વ્હાઇટ હાઉસને બનાવ્યું સ્ટેડિયમ! ડિનર પછી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે ટ્રમ્પનો AI વીડિયો વાયરલ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે ડિનર કર્યાના થોડા દિવસો પછી એક AI-જનરેટેડ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ટ્રમ્પ ક્રિસ્ટિયાનો સાથે ફૂટબોલ રમતા જોવા મળી રહ્યા છે.
AI જનરેટેડ વીડિયોમાં ટ્રમ્પ વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે કીપ-અપ્સ, હેડર અને ડ્રિબલ કરતા નજરે પડે છે.
વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં ટ્રમ્પે લખ્યું – “રોનાલ્ડો એક મહાન વ્યક્તિ છે. વ્હાઇટ હાઉસમાં તેમને મળીને ખૂબ સારું લાગ્યું. ખરેખર સ્માર્ટ અને શાનદાર.”
AI થી તૈયાર કરાયેલો વીડિયો
ટ્રમ્પે ગુરુવારે વ્હાઇટ હાઉસની અંદર પોર્ટુગલના સ્ટાર ખેલાડી સાથે ફૂટબોલ રમતા એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) થી તૈયાર કરાયેલો વીડિયો પોસ્ટ કર્યો. બંનેને ઓવલ ઓફિસમાં કિક મારતા જોઈ શકાય છે, જ્યારે ટ્રમ્પ બોલને રોકવા માટે પોતાની એડીઓ પર ફરે છે અને પછી તેને દર્શકની તરફ મારે છે.
મળી રહ્યાં છે ભરપૂર લાઈક-કમેન્ટ
સમાચાર લખાય ત્યાં સુધી આ વીડિયો 44 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને બે મિલિયનથી વધુ લાઇક્સ આવી ચૂકી છે. આના પર સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. વળી, કેટલાક યુઝર્સ મજાક પણ ઉડાવી રહ્યા છે.
“આ અમેરિકાના રાષ્ટ્રપતિ છે…?”
એક યુઝરે લખ્યું, “જે રીતે હું ટ્રમ્પને બોલને માથાથી મારવા માટે ઝૂકતા જોઉં છું, તે તેને વધુ હાસ્યાસ્પદ બનાવે છે,” જ્યારે બીજાએ કહ્યું, “નફરત કરનારા કહેશે કે આ AI છે.” વળી, અન્ય એક યુઝરે કહ્યું, “ભાઈ, મને સાચેમાં લાગ્યું કે આ કોઈ મીમ પેજ છે. આ અમેરિકાના રાષ્ટ્રપતિ છે. હાહા.”
View this post on Instagram
ડિનર દરમિયાન થઈ મુલાકાત
નોંધનીય છે કે ટ્રમ્પ અને રોનાલ્ડોની મુલાકાત સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સન્માનમાં વ્હાઇટ હાઉસમાં આયોજિત ડિનર દરમિયાન થઈ હતી. પોતાના ભાષણમાં ટ્રમ્પે રોનાલ્ડોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમનો સૌથી નાનો પુત્ર બેરોન પાંચ વખત બેલોન ડી’ઓર પુરસ્કાર વિજેતા રોનાલ્ડોનો “ખૂબ મોટો પ્રશંસક” છે. તેમણે રોનાલ્ડોને પોતાના કિશોર પુત્ર સાથે પણ મળાવ્યો હતો.
