વ્યારાની જિજ્ઞાશાબેન પંચાલે મુશ્કેલીઓ વચ્ચે જીવનમાં નવી શરૂઆત કરી
રાજ્ય સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે. તાપી જિલ્લાના વ્યારામાં રહેતા જિજ્ઞાશાબેન પંચાલના જીવનમાં આ યોજનાઓ એક નવી આશા લઈને આવી છે. વર્ષ ૨૦૨૦માં કોરોનાકાળ દરમિયાન પતિના અકાળે અવસાનથી જિજ્ઞાશાબેન પર આભ તૂટી પડ્યું હતું. પાંચ વર્ષની નાનકડી દીકરીની જવાબદારી અને આવકનું કોઈ સાધન ન હોવાથી પરિવાર આર્થિક સંકટમાં મુકાઈ ગયો હતો. આવા કપરા સમયે મહિલા અને બાળ વિકાસ વિભાગની ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હતી.
આર્થિક સહાયથી મળી મુશ્કેલ સમયમાં ટકી રહેવાની હિંમત
પતિના અવસાન બાદ નિરાધાર બનેલા જિજ્ઞાશાબેનને આ યોજના હેઠળ દર મહિને રૂ. ૧૨૫૦ની સહાય મળવાનું શરૂ થયું હતું. બેરોજગારી અને અનિશ્ચિતતાના એ સમયમાં આ નાની ગણાતી રકમ પણ તેમના માટે મોટો ટેકો બની હતી. આ સહાયને કારણે તેમને પોતાની દીકરીનું ભરણપોષણ કરવામાં મદદ મળી અને માનસિક રીતે મજબૂત બની મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત મળી. જિજ્ઞાશાબેન જણાવે છે કે સરકારની આ સમયસરની મદદ વગર જીવનની ગાડી આગળ ધપાવવી ખૂબ જ કઠિન હતી.
‘પુનઃલગ્ન સહાય યોજના’ દ્વારા નવા જીવનની મંગલ શરૂઆત
દીકરીના ઉજ્જવળ ભવિષ્ય અને સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિજ્ઞાશાબેને પરિવારની સંમતિથી પુનઃલગ્ન કરવાનો નિર્ણય લીધો. આ નવી શરૂઆતમાં પણ રાજ્ય સરકાર તેમની પડખે ઊભી રહી. ‘ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના’ હેઠળ તેમને રૂ. ૫૦,૦૦૦ની એકસાથે સહાય મળતા નવા સંસારની શરૂઆત કરવામાં આર્થિક સરળતા રહી. આજે તેઓ પોતાની દીકરી સાથે સન્માનભેર જીવન જીવી રહ્યા છે. આ યોજનાઓ માત્ર નાણાકીય મદદ જ નહીં, પરંતુ મહિલાઓને સમાજમાં આત્મનિર્ભર અને સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવે છે.
