લોકસભામાં બજેટ ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી અને સ્પીકર વચ્ચે ગરમાગરમી
લોકસભામાં આજે બજેટ પરની ચર્ચા દરમિયાન કેટલાક દ્રશ્યો ભારે ચર્ચાનો વિષય બન્યા હતા. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધન દરમિયાન વારંવાર વિષયથી ભટકીને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા, જેના કારણે પીઠાસીન સ્પીકર જગદંબિકા પાલે તેમને નિયમોની યાદ અપાવવી પડી હતી.
ગૃહમાં જ્યારે રાહુલ ગાંધી પોતાની વાત રજૂ કરી રહ્યા હતા, ત્યારે તેમણે સ્પીકરને કોંગ્રેસના જૂના સભ્ય ગણાવીને હળવો કટાક્ષ કર્યો હતો. તેના જવાબમાં જગદંબિકા પાલે કહ્યું, “જો તમે મારી સલાહ માની હોત, તો તમે ત્યાં (વિપક્ષમાં) બેઠા ન હોત. હવે તમે અહીં છો, તેનો અર્થ એ છે કે તમે મારી સલાહ માની નથી.” આ જવાબ સાંભળીને થોડી ક્ષણો માટે રાહુલ ગાંધી પણ શાંત થઈ ગયા હતા.
ડેટા અને AI પર રાહુલ ગાંધીની ચિંતા
રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં આર્થિક સ્થિરતાથી અસ્થિરતા તરફ વધી રહેલા દેશના વલણ અને વૈશ્વિક પરિસ્થિતિઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના વર્ચસ્વને પડકારવામાં આવી રહ્યો છે અને તેના કેન્દ્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત પાસે 1.4 અબજની વસ્તીની સાથે વિશાળ ‘ડેટા’ છે, જે દેશની સૌથી મોટી તાકાત છે.
ભારત-અમેરિકા વેપાર કરાર પર સવાલો
આ દરમિયાન રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા વચ્ચેના વેપાર કરારને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે:
- ભારતનો ડેટા અને ડિજિટલ સંપત્તિની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઈએ.
- સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે સરકારે ડિજિટલ ટ્રેડ નિયમો પરનું નિયંત્રણ છોડી દીધું છે અને વિદેશી કંપનીઓને મોટી છૂટ આપી છે.
તદુપરાંત, રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, “ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે નબળી સ્થિતિમાં લાવીને વેચવામાં આવ્યું છે.” તેમણે વડાપ્રધાન પર પરોક્ષ રીતે દબાણ અને નિર્ણયોમાં ડરની અસર દેખાતી હોવાનો દાવો પણ કર્યો હતો.
ગૃહમાં તેમના આ ભાષણ દરમિયાન ઘણી વખત સ્પીકરે નિયમોનો હવાલો આપીને તેમને મુખ્ય વિષય પર પાછા ફરવાની ચેતવણી આપી હતી. સંસદમાં આ દ્રશ્ય તમામ સાંસદો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

