મુકુટ મૂળ અવસ્થામાં યોગ્ય ખેતી વ્યવસ્થાપનથી ઘઉંનો પાક બને મજબૂત
સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ વર્ષે ઘઉંનું વાવેતર મોટા પાયે થયું છે અને હાલ ખેતરોમાં પાક જુદા જુદા વિકાસ તબક્કામાં જોવા મળી રહ્યો છે. મોટાભાગના ખેતરોમાં ઘઉં 20 થી 25 દિવસનો થયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં પાકને હજી એક મહિનો પણ પૂર્ણ થયો નથી. હાલનો સમય ઘઉં માટે અત્યંત મહત્વની મુકુટ મૂળ અવસ્થા તરીકે ઓળખાય છે. આ અવસ્થા દરમિયાન પાકના મૂળ તંત્રનો વિકાસ થાય છે અને આગળના વિકાસ માટે મજબૂત પાયો તૈયાર થાય છે.
મુકુટ મૂળ અવસ્થામાં બેદરકારીથી થઈ શકે મોટું નુકસાન
ખેતીવાડી અધિકારી ભાવેશભાઈ પીપળીયાના જણાવ્યા મુજબ આ અવસ્થામાં યોગ્ય ખાતર અને સમયસર પિયત ન અપાય તો ઉત્પાદનમાં ભારે ઘટાડો આવી શકે છે. સંશોધન અનુસાર, આ તબક્કે પાણીની અછત રહે તો પાક તણાવમાં આવી જાય છે. પરિણામે દાણાની સંખ્યા અને ગુણવત્તા બંને પર નકારાત્મક અસર પડે છે. અંદાજે 36 ટકા સુધી ઉત્પાદન ઘટી શકે તેવી સંભાવના રહે છે.
ખાતર અને ઝીંકના ઉપયોગથી પાકને મજબૂતી
મુકુટ મૂળ અવસ્થામાં યુરિયા ખાતર આપવાથી નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી થાય છે. નાઇટ્રોજન છોડની વૃદ્ધિને તેજ બનાવે છે અને લીલોતરી વધારે છે. સાથે સાથે વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ અને ઝીંકનો છંટકાવ કરવાથી મૂળ વધુ મજબૂત બને છે. આ પ્રક્રિયા દાણાની ભરાવ અને ગુણવત્તામાં સુધારો લાવવામાં મદદરૂપ બને છે.
પિયત અને ભેજનું યોગ્ય આયોજન જરૂરી
આ તબક્કામાં સમાન રીતે ખાતર છંટકાવ અને સમયાંતરે પિયત આપવું અત્યંત જરૂરી છે. જમીનમાં પૂરતો ભેજ જળવાય તો પાક પર તણાવ ઓછો રહે છે. ભેજની અછત પાકની વૃદ્ધિ અટકાવી શકે છે. તેથી ખેડૂતોને જમીનની સ્થિતિ મુજબ પિયતનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે.
ચણા સહિત શિયાળુ પાક માટે પણ મહત્વનો સમય
ઘઉં સાથે સાથે સૌરાષ્ટ્રમાં ચણાનું પણ વ્યાપક વાવેતર થયું છે. ચણા પાક માટે 19:19:19 વોટર સોલ્યુબલ ખાતર આપવાથી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ સંતુલિત પ્રમાણમાં મળે છે. ઉપરાંત 21:61:0 ખાતરનો ઉપયોગ મૂળ વિકાસ અને ફૂલ-ફળ ધારણ માટે ઉપયોગી માનવામાં આવે છે. યોગ્ય ખાતર વ્યવસ્થાથી ચણામાં પણ ઉત્પાદન વધે છે.
વૈજ્ઞાનિક ખેતીથી વધશે ઉત્પાદન અને આવક
ખેતીવાડી અધિકારીઓએ ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખાતર અને પાણીનું સંચાલન કરવા અપીલ કરી છે. યોગ્ય સમય પર યોગ્ય માત્રામાં પિયત અને ખાતર અપાશે તો શિયાળુ પાકોમાં સારું ઉત્પાદન મળી શકે છે. આ સમયગાળો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા પાક અને વધુ આવકની આશા લઈને આવ્યો છે.

