વડોદરાથી બેંગલુરુની રેવા યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા ગયેલા વડોદરાના 22 વર્ષના યુવકની કોલેજની ફેરવેલ પાર્ટીમાં જ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવાતાં ભારે ચકચાર મચી ગઈ છે.
બેંગલુરુની યુનિવર્સિટીમાં બનેલી આ પ્રકારની ઘટનાને લઈ રાજ્ય બહાર અભ્યાસ કરી રહેલા પરિવારોમાં ચિંતા પ્રસરી ગઈ છે.
વિગતો મુજબ વડોદરા શહેરના વારસિયાના ગૌસાઈ મહોલ્લામાં રહેતો 22 વર્ષીય ભાસ્કર હરીશભાઈ જેટ્ટી
નામનો યુવાન 4 વર્ષ અગાઉ મિકેનિકલ એન્જિનીયરીંગનો અભ્યાસ કરવા માટે બેંગલુરુની રેવા યુનિવર્સિટીમાં ગયો હતો.
ભાસ્કરના પિતા હરીશભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને માતા ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે જ્યારે તેની નાની બહેન શાળામાં અભ્યાસ કરે છે.
માતા પિતા પોતાના પુત્રની ઉજ્જવળ કારકિર્દી ઈચ્છતા હતા તેથી તેને લોન લઈ ભણવા મોકલ્યો હતો.
દરમિયાન મિકેનિકલ એન્જિનીયરીંગનો અભ્યાસ પૂર્ણ થઈ જતા ગત શુક્રવારના રોજ કોલેજમાં ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાર્ટીમાં પોતાના મિત્ર સાથે ભાસ્કર પણ સામેલ થયો હતો. આ પાર્ટીમાં 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ સામેલ થયા હતા.એ દરમિયાન ભાસ્કરને કોઈ ઈસમોએ પેટ અને છાતીના ભાગે ચપ્પુના ઘા મારતા તે જમીન પર ઢળી પડ્યો હતો તેને લોહિયાળ હાલતમાં હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી છે.
યુવકને પેટ અને છાતીના ભાગે ચપ્પુના ઘા વાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો જેઅંગેના વીડિયો મૃતકના પિતરાઈ ભાઈને તેના મિત્રોએ મોકલ્યાં હતા.
ભાસ્કર જેટ્ટીના પરિવારમાં તેમના પિતા હરીશભાઈ જેટ્ટી સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. માતા ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. જ્યારે તેને એક નાની બહેન પણ છે. જે તમામ વારસીયા ખાતે રહે છે. દીકરાના મૃત્યુના સમાચાર મળતા પરિવાર ઉપર આભ તૂટી પડયુ છે.
મૃતકના બેંગ્લુરુ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પોલીસને યુવકની હત્યા કોણે કરી તે અંગે હજુ પુરાવા મળ્યા નથી, પરંતુ કોલેજમાં જ હત્યાની ઘટના બનતા અન્ય વિદ્યાર્થીઓમાં ફફડી ઉઠ્યા છે.