વડોદરામાં મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ SSG હોસ્પિટલ આવેલી છે. અહીંયા લોકો રાજ્યભરમાંથી તથા અન્ય રાજ્યોમાંથી પણ આવતા હોય છે. દર્દીઓની મોટી સંખ્યામાં હાજરી જોવા મળે તે હોસ્પિટલના પરિસરમાં આજે માનવતા લજવાઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. આજે સવારે SSG હોસ્પિટલમાં OPD – 16 પાસેથી મૃત બાળક મળી લાવરિસ હાલતમાં મળી આવ્યું હતું.જેને કારણે તંત્ર દોડતું થયું છે. પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આજે સવારે હોસ્પિટલના તબીબ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. અચાનક તેમની નજરે લાવરિસ બાળકનો દેહ પડતા તેમણે આ અંગે MLO ને જાણ કરી હતી. વાત MLO ના ધ્યાને આવતા તેમણે આ અંગે રાવપુરા પોલીસ મથકમાં જાણ કરી હતી. રાવપુરા પોલીસ મથકના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઘટનાના મૂળ સુધી પહોંચવા તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. પોલીસ CCTV ની મદદથી આ અંગે કોઈ કડી મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ મૃત બાળકને કોણ મૂકી ગયું છે, તેની તપાસ કરવા માટે અમે CCTV ચેક કરી રહ્યા છીએ. નવજાત બાળકની નીચે પ્લાસ્ટિકની બેગ મળી આવી છે. જેમાં ગોધરા જનરલ હોસ્પિટલ એડ્રેસ લખેલુ છે. જેથી એક ટીમ ગોધરા રવાના કરવામાં આવી છે.
તબીબે મૃત બાળકને જોયું
ઘટનાની મળતી માહિતી પ્રમાણે આજે સવારે એક તબીબ સયાજી હોસ્પિટલની ઓપીડ-16 પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે તેઓએ લાવારીસ હાલતમાં બાળક જોયું હતું. જેથી તેઓ ચોંકી ગયા હતા, પરંતુ તપાસ કરતા આ બાળક મૃત હોવાનું બહાર આવ્યું હતું. તબીબે તુરંત જ આ અંગે સયાજી હોસ્પિટલના MLOને જાણ કરી હતી અને MLOએ રાવપુરા પોલીસને જાણ કરી દીધી હતી.