વંદે માતરમ પર યુપીથી કેરળ સુધી સંગ્રામ: કોંગ્રેસે ભાજપ પર ‘દંભી રાષ્ટ્રવાદ’ અને ધ્યાન ભટકાવવાનો આરોપ લગાવ્યો
રાષ્ટ્રીય ગીત વંદે માતરમને લઈને દેશભરમાં રાજકીય પારો ગરમાયો છે. ઉત્તર પ્રદેશથી લઈને કેરળ સુધી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP) સામસામે આવી ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કોંગ્રેસ પર કરવામાં આવેલા તીખા પ્રહારો બાદ કોંગ્રેસ પક્ષે ગુરુવારે પલટવાર કર્યો હતો. કોંગ્રેસે ભાજપના નેતાઓ પર “દંભી અને બનાવટી રાષ્ટ્રવાદ” કરવાનો અને દૈનિક જીવનના વાસ્તવિક જાહેર મુદ્દાઓ તેમજ સરકારની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
૧૯૩૭ ના ઠરાવનો હવાલો આપી કોંગ્રેસનો પલટવાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું કે, તાજેતરમાં યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પક્ષનું વલણ સ્પષ્ટ કરતાં ૨૮ ઓક્ટોબર, ૧૯૩૭ ના રોજ CWC દ્વારા પસાર કરાયેલા ઐતિહાસિક ઠરાવનો ઉલ્લેખ કર્યો હતો. આ ઠરાવ પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, મૌલાના અબુલ કલામ આઝાદ અને ગોવિંદ વલ્લભ પંત જેવા મહાન નેતાઓની હાજરીમાં અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની સલાહથી તૈયાર કરવામાં આવ્યો હતો.

જયરામ રમેશે ઉમેર્યું કે, ૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ બંધારણ સભાની અંતિમ બેઠકમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ‘જન ગણ મન’ ને રાષ્ટ્રગીત અને ‘વંદે માતરમ’ ને રાષ્ટ્રીય ગીત તરીકે દરજ્જો આપવાની સત્તાવાર જાહેરાત કરી હતી. કોંગ્રેસ ૧૯૩૭ ના આ ઐતિહાસિક ઠરાવનું આજે પણ પાલન કરે છે અને પાર્ટીના તમામ અધિકૃત કાર્યક્રમોમાં વંદે માતરમ નિયમિતપણે ગવાય છે.
કેરળમાં શુક્રવારે ભાજપનું વિરોધ પ્રદર્શન
બીજી તરફ, કેરળમાં ભાજપે શુક્રવારે રાજ્યના તમામ ૩૦ સંગઠનાત્મક જિલ્લા મુખ્યાલયોમાં વંદે માતરમ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી છે. ભાજપના રાજ્ય મહાસચિવ એસ. સુરેશે આરોપ લગાવ્યો કે, કેરળની ડાબેરી સરકારે સ્વતંત્રતા દિવસની ઉજવણીના સત્તાવાર કાર્યક્રમમાંથી રાષ્ટ્રીય ગીત વંદે માતરમને બાકાત રાખીને તેની ઘોર ઉપેક્ષા કરી છે. તેમણે દાવો કર્યો કે રાજ્ય સરકાર કેટલાક ચોક્કસ સંગઠનોના સાંપ્રદાયિક અને વિભાજનકારી એજન્ડાને પ્રોત્સાહન આપી રહી છે, જેનો ભાજપ જડબાતોડ જવાબ આપશે.
ઉત્તર પ્રદેશમાં કેશવ પ્રસાદ મૌર્ય અને અખિલેશ યાદવ વચ્ચે વાગ્બાણ
ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ આ વિવાદ વકર્યો છે. યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, સમય બદલાયો છે પરંતુ કોંગ્રેસ આજે પણ પોતાની દાયકાઓ જૂની માનસિકતા પર અડગ છે. તેમણે ‘X’ પર લખ્યું કે “દોરડું બળી ગયું પણ વળ ન ગયો, ગાંધી પરિવાર અને કોંગ્રેસની સ્થિતિ પણ આવી જ છે.” મૌર્યએ પ્રશ્ન ઉઠાવ્યો કે કોંગ્રેસ પક્ષ ગીતમાં દર્શાવાયેલા ભારત માતા અને દેવીઓના ઉલ્લેખ સામે કેમ વાંધો ઉઠાવે છે અને સંપૂર્ણ ગીત ગાવાનો ઇનકાર કરે છે?
સામે પક્ષે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપના નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, “ભાજપના નેતાઓ પોતે વંદે માતરમ ગાઈ શકતા નથી, જ્યારે આ ગીત વાગે છે ત્યારે તેઓ માત્ર માથું હલાવવાનું નાટક કરે છે.”

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ ભાજપ અને આરએસએસના સ્વતંત્રતા સંગ્રામના યોગદાન પર સવાલો ઉઠાવ્યા હતા. દરમિયાન, યુપી કોંગ્રેસ પ્રમુખ અજય રાયે સ્પષ્ટતા કરી હતી કે ૧૯૩૭ થી જ કોંગ્રેસના દરેક કાર્યક્રમની શરૂઆત અને અંત વંદે માતરમ સાથે જ થાય છે, તેથી ભાજપે દેશને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ.
