નેપાળ ચૂંટણી મહાકુંભ: 1.89 કરોડ મતદારો નક્કી કરશે 275 સાંસદોનું ભાગ્ય, 24 કલાકમાં આવશે પરિણામો
હિમાલયની ગોદમાં વસેલા પડોશી દેશ નેપાળમાં લોકશાહીનો પર્વ શરૂ થવા જઈ રહ્યો છે. આગામી 5 માર્ચના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે નેપાળ ચૂંટણી પંચે કમર કસી લીધી છે. કાર્યવાહક મુખ્ય ચૂંટણી કમિશનર રામ પ્રસાદ ભંડારીએ એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે, મતદાન પૂર્ણ થયા બાદ મતોની ગણતરી શરૂ થયાના માત્ર 24 કલાકમાં જ પરિણામો જાહેર કરી દેવામાં આવશે. આ ચૂંટણી માત્ર નેપાળ માટે જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાની રાજનીતિ માટે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.
1.89 કરોડ મતદારો અને 275 બેઠકોનું ગણિત
નેપાળની પ્રતિનિધિ સભા (સંસદ) ના કુલ 275 સભ્યોને ચૂંટવા માટે આ વખતે 1.89 કરોડ લાયક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નેપાળની સંસદીય પ્રણાલી ભારત કરતા થોડી અલગ અને રસપ્રદ છે. અહીં 275 સભ્યોની પસંદગી બે અલગ-અલગ પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે:
- પ્રત્યક્ષ મતદાન (FPTP): 165 સાંસદોની પસંદગી સીધી રીતે જનતા દ્વારા કરવામાં આવે છે, જ્યાં સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર વિજેતા બને છે.
- સમાનુપાતિક પ્રતિનિધિત્વ (PR): બાકીના 110 સાંસદોની પસંદગી પક્ષોને મળેલા કુલ મતોના ટકાવારીના આધારે કરવામાં આવે છે. આ પ્રણાલી નાના પક્ષો અને લઘુમતીઓને સંસદમાં સ્થાન અપાવવા માટે બનાવવામાં આવી છે.
શું છે સમાનુપાતિક મતદાન પ્રણાલી?
સમાનુપાતિક પ્રણાલી એ નેપાળની લોકશાહીની એક વિશિષ્ટતા છે. આ અંતર્ગત દેશભરમાં રાજકીય પક્ષોને મળેલા કુલ મતોના આધારે 110 બેઠકોની વહેંચણી કરવામાં આવે છે. મતદારો દરેક પક્ષ માટે અલગથી મતદાન કરે છે. પક્ષોએ તેમની ઉમેદવારોની યાદીમાં મહિલાઓ, દલિતો, જનજાતિઓ, મધેશીઓ અને અન્ય વંચિત જૂથોનો સમાવેશ કરવો ફરજિયાત છે. આ પદ્ધતિનો મુખ્ય હેતુ નેપાળની સામાજિક અને વંશીય વિવિધતાને સંસદમાં યોગ્ય સ્થાન આપવાનો છે.
ચૂંટણી પંચની સજ્જતા અને સીમા સુરક્ષા
ચૂંટણી પંચના પ્રવક્તા નારાયણ પ્રસાદ ભટ્ટરાઈના જણાવ્યા અનુસાર, કાઠમંડુ ખીણ સિવાયના તમામ વિસ્તારોમાં મતપત્રો પહોંચાડવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. કાઠમંડુ, ભક્તપુર અને લલિતપુર જેવા મુખ્ય વિસ્તારોમાં પણ મંગળવાર રાત સુધીમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવશે.
સુરક્ષાના દૃષ્ટિકોણથી, નેપાળ-ભારત સરહદ મતદાનના 72 કલાક પહેલા સીલ કરી દેવામાં આવશે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. 5 માર્ચના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. ચૂંટણી પંચની યોજના એવી છે કે જેવી મતપેટીઓ એકત્રિત થાય, તરત જ ગણતરી શરૂ કરી દેવી જેથી પ્રત્યક્ષ મતદાનના પરિણામો 24 કલાકમાં આપી શકાય, જ્યારે સમાનુપાતિક બેઠકોના પરિણામોમાં એકથી બે દિવસનો સમય લાગી શકે છે.

