મોટો ઝટકો કે પૈસાનો બગાડ? જાણો WhatsApp Plus ના એવા ફીચર્સ જે યુઝર્સને કરી રહ્યા છે નિરાશ
વિશ્વના સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp) નો ઉપયોગ આપણા રોજિંદા જીવનનો એક અનિવાર્ય હિસ્સો બની ગયો છે. અત્યાર સુધી આપણે આ એપનો બિલકુલ મફત (Free) ઉપયોગ કરતા આવ્યા છીએ, પરંતુ હવે વોટ્સએપ યુઝર્સે ખિસ્સા ખાલી કરવા માટે તૈયાર રહેવું પડશે. કંપનીએ તેનું નવું પેઇડ સબ્સ્ક્રિપ્શન મોડલ ‘વોટ્સએપ પ્લસ’ (WhatsApp Plus) રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું છે. હાલમાં તેને આઇફોન (iOS) યુઝર્સ માટે કેટલીક જગ્યાએ લોન્ચ કરવામાં આવ્યું છે, જ્યારે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર તેની બીટા ટેસ્ટિંગ ચાલી રહી છે. તેનો અર્થ એ કે ટૂંક સમયમાં જ તે તમામ એન્ડ્રોઇડ યુઝર્સ માટે પણ ઉપલબ્ધ થઈ જશે. જો તમે પણ આ સબ્સ્ક્રિપ્શન પ્લાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોવ, તો તમને જણાવી દઈએ કે આમાં મળનારા ફીચર્સ તમને કદાચ નિરાશ કરી શકે છે, કારણ કે તેની કિંમતની સામે મળતા ફાયદાઓ બહુ ખાસ નથી.
કેટલી છે કિંમત અને શું છે આ નવા ફીચર્સ?
વોટ્સએપ પ્લસને અત્યારે પ્રારંભિક તબક્કે યુરોપના કેટલાક દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યાં તેની કિંમત આશરે ૨૮૦ રૂપિયા પ્રતિ મહિનો રાખવામાં આવી છે. જોકે, આ કિંમત ચૂકવ્યા પછી જે ફીચર્સ મળી રહ્યા છે, તે મોટાભાગે ‘કોસ્મેટિક’ એટલે કે માત્ર દેખાવ પૂરતા જ છે, જે યુઝર્સની કોઈ મોટી જરૂરિયાતો પૂરી કરતા નથી.
આ પેઇડ પ્લાનમાં હાલમાં નીચે મુજબના ફીચર્સ આપવામાં આવી રહ્યા છે:
-
થીમ અને એપ આઇકન: યુઝર્સ પોતાની પસંદગી મુજબ વોટ્સએપની થીમ અને બહારનો લોગો (આઇકન) બદલી શકશે.
-
૨૦ ચેટ પિન કરવાની સુવિધા: સામાન્ય વોટ્સએપમાં આપણે માત્ર ૩ જ ચેટ ટોપ પર પિન કરી શકીએ છીએ, જ્યારે આ પ્લાનમાં એકસાથે ૨૦ ચેટ પિન કરી શકાશે.
-
પ્રીમિયમ રિંગટોન: કોલિંગ માટે કેટલાક ખાસ અને પ્રીમિયમ રિંગટોનનો ઓપ્શન મળશે.
-
ચેટ લિસ્ટ કસ્ટમાઇઝેશન: તમારી ચેટ સ્ક્રીનનો લુક બદલવાની આઝાદી મળશે.
-
ખાસ ઇફેક્ટ્સવાળા પ્રીમિયમ સ્ટિકર્સ: મેસેજિંગને વધુ મનોરંજક બનાવવા માટે સ્પેશિયલ સ્ટિકર્સ મળશે.
જો આપણે ૨૦ ચેટ પિન કરવાના એકમાત્ર કામના ફીચરને બાદ કરીએ, તો બાકીના તમામ ફીચર્સ એવા છે જેના વગર કોઈપણ યુઝરને કોઈ ફરક પડતો નથી. હવે માત્ર ચેટ પિન કરવા માટે દર મહિને ૨૮૦ રૂપિયાનો આંધળો ખર્ચ કરવો કોઈ પણ રીતે ડહાપણભર્યો સોદો કહી શકાય નહીં.
શું ભવિષ્યમાં નવા ફીચર્સ ઉમેરાશે અને કિંમત ઘટશે?
હાલમાં કંપનીએ આ પ્લાનને માત્ર યુઝર્સના ફીડબેક (અભિપ્રાય) લેવા માટે ખૂબ જ પ્રાથમિક સ્ટેજ પર લોન્ચ કર્યો છે. જ્યારે આ પ્લાન વૈશ્વિક સ્તરે વધુ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે, ત્યારે કંપની આમાં કેટલાક શક્તિશાળી પ્રોડક્ટિવિટી ફીચર્સ ઉમેરી શકે છે.
જ્યાં સુધી ભારત જેવા ‘પ્રાઇસ-સેન્સિટિવ’ (કિંમત પ્રત્યે સંવેદનશીલ) માર્કેટનો સવાલ છે, અહીં લોકો મફત અથવા સસ્તી વસ્તુઓ વધુ પસંદ કરે છે. આથી, નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે આ પ્લાન ભારતમાં લોન્ચ થશે, ત્યારે કંપની તેની કિંમત ૨૮૦ રૂપિયાથી ઘણી ઓછી રાખી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે વોટ્સએપની મુખ્ય સુવિધાઓ જેવી કે નોર્મલ ચેટિંગ, વોઇસ-વિડિયો કોલિંગ અને ફાઇલ શેરિંગ હંમેશાની જેમ બિલકુલ ફ્રી જ રહેશે. આવી સ્થિતિમાં, ભારતના લોકોને માત્ર લુક બદલવા માટે પેઇડ સબ્સ્ક્રિપ્શન વેચવું કંપની માટે લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થશે.
ઇતિહાસનું પુનરાવર્તન: વોટ્સએપ પહેલાં પણ ચાર્જ વસૂલતું હતું
ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે વોટ્સએપ પોતાના પ્લેટફોર્મ પર સબ્સ્ક્રિપ્શન લાવવાનો વિચાર પહેલીવાર નથી કરી રહ્યું. વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૬ ની વચ્ચે, વોટ્સએપ વાપરવા માટે માત્ર પ્રથમ વર્ષ જ ફ્રી હતું. બીજા વર્ષથી યુઝર્સે એપ વાપરવા માટે ૧ ડોલર પ્રતિ વર્ષ (તે સમયે આશરે ૬૦ થી ૬૫ રૂપિયા) નો ચાર્જ ચૂકવવો પડતો હતો.
ભલે આ રકમ ખૂબ જ નાની હતી, પરંતુ તે સમયે ડિજિટલ પેમેન્ટ એટલું સરળ નહોતું. જેના કારણે કંપની માટે વિશ્વના ઘણા દેશોમાં પોતાનો યુઝર બેઝ જાળવી રાખવો અને નવા યુઝર્સ ઉમેરવા અત્યંત મુશ્કેલ બની ગયા હતા. લોકો વોટ્સએપ છોડીને અન્ય ફ્રી એપ્સ તરફ વળવા લાગ્યા હતા. કંપનીએ આ ગંભીર સમસ્યાને ઓળખીને ૨૦१૬ માં આ વાર્ષિક ચાર્જ સંપૂર્ણપણે હટાવી દીધો હતો. આ જ સાહસિક નિર્ણયનું પરિણામ છે કે આજે દુનિયાભરમાં અબજો લોકો વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે.

