લિયાકત અલીથી બેનઝીર ભુટ્ટો સુધી: પાકિસ્તાનમાં સત્તાધીશોનો હંમેશાં દર્દનાક અંત આવ્યો છે
પાકિસ્તાનના રાજકારણમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનનું જેલ જવું એ કોઈ નવી કે અણધારી ઘટના નથી. પાકિસ્તાનની સ્થાપનાથી લઈને આજ સુધીનો ઈતિહાસ સાક્ષી પૂરે છે કે ત્યાં સત્તા પર બેસનારા નેતાઓનો અંત કાં તો જેલના સળિયા પાછળ થયો છે, કાં તો તેમને દેશનિકાલ ભોગવવો પડ્યો છે અથવા તો તેમની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી છે. લિયાકત અલી ખાનથી લઈને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો, બેનઝીર ભુટ્ટો અને નવાઝ શરીફ સુધીના મોટા ભાગના અગ્રણી નેતાઓ સત્તાના આ લોહિયાળ અને કાળચક્રનો ભોગ બન્યા છે.
ઇમરાન ખાનની જેલ યાત્રા અને સતત વધતી ચિંતાઓ
તાજેતરમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અદિયાલા જેલમાંથી ઇસ્લામાબાદની શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમનું સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું અને આશરે એક-બે કલાક બાદ તેમને ફરીથી જેલમાં મોકલી દેવાયા. ઇમરાન ખાન ઓગસ્ટ 2023થી જેલમાં બંધ છે અને તેમની સામે અનેક કાનૂની કેસો ચાલી રહ્યા છે.
તેમની સ્વાસ્થ્ય સ્થિતિને લઈને પરિવાર સતત ચિંતા વ્યક્ત કરી રહ્યો છે. તેમની બહેને પણ જેલમાં તેમની સુરક્ષા અને જીવન જોખમમાં હોવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે, પાકિસ્તાનની રાજનીતિના સંદર્ભમાં ઇમરાન ખાન સાથે જે થઈ રહ્યું છે તે નવું નથી, પરંતુ જૂની વાર્તાનું નવું પ્રકરણ માત્ર છે.

બદલાની રાજનીતિ: જે વાવે તે જ લણે
પાકિસ્તાનના ઈતિહાસમાં વિરોધ પક્ષો પર કાર્યવાહી કરવાનું આ નાટક વારંવાર પુનરાવર્તિત થતું રહ્યું છે. આજે ઇમરાન ખાન જેલમાં બંધ છે, પરંતુ જ્યારે તેઓ વડાપ્રધાન હતા ત્યારે તેમના સૌથી મોટા રાજકીય હરીફ નવાઝ શરીફ જેલમાં હતા.
વર્ષ 2017 માં પનામા પેપર્સ સ્કેન્ડલમાં નામો ઉછળ્યા બાદ નવાઝ શરીફને વડાપ્રધાન પદ ગુમાવવું પડ્યું હતું અને બાદમાં તેમને જેલની સજા ફટકારવામાં આવી હતી. ઇમરાન ખાનના શાસનકાળ દરમિયાન નવાઝ શરીફ અને તેમના પરિવાર સામે ભ્રષ્ટાચાર અને જવાબદેહીના નામે કડક કાર્યવાહી કરાઈ હતી. બાદમાં ખરાબ સ્વાસ્થ્યના આધારે નવાઝ શરીફને લંડન જવાની મંજૂરી મળી અને તેઓ લાંબો સમય દેશ બહાર રહ્યા. પાકિસ્તાનની રાજનીતિનો આ જ કાળો ઈતિહાસ છે – જે નેતા આજે પોતાના વિરોધીઓને જેલમાં ધકેલે છે, કાલે સત્તા બદલાતા તે પોતે જ તે જ સજાનો ભોગ બને છે.
લિયાકત અલી ખાનથી શરૂ થયેલો હત્યા અને જેલનો સિલસિલો
આ લોહિયાળ ઈતિહાસની શરૂઆત પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનથી થઈ હતી. વર્ષ 1951 માં રાવલપિંડી ખાતે એક જાહેરસભાને સંબોધતી વખતે તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આમ, પાકિસ્તાનના સૌથી પહેલા વડાપ્રધાનનો અંત જ હત્યાથી થયો હતો.
તે પછી હુસેન શહીદ સુહરાવર્દીનો યુગ આવ્યો. તેઓ પણ દેશના વડાપ્રધાન બન્યા, પરંતુ બાદમાં તેમને જેલમાં જવું પડ્યું અને દેશ છોડીને ભાગવાની ફરજ પડી. આખરે વર્ષ 1963 માં લેબનાનમાં રહસ્યમય સંજોગોમાં તેમનું અવસાન થયું, જેની પર આજે પણ સવાલો ઉઠે છે.
