી અને દસ્તાવેજોની લાંબી પ્રક્રિયા વગર 30 દિવસ સુધી આ દેશમાં ફરવું ખૂબ જ સરળ બની જશે. સ્થાપત્ય, પ્રાચીન મદ્રેસાઓ અને મધ્ય એશિયાઈ સંસ્કૃતિમાં રસ ધરાવતા ભારતીય મુસાફરો માટે આ એક બહું જ સુંદર વેકેશન ડેસ્ટિનેશન સાબિત થશે.
વેપાર અને આર્થિક સંબંધોને મળશે મજબૂતી
આ નિર્ણય માત્ર પ્રવાસન પૂરતો સીમિત નથી, પરંતુ તેનાથી બંને દેશોના વેપારી સંબંધોને પણ પાંખો મળશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં ઝડપથી વધારો થયો છે અને તે એક અબજ ડોલરના આંકડાને વટાવી ગયો છે. આ ઉપરાંત, બંને દેશો વચ્ચેના જોઈન્ટ વેન્ચર્સમાં પણ સાત ગણો વધારો નોંધાયો છે. હાલમાં બંને દેશો વચ્ચે દર અઠવાડિયે લગભગ 14 ડાયરેક્ટ ફ્લાઈટ્સ (Direct Flights) ઓપરેટ થઈ રહી છે, જેનાથી અવરજવર પહેલાથી જ ખૂબ સરળ બની ગઈ છે. વિઝાના નિયંત્રણો હટવાથી હવે ભારતીય વેપારીઓ અને રોકાણકારો કોઈપણ અડચણ વગર ઉઝબેકિસ્તાન આવી-જઈ શકશે, જેનાથી નવા બિઝનેસ પ્રોજેક્ટ્સ અને પાર્ટનરશિપને ઝડપ મળશે.
સાંસ્કૃતિક અને માનવીય સંબંધો થશે ઘાટા
ભારત અને ઉઝબેકિસ્તાનના સંબંધો સદીઓ જૂના છે. ઉઝબેકિસ્તાનમાં ભારતીય સંસ્કૃતિ, યોગ અને બોલિવૂડ પ્રત્યેનો ક્રેઝ કોઈનાથી છૂપો નથી. દેશમાં લાલ બહાદુર શાસ્ત્રી સેન્ટર ફોર ઇન્ડિયન કલ્ચર અને મહાત્મા ગાંધી સેન્ટર ફોર ઇન્ડિયન સ્ટડીઝ જેવી સંસ્થાઓ બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક પુલનું કામ કરી રહી છે. આ સિવાય ઉઝબેકિસ્તાનમાં યોગની લોકપ્રિયતા સતત વધી રહી છે અને ત્યાં વિધિવત યોગ ફેડરેશન પણ કામ કરી રહ્યું છે. આ વિઝા-ફ્રી સુવિધા શરૂ થવાથી સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધુ મજબૂત બનશે.
એકંદરે, ઉઝબેકિસ્તાનનું આ પગલું ભારત સાથેના તેના વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવવાની દિશામાં એક માઈલસ્ટોન સાબિત થશે. જો તમે પણ મધ્ય એશિયાની સંસ્કૃતિ, ઇતિહાસ અને સુંદરતાને નજીકથી જોવાનું વિચારી રહ્યા છો, તો તમારું બેગ પેક કરવાનો આ બિલકુલ યોગ્ય સમય છે.

વેપાર અને આર્થિક સંબંધોને મળશે મજબૂતી