ન્યૂઝીલેન્ડ સામે વિરાટ કોહલી પાસે ઇતિહાસ રચવાની તક, બાબર આઝમને પાછળ છોડવા માત્ર એક મોટી ઇનિંગની જરૂર
ભારતીય ક્રિકેટના સ્ટાર બેટર વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીની શરૂઆત શાનદાર અંદાજમાં કરી છે. પ્રથમ મેચમાં 51 બોલમાં 74 રનની મેચ વિનિંગ ઇનિંગ રમીને તેણે ફરી સાબિત કર્યું કે મોટા રેકોર્ડ બનાવવાની તેની ભૂખ હજુ ઓછી થઈ નથી. આ પ્રદર્શન બાદ હવે કોહલી પાસે ન્યૂઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરવાની તક છે. જો તે આગામી મેચમાં વધુ એક વખત 50 કે તેથી વધુ રન બનાવશે, તો ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ વખત આવી ઇનિંગ રમવાના મામલે પાકિસ્તાનના બાબર આઝમને પાછળ છોડી શકે છે.
કોહલી પહેલેથી જ અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે. જોકે, આ વખતે તેની નજર ન્યૂઝીલેન્ડ સામે 50 કે તેથી વધુ રનની ઇનિંગ્સની સંખ્યામાં ટોચનું સ્થાન મેળવવા પર રહેશે. રસપ્રદ વાત એ છે કે આ યાદીમાં કોહલી અને બાબર બંને હાલમાં સમાન આંકડા પર છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ પણ તેમની સાથે આ યાદીમાં સામેલ છે.

ન્યૂઝીલેન્ડ સામે 50+ રનની ઇનિંગ્સમાં બાબર અને કોહલીની બરાબરી
ન્યૂઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં વિરાટ કોહલીનો રેકોર્ડ પ્રભાવશાળી રહ્યો છે. તેણે કિવી ટીમ સામે અત્યાર સુધી 61 મેચમાં 47.66ની સરેરાશથી કુલ 3,241 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 10 સદી અને 17 અડધી સદી નીકળી છે. એટલે કે ન્યૂઝીલેન્ડ સામે કોહલીએ કુલ 27 વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા છે.
બીજી તરફ, પાકિસ્તાનના બાબર આઝમના નામે પણ ન્યૂઝીલેન્ડ સામે 27 વખત 50 કે તેથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. બાબરે આ સિદ્ધિ 63 ઇનિંગ્સમાં મેળવી છે. કોહલીએ આટલી જ વખત 50+ રન બનાવવા માટે 74 ઇનિંગ્સ લીધી છે. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે પણ ન્યૂઝીલેન્ડ સામે 77 ઇનિંગ્સમાં 27 વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા હતા.
આ આંકડા પ્રમાણે કોહલી, બાબર અને પોન્ટિંગ હાલમાં સંયુક્ત રીતે ટોચના સ્થાને છે. જો કોહલી આગામી મેચમાં અડધી સદી કે તેનાથી વધુ રન બનાવશે, તો તે આ યાદીમાં એકલા પ્રથમ સ્થાને પહોંચી શકે છે. તેની તાજેતરની ફોર્મને જોતા ચાહકોની નજર હવે તેની આગામી ઇનિંગ પર રહેશે.
- બાબર આઝમ (પાકિસ્તાન) – 27 વખત, 63 ઇનિંગ્સ
- વિરાટ કોહલી (ભારત) – 27 વખત, 74 ઇનિંગ્સ
- રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – 27 વખત, 77 ઇનિંગ્સ
- જો રૂટ (ઇંગ્લેન્ડ) – 26 વખત, 77 ઇનિંગ્સ
- સચિન તેંડુલકર (ભારત) – 25 વખત, 80 ઇનિંગ્સ
- જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા) – 24 વખત, 76 ઇનિંગ્સ
ODIમાં સદીની ભાગીદારીના રેકોર્ડ પર પણ કોહલીની નજર
વિરાટ કોહલીની નજર માત્ર ન્યૂઝીલેન્ડ સામેના 50+ રનના રેકોર્ડ પર જ નથી. વન-ડે ક્રિકેટમાં સદીની ભાગીદારીના મામલે પણ તે એક મોટા રેકોર્ડની નજીક છે. કોહલીએ અત્યાર સુધી ODI ફોર્મેટમાં 89 વખત સદીની ભાગીદારી નોંધાવી છે. આ યાદીમાં તે ભારતના મહાન બેટર સચિન તેંડુલકર પછી બીજા સ્થાને છે.
સચિન તેંડુલકરના નામે વન-ડે ક્રિકેટમાં 99 સદીની ભાગીદારીનો રેકોર્ડ નોંધાયેલો છે. એટલે કે કોહલી આ રેકોર્ડથી 10 સદીની ભાગીદારી દૂર છે. લાંબી ઇનિંગ રમવાની સાથે સાથી બેટર સાથે મોટી ભાગીદારી કરવાની ક્ષમતા પણ કોહલીની બેટિંગની ખાસિયત રહી છે. તેની રમતના આ પાસાને કારણે તે ODIમાં આ યાદીમાં બીજા સ્થાને પહોંચ્યો છે.

