‘કોંગ્રેસે CIA અને KGB બંને પાસેથી પૈસા લીધા’: સુધાંશુ ત્રિવેદીનો ગંભીર આરોપ, AI સમિટમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન બાદ મામલો ગરમાયો
ભારતીય રાજનીતિમાં હાલમાં ‘વિદેશી ફંડિંગ’ અને ‘રાષ્ટ્રીય હિત’ને લઈને મોટો વિવાદ છેડાયો છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ ઈતિહાસના પાના ઉથલાવીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે ઈન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન કોંગ્રેસે અમેરિકી ગુપ્તચર એજન્સી CIA અને રશિયન એજન્સી KGB બંને પાસેથી આર્થિક મદદ લીધી હતી. આ ગંભીર આરોપો એવા સમયે આવ્યા છે જ્યારે કોંગ્રેસે તાજેતરમાં જ યોજાયેલી ‘India AI Impact Summit’ માં વડાપ્રધાન વિરુદ્ધ મોરચો માંડ્યો હતો.
કેશથી ભરેલા સૂટકેસ સીધા PMના ઘરે પહોંચતા: સુધાંશુ ત્રિવેદી
સુધાંશુ ત્રિવેદીએ આક્ષેપ કર્યો હતો કે ઈન્દિરા ગાંધીના સમયમાં CIAનો પ્રભાવ એટલો હતો કે તે દરેક જગ્યાએ હાજર હતી. તેમણે વધુમાં સનસનીખેજ દાવો કર્યો કે, “કેશથી ભરેલા KGBના સૂટકેસ સીધા વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચાડવામાં આવતા હતા અને તત્કાલીન કોંગ્રેસના 40% સાંસદો સોવિયત યુનિયનના પેરોલ પર હતા.” ત્રિવેદીના મતે, કોંગ્રેસે વિરોધ પક્ષોને કચડી નાખવા માટે વિદેશી સોના અને નાણાંનો દુરુપયોગ કર્યો હતો, જે વાત તે સમયના બ્રિટિશ ડિપ્લોમેટ્સ પણ સ્વીકારતા હતા.
AI સમિટમાં કોંગ્રેસનું પ્રદર્શન અને ‘PM is Compromised’ ના નારા
બીજી તરફ, કોંગ્રેસ કાર્યકર્તાઓએ દિલ્હીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય AI સમિટ દરમિયાન ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબના નેતૃત્વમાં પ્રદર્શનકારીઓએ વડાપ્રધાનને ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ ગણાવ્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે અમેરિકા સાથે કરવામાં આવેલી આ ટ્રેડ ડીલ ભારતીય ખેડૂતો અને જનતાના હિતો સાથે ચેડા છે, જેનો સીધો ફાયદો માત્ર અમેરિકાને જ થશે. આ પ્રદર્શનને તેમણે બેરોજગાર યુવાનોનો આક્રોશ ગણાવ્યો હતો.
પોલીસની કાર્યવાહી: 8 લોકોની ધરપકડ
ભારત મંડપમ ખાતે ચાલી રહેલી આ હાઈ-પ્રોફાઈલ સમિટમાં સુરક્ષા ભંગ કરવાનો પ્રયાસ કરવા બદલ દિલ્હી પોલીસે કડક કાર્યવાહી કરી છે. સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ CP દેવેશ ચંદ્ર શ્રીવાસ્તવે જણાવ્યું કે, 20 ફેબ્રુઆરી 2026ના રોજ આંતરરાષ્ટ્રીય મહેમાનોની હાજરીમાં સુરક્ષા ઘેરો તોડવાનો પૂર્વ આયોજિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે આક્રમક તત્વોને કાબૂમાં લઈને FIR નોંધી છે અને ઉદય ભાનુ ચિબ સહિત અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