ઝુલ્ફિકાર અલી ભુટ્ટો અને બેનઝીર ભુટ્ટોનો દર્દનાક અંત
પાકિસ્તાનના ઈતિહાસનું સૌથી ચર્ચિત અને દર્દનાક પ્રકરણ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોનું છે. તેઓ દેશના સૌથી શક્તિશાળી અને લોકપ્રિય નેતાઓમાં ગણાતા હતા. પરંતુ 1977 માં જનરલ ઝિયા-ઉલ-હકે લશ્કરી બળવો કરીને તેમની સરકાર ઉથલાવી દીધી. ભુટ્ટોની ધરપકડ કરવામાં આવી, જેલમાં પૂરાયા અને 1979 માં તેમને ફાંસી આપી દેવામાં આવી. દાયકાઓ પછી તાજેતરમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું કે ભુટ્ટો સામેનો કેસ અને ટ્રાયલ કાયદાકીય રીતે વાજબી ન હતો.
ઝુલ્ફિકાર અલી ભુટ્ટોના પુત્રી બેનઝીર ભુટ્ટોએ પણ પાકિસ્તાનની સત્તા સંભાળી. તેઓ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા અને બે વાર સત્તા પર આવ્યા, પરંતુ એકપણ વાર પોતાની સરકારનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં. વર્ષો સુધી રાજકીય સંઘર્ષ અને દેશનિકાલ વેઠ્યા બાદ, જ્યારે તેઓ 2007 માં પાકિસ્તાન પાછા ફર્યા, ત્યારે રાવલપિંડીમાં એક ચૂંટણી રેલી બાદ તેમની પણ નિર્મમ હત્યા કરી દેવામાં આવી.
નવાઝ શરીફથી પરવેઝ મુશર્રફ: સત્તા, તખ્તાપલટો અને દેશનિકાલ
નવાઝ શરીફ પાકિસ્તાની રાજકારણના આ કાળચક્રનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓ દેશના ત્રણ વખત વડાપ્રધાન બન્યા, પરંતુ એક પણ વખત પોતાનો 5 વર્ષનો બંધારણીય કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં. 1999 માં જનરલ પરવેઝ મુશર્રફે સૈન્ય બળવો કરીને તેમની સરકાર તોડી પાડી હતી. નવાઝ શરીફની ધરપકડ કરાઈ અને બાદમાં તેમને સાઉદી અરેબિયા દેશનિકાલમાં જવું પડ્યું. 2017 માં તેઓ ફરી સત્તામાંથી બહાર ફેંકાયા અને જેલે જવું પડ્યું.
પરંતુ આ વાર્તા અહીં પૂરી નથી થતી. જે જનરલ મુશર્રફે નવાઝ શરીફને સત્તા પરથી હટાવ્યા હતા, તેમને પણ આખરે જનતાના વિરોધ સામે સત્તા છોડવી પડી હતી. 2008 માં તેમણે રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપવું પડ્યું અને ત્યાર પછીના વર્ષોમાં તેમને પણ દેશ બહાર ગુમનામીમાં રહેવું પડ્યું. આખરે 2023 માં દુબઈ ખાતે તેમનું પણ અવસાન થયું.
શું આગામી નંબર સેના પ્રમુખ આસિમ મુનીરનો હશે?
હવે સૌથી મોટો સવાલ પાકિસ્તાનની વર્તમાન સત્તાના સૌથી શક્તિશાળી કેન્દ્ર ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને લઈને ઉઠી રહ્યો છે. તેઓ સતત પોતાની તાકાત વધારી રહ્યા છે અને પાકિસ્તાનની સત્તા પર મજબૂત પકડ બનાવી રહ્યા છે. કેટલાક રાજકીય વિશ્લેષકો તો મજાકમાં એવું પણ કહે છે કે જો સ્થિતિ આવી જ રહી તો જનરલ મુનીર પોતાની જાતને પાકિસ્તાનના નવા ‘કાઇદે-આઝમ’ (જે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાને કહેવામાં આવે છે) જાહેર કરી દેશે!
પરંતુ, પાકિસ્તાનનો ભૂતકાળ અને ઈતિહાસ સ્પષ્ટપણે સૂચવે છે કે ત્યાં સત્તાના આ લોહિયાળ ખેલનો અંત હંમેશાં ભયાનક અને દર્દનાક જ આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાનનો ઈતિહાસ ફરી પોતાની જાતને દોહરાવે છે કે કેમ.

